પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-8): બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ થયો જેને સરકાર કેમીકલકાંડ કહે છે, પણ સામાન્ય માણસ માટે તમે લઠ્ઠાકાંડ કહો કે કેમીકલકાંડ તેનો કોઈ ફેર પડતો નથી. ખરેખર તો ફેર પડે તેમને જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આવી કોઈ પણ ઘટના વિરોધ પક્ષ માટે સ્વભાવીક રીતે રાજકીય મૌસમ જેવી હોય છે. કારણ હવે આપણે ત્યાં સારૂ કરી સત્તા સુધી પહોંચવાને બદલે પ્રતિસ્પર્ધી અમારા કરતા કેટલો ખરાબ છે તેવું દર્શાવી મત માંગવાની અને સત્તા મેળવવાની ટેવ પડી ગઈ છે. પછી સત્તા અને વિરોધ પક્ષમાં કોઈ પણ હોય તે બધા જ સત્તા સુધી જવા માટે આવું કરે છે. બોટાદની ઘટના અંગે મારા સહિત ગુજરાતના અનેક પત્રકારોએ આ અંગે ઘણુ લખ્યું છે અને લખતા રહેશે, પરંતુ મારી એક સ્ટોરી વાંચી જેમની ગણના બુધ્ધીજીવીમાં થાય છે તેવા એક મહિલા આગેવાને મને ફોન કરી પુછ્યું કે તમે દારૂબંધી હટાવી લેવાની તરફેણમાં છો? મેં એક પણ સ્ટોરીમાં દારૂબંધી હટાવવી જોઈએ તેવો સુર વ્યકત કર્યો ન્હોતો છતાં આ એક ફોનને કારણે હું તે દિશામાં વિચારતો થયો.
1947માં આપણે આઝાદ થયા પછી આપણે મુંબઈ રાજ્યમાં રહેતા હતા, પરંતુ 1956માં ગુજરાતી ભાષી પ્રજાએ અલગ રાજ્યની માંગણી કરી જેના માટે આંદોલન પણ થયું અને 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમ બે અલગ રાજ્ય થયા, 1960માં ગુજરાતના શાસનકર્તાએ દારૂબંધીની નીતિ સ્વીકારી અને ગુજરાતમાં દારૂ વેચવા અને પીવા ઉપર પ્રતિબંધ મુકયો. આમ, 1960 પહેલા આપણે જેને હવે ગુજરાત તરીકે ઓળખીએ છીએ તેવા પ્રદેશમાં રહેતા નાગરિક માટે દારૂ વેચવો અને દારૂ પીવો કોઈ ગુનો નહોતો. પણ, ત્યારે જે લોકો દારૂ વેચતા હતા અને દારૂ પીતા હતા તેમની ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. ખરેખર ત્યારે હાલમાં આપણે જેને ગુજરાત કહીએ છીએ તેની કેટલી વસ્તી દારૂ પીતી હતી તેના આંકડા કોઈ પાસે ઉપલ્બધ નથી. ગુજરાતના સિનિયર પત્રકાર મુકુંદ પંડયા જેમણે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ થતાં જોયું છે, તેઓ કહે છે, 1960 પહેલા હાલના ગુજરાતના લોકો માટે દારૂબંધીનો કાયદો ન્હોતો. આમ છતાં, ગાંધીનો પ્રભાવ ખુબ હતો. જેના કારણે સ્વૈચ્છીક રીતે દારૂ નહીં પીનાર લોકોની સંખ્યા ખુબ મોટી હતી.
1960માં ગુજરાતે દારૂબંધી નીતિ સ્વીકારી પણ પહેલા દિવસથી દારૂબંધી નીતિ સારી હોવા છતાં નીતિના અમલકર્તાઓની નિયતમાં ખોટ હતી. 1960થી 2022 સુધી જે પણ પાર્ટીની સરકાર આવી તેમણે દારૂબંધીની અમલવારી માટે પુરી તાકાત લગાડી જ નહીં. નિયતમાં ખોટ હોવાના અનેક કારણો છે. જે પૈકીનું એક મોટું કારણ એવું છે કે ગુજરાતમાં બહુ મોટો વર્ગ ખાનગીમાં દારૂ પીવે છે. શ્રીમંતો અંગ્રેજી દારૂ પીવે છે. જે વિદેશી દારુની અંદાજીત બે નંબરી આવક 25 હજાર કરોડને પાર કરે છે. આ આંકડમાં દેશી દારૂની આવકનો તો સમાવેશ થતો નથી, આમ સવાલ એવો છે કે, દારૂના આ બે નંબરના ધંધાની આવક માત્ર બુટલેગર કે પછી પોલીસના ખીસ્સામાં જતી નથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમના શીરે દારૂબંધીની અમલવારી છે તેમના સુધી તેમનો હિસ્સો પહોંચે છે. દરેક પ્રમાણિક માણસની પણ એક કિંમત હોય છે. આ ગંજાવર આવક જો દારૂના બે નંબર ધંધામાંથી થતી હોય તો અમલવારી કરનાર માટે પ્રમાણિક રહેવું અઘરૂં કામ છે. દોષ માત્ર અમલવારી કરનાર ઉપર ઢોળી શકાય તેમ નથી પોણા ભાગનું ગુજરાત ખાનગીમાં દારૂ પીવે છે.
અહિયા દારૂબંધી હટાવી લેવાની કોઈ વાત નથી, પરંતુ વાસ્વીકતાને નજર અંદાજ કરી શકાય તેમ નથી. એક તરફ દારૂ પીનારાને દારૂ પીવો છે બીજી તરફ દારૂના બે નંબરના ધંધામાંથી થતી આવક છોડવાની કોઈની તૈયારી નથી. આપણે ત્યાં જે બોલકો વર્ગ છે તેમના માટે સરકારે દારૂ પીવા માટે એક અલાયદી વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં 13 હજાર એવા લોકો છે જેમની પાસે દારૂ પીવાનો પરવાનો છે. આ 13 હજાર લોકો શ્રીમંત છે અથવા વગદાર છે જેમાં નેતાઓ, પત્રકારો અને ઉધ્યોગપતિ સહિત સરકારી અમલદારો છે. આપણે દારૂના નામે કેટલો દંભ કરીએ છીએ તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. કારણ આપણે ગુજરાતના લોકોને દારૂ પીવાનો પરવાનો આપી શકતા નથી એટલે ગુજરાત દારૂ પીનારને જે પરવાનો આપે છે તેનું નામ હેલ્થ પરમીટ છે. એક તરફ વિજ્ઞાને પ્રગતી કરી છે, પરંતુ ગુજરાતમાં એવી બીમારી છે કે તેમની બીમારી કોઈ દવાથી મટે તેમ નથી માત્ર દારૂ પીવે તો જ તેમની બીમારી મટે તેવી છે. એટલે સરકાર આ શ્રીમંત અને વગદારોની બીમારી માટે તેમને દવા તરીકે દારૂ પીવા હેલ્થ પરમીટ આપે છે.
આમ ગુજરાતમાં દારૂ પીનારા લોકોનો બે વર્ગ છે એક શ્રીમંત છે જે અંગ્રેજી દારૂ પીવે છે અને બીજો ગરીબ જે દેશી દારૂ પીવે છે. શ્રીમંતો અંગ્રેજી દારૂ પીતા હોવાને કારણે મૃત્યુ જેવી ગંભીર ઘટનાઓનું પ્રમાણ ઓછું છે જ્યારે દેશી દારૂ પીવાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા લાખોમાં છે. પોતાના સમાજને દારૂના વ્યસનમાંથી મુક્ત કરવા માટે આંદોલન કરતા અલ્પેશ ઠાકોર કહે છે, “તેમના સમાજમાં હજારો બહેન દીકરીઓ દારૂના કારણે વિધવા થઈ છે.” સુરતના પત્રકાર દિલીપ ચાવડા કહે છે, “સુરતની આસપાસના અનેક ગામો એવા છે કે જેમાં હવે વિધવા સ્ત્રીઓ જ છે, પરંતુ આ ગામની કમનસીબી એવી છે કે, જે દારૂના કારણે આ મહિલાઓ વિધવા થઈ છે, તે વિધવા સ્ત્રીઓ પણ આ જ દેશી દારુના ધંધા દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. દારુબંધીની હિમાયત કરનાર માને છે કે ગુજરાતની શાંતિ અને સલામતી દારૂને આભારી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ, દારૂબંધીની નીતિના અમલ માટેની નિયતમાં ખોટ છે. તેના કારણે આપણે દારૂબંધીના નામે જે કંઈ કરીએ છીએ તે બધુ જ પ્રતિકાત્મક બની રહી જાય છે.
(ખાસ નોંધ: ગુજરાતમાં ચાલતી દારૂની પ્રવૃત્તીની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે દર્શાવવાનો પ્રયાસ છે ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ પ્રમાણિકપણે પોતાનું કામ કરે છે અને ધંધાની કમાણીથી પોતાને દુર રાખી શક્યા છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં એક સંજોગ છે કે અહિયા ઉલ્લેખ હોદ્દા અથવા કચેરીમાં તેઓ કાર્યરત છે પણ તેઓ ધંધામાં સામેલ જ છે તેવુ કોઈ વાચકે માની લેવુ નહીં)