નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સોમવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિશોદિયા ગુજરાતમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં સરકારી શાળાઓના પરીક્ષણ માટે આવ્યા હતા, ત્યાર બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. જ્યારે મનીષ સિશોદિયા ભાવનગરમાં સરકારી શાળાઓનુ પરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે ભાજપના કેટલાક સાંસદો દિલ્હીની સરકારી શાળાઓમાં પહોંચ્યા હતા. મનીષ સિશોદિયાએ ગુજરાતની સરકારી શાળાઓની કફોળી સ્થિતિ અંગે ટિપ્પણી કરી હતી તેની સામે ભાજપના સાંસદે દિલ્હી સરકારની સરકારી શાળાની પોલ ખોલવાનો દાવો કર્યો હતો.
આ સમગ્ર ઘટનાના બે દિવસ બાદ આજે મનીષ સિશોદિયાએ ગુજરાતનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, “મે બે દિવસ અગાઉ ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિસ્તારની સરકારની શાળાઓની મુલાકાત લીધી હતી. સરકારી શાળાઓની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું. 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તે સમયે દિલ્હીની પણ સ્થિતિ આવી જ હતી. હું તેવું નથી કહેતો કે ગુજરાતની બધી જ સરકારી શાળાઓની હાલત આવી ખરાબ હશે, પણ જે શાળાઓની હાલત ખરાબ છે તેને સુધારવી જોઈએ.”

તેમણે વધુમાં લખ્યું હતું કે, “શિક્ષણના મુદ્દે આપણે રાજનીતિ ભૂલીને વિદ્યાર્થીઓએ માટે સારી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. હું ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ગુજરાતનાં શિક્ષણ અધિકારીઓને આમંત્રણ આપું છું કે દિલ્હી આવો અને દિલ્હીની કોઈ પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મુલાકાત કરો અને સંવાદ કરો. હું આશા રાખું છું કે દિલ્હીની શાળાઓનું મોડલ જોઈને તમે ગુજરાતની થોડી શાળાઓની જગ્યાએ બધી શાળાઓમાં સુધાર કરશો.”
દિલ્હીની સરકારી શાળાઓની પોલ ખોલવાના ભાજપના સાંસદોના નિવેદન અંગે મનીષ સિશોદિયા જણાવે છે કે, “ભાજપના સાંસદો અને ધારાસભ્યો દિલ્હીની શાળાઓમાં ટેબલ વગરના બાળકો, કરોળિયાની જાળ ન દેખાતાં તૂટેલી ટાઇલ્સ, દિવાલો કાળી પડી ગઈ હોવાનું બતાવી રહ્યા છે.”








