નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં બાળકોમાં રાજનીતિ અંગે જાગૃતિ વધે અને વિધાનસભામાં કેવી રીતે કામ થાય છે તેની પણ બાળકોને ખબર પડે તે હેતુથી એક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની શાળાઓમાંથી બાળકોની પસંદગી કરવામાં આવી છે. આ બાળકો એક દિવસ માટે ધારાસભ્ય બનશે અને તેમાથી એક વિદ્યાર્થી એક દિવસ માટે મુખ્યમંત્રી બનશે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આગામી 21 જુલાઇના રોજ ગુજરાત વિધાનસભામાં આ આયોજન કરવામાં આવ્યું છે. આવું કરવા વાળું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.
આ કાર્યક્રમ માટે ગુજરાતનાં અમદાવાદ સહિતના અન્ય જિલ્લા જેવા કે સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, કચ્છ, ગાંધીનગર, જામનગર, આણંદ, ગોંડલ, મહેસાણા, નડિયાદની 3500 જેટલી શાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમાંથી બાળકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 182 વિદ્યાર્થીઓ ધારાસભ્યો બનશે અને તેમાંથી જ એક મુખ્યમંત્રી બનશે જ્યારે 14 જેટલા વિદ્યાર્થીઓને મંત્રી પદ આપવામાં આવશે.
વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબેન આચાર્યના જણાવ્યા મુજબ, યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને, તેની ચર્ચા કેવી રીતે થાય વગેરે રૂબરૂ શીખી શકાય તે મુખ્ય હેતુ છે. જે 21 જુલાઈના રોજ આ કાર્યક્રમ યોજાશે. જેમાં પસંદ કરાયેલા 182 વિદ્યાર્થીઓ વિધાનસભા ચલાવવા માટે તૈયાર રહેશે.
આ કાર્યક્રમમાં આમદવાદનો એક વિદ્યાર્થી રોહન એક દિવસ માટે મુખ્યમંત્રી બનશે, જ્યારે મિશ્રી શાહ વિધાનસભા અધ્યક્ષ (વડોદરા), ગૌતમ દવે વિપક્ષના નેતા (ગાંધીનગર), હર્ષ સાંઘાણી કૃષિ મંત્રી (અમદાવાદ), મનન ચાવડા શિક્ષણ મંત્રી (અમરેલી), યશ પટેલ રમત-ગમત મંત્રી (વડોદરા), કશિષ કાપડી વન અને પર્યાવરણ મંત્રી (અમદાવાદ), મેઘાવી દવે કુટિર ઉદ્યોગ મંત્રી (ગાંધીનગર), હર્ષિલ રામાણી આદિજાતિ વિકાસ મંત્રી (અમદાવાદ), જય વ્યાસ કાયદા મંત્રી (વડોદરા), રાજન મારુ ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી (રાજકોટ), નીલય ડાઘલી શ્રમ અને રોજગાર મંત્રી (સુરેન્દ્રનગર), શ્રેયા પટેલ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (અમદાવાદ), શ્રુષ્ટિ નિહલાની પેટ્રોલિયમ મંત્રી (વડોદરા), યશસ્વી દેસાઈ મત્સ્ય ઉદ્યોગ મંત્રી (વડોદરા) અને પ્રિન્સ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી (અમરેલી) બનશે.
આ ઉપરાંત ગુજરાતનાં અલગ અલગ જિલ્લાના અમદાવાદના 63, ગાંધીનગરના 21, વડોદરાના 14, અમરેલીના 7, જામનગરના 4, આણંદનો 1, રાજકોટના 39, સુરતના 16, કચ્છના 10, ગોંડલના 5, મહેસાણાનો 1 અને નડિયાદનો 1 એમ આ બધા વિદ્યાર્થીઓ એક દિવસ માટે MLA બનશે અને વિધાનસભાના એક દિવસીય સત્રમાં ચર્ચાનો ભાગ બનશે.








