પ્રિય બાપુ,
હું અમદાવાદમાં જ વર્ષોથી રહુ છુ, છતાં તમારા હ્રદયકુંજની મુલાકાતે હું ભાગ્યે જ આવ્યો છુ, હું જ નહીં મોટા ભાગના અમદાવાદીઓ અને ગુજરાતીઓની આ સ્થિતિ છે, 1917માં તે કોચરબ આશ્રમ છોડી અમદાવાદના સીમાડે( ત્યારે આ સીમાડો જ હતો) સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી હતી, જેને આજે લોકો ગાંધી આશ્રમ તરીકે ઓળખે છે, આમ તો હવે આશ્રમ શબ્દ કાને પડે એટલે મન અનેક તર્ક વિર્તક કરવા લાગે કારણે છેલ્લાં વર્ષોમાં અનેક બાબાઓએ પોતાના આશ્રમ ખોલી કઈ પ્રવૃત્તીઓ કરી તેનાથી બધા વાકેફ છે, પણ આ બધા કરતા તારો આશ્રમ ખુબ જુદો છે, કારણ જે આશ્રમની માટીમાં તમે, સરદાર , મહાદેવભાઈ, કૃપાલાણીજી જેવા અનેક સત્યાગ્રહીઓ ચાલ્યા તે માટીમાં હજી પણ સત્યાગ્રહની મહેક છે, હું સોમનાથ મંદિર પણ ગયો છુ અને દ્રારકા પણ ગયો છુ અને હું તારા આશ્રમના હ્રદયકુંજ સામે પણ હું ઉભો રહ્યો છુ, પરંતુ સોમનાથ અને દ્વારકા કરતા અહિયા જુદો જ અનુભવ થયો છે
સોમનાથ અને દ્વારકામાં જ નહીં કોઈ પણ મંદિરમાં હું તો કાયમ યાચક બનીને જ ઉભો રહુ છુ, પરંતુ હ્રદયકુંજમાં આવ્યા પછી તારી પાસે માંગવાની હિમંત થતી નથી કારણ તારી ફકીરી, સાદગી, તારો પ્રેમ, તારી સહિષ્ણુતા અને સારી સમજ જીલવાની મારામાં હિમંત નથી, એટલે જ કદાચ હું અને મારા જેવા અનેકો તારાથી પોતાને દુર રાખવાનો પ્રયત્ન કરે છે, મને ખબર છે એક વખત તારી પાસે આવ્યા પછી તારાથી છુટવુ અશકય જ છે એટલે જ મારા જેવા લોકો પોતાના સંતાનોને સત્યાગ્રહ આશ્રમ સંતાનોને બતાવવાને બદલે રીવર ફ્રન્ટ, સાયન્સસિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવે છે, પણ તારુ હ્રદયકુંજ દેખાડતા નથી, અમને ડર લાગે છે કે કયાંક અમારો માહ્યલો જાગી જશે તો અમને તુ ગમે છે પણ તારા રસ્તે ચાલવુ પરવડે તેમ નથી
બાપુ તુ કહીશ એમા શુ બહુ સરળ રસ્તો છે, પણ અમને ખબર છે તારો રસ્તો સરળ નથી કારણ તુ જે રસ્તે ચાલ્યો તે રસ્તે ચાલવામાં તે ઘણી કિમંત ચુકવી છે, તારા જ દિકરા તારાથી નારાજ હતા, અને કસ્તુરબાએ તો માત્ર તમારી સંગીની હોવાની કિમંત ચુકવી છે, તુ ઈશ્વર નથી તેની મને ખબર છે પણ હવે તને ઈશ્નર બનાવો જ પડશે તેવુ કેટલાંક લોકોએ નક્કી કર્યુ છે તને ઈશ્વર બનાવી તેઓ અમને તારાથી દુર કરવા માગે છે, મને ખબર છે જો તને ગોળીઓથી નહીં પણ તોપથી ફુંકી માર્યો હોત તો પણ તુ મરવાનો ન્હોતો, માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અબજો લોકોના હ્રદયોમાં, તું આજે પણ જીવે છે એટલે જ તારી સાદગી, તારી ફકીરી અને તારી લડાયકતા અનેકોને ખટકે છે અને તેમણે નક્કી કર્યુ કે તારી પાસેથી તારી ફકીરી અને સાદગી છીનવી લેવી છે એટલે તારા હ્રદયકુંજને હવે વર્લ્ડ કલાસ બનાવવામાં આવશે.
તારા ખંડેર થઈ રહેલા હ્રદયકુંજના મેદાનમાં રહેલી માટીથી કોઈના પગ ગંદા થશે નહીં, ત્યાં વિદેશી માર્બલ બીછાવી દેવામાં આવશે, વિશ્વના શ્રેષ્ઠ આર્કીટેક, વિશ્વના ઉત્તમ એમપી થીયેટર, વિશ્વમાં જે કઈ ઉત્તમ છે છે તેવુ બધુ અહિયા ઉત્તમ બનાવી દેવામાં આવશે જે રસ્તે દાંડી ગયો હતો તેને ભવ્ય બનાવી દેવામાં આવશે કારણ તારી સાદગીની ભવ્યતા અમને રાઝ આવતી નથી, તારી સાદગી અને સહિષ્ણુતા અમને સતત અમે હિન અને ઉતરતા છીએ તેની યાદ અપાવે છે, એટલે જ તારૂ અને તારા ઘરનું રીડેવલ્પમેન્ટ કરવાનો અમે નિર્ણય કર્યો છે. અમને ખબર છે તને આ જરા પણ ગમશે નહીં કારણ તને તને તો તારી પ્રતિમાઓ મુકાય. તે પણ મંજુર ન્હોતુ, પણ અમારા પ્રેમ સામે તારે કાયમ લાચાર રહેવાનું છે , હવે તારા આશ્રમને અમે નવા વર્લ્ડ કલાસ બનાવીશુ
બાપુ હું તને એટલા માટે આ પત્ર લખી રહ્યો છુ કે કયાંક તુ પાછો ફરે અને તને તારો આશ્રમ મળે જ નહીં કદાચ તેને એવુ લાગે નહીં તે માટે તને જાણ કરી રહ્યો છુ કે હમણાં રીડેવલ્પમેન્ટનું કામ ચાલુ છે, એટલે પાછા ફરવાની ઉતાવળ કરતો નહીં, તારા આશ્રમવાસીઓને ઘરના બદલે ઘર આપવાનું કામ ચાલુ છે એટલે તેમની ચીંતા કરતો નહી , બાકીના લોકોની ચીંતા કરવાની જરૂર નથી કારણ તેમની સંપન્નતાને કોઈ આંચ આવે તેમ નથી, તેમણે તારા નામે તેમની સાત પેઢીની વ્યવસ્થા કરી રાખી છે, ચાલ મારી પાસે બીજા પણ કામ છે હું કઈ તારી જેમ ફુલ ટાઈમ સત્યાગ્રહી નથી મારા ઘરે પણ હરી અને કસ્તુરબા છે પાછા તે કયાંક નારાજ થઈ જશે, સમય મળે પત્ર દ્વારા હું તને અહિયા શુ ચાલી રહ્યુ છુ તેનાથી અપડેટ કરીશ. સરદાર, નહેરૂ સહિત તારા બધા સાથીઓને મારા રામ રામ કહેજે
તારો,
પ્રશાંત