નવજીવન ન્યૂઝ. ગુવાહાટી:આસામના બારપેટા જિલ્લાની અદાલતે શુક્રવારે ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મહિલા પોલીસ અધિકારીના કથિત “હુમલા”ના કેસમાં જામીન આપ્યા હતા. મેવાણીને બારપેટા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા કેસમાં રૂ. 1,000ના પર્સનલ રેકગ્નિસન્સ (PR) બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
સોમવારે મહિલા પોલીસ અધિકારી પર કથિત રૂપે “હુમલો” કરવા બદલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર જેલમાંથી છૂટ્યા પછી, જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાત કરીનેફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના તમિલ અભિનેતા અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ‘ઝુકેગા નહીં’ કહ્યું હતું. એક દિવસ પહેલા આ કેસમાં ધરપકડ થતાં મેવાણીએ પોલીસ કારમાં આવી જ રીતે પુષ્પાની સ્ટાઈલ કરી હતી, જ્યારે પોલીસ તેને જેલમાં લઈ જતી હતી. અહીં વિડિઓ જુઓ:જામીન અરજીની સુનાવણી કરતા, બારપેટાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અપરેશ ચક્રવર્તીએ પણ છેલ્લા એક વર્ષમાં પોલીસ એન્કાઉન્ટર્સની સંખ્યાનો ઉલ્લેખ કરીને, રાજ્યના પોલીસ દળને “પોતાના સુધારણા” માટે નિર્દેશ આપવા ગુહાહાટી હાઈકોર્ટને વિનંતી કરી હતી.
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે આરોપ લગાવ્યો છે કે સત્તાધારી ભાજપે તેમની સામે “કેસ ઘડવા” માટે “મહિલાનો ઉપયોગ” કરીને “કાયરતાપૂર્ણ કાર્ય” કર્યું છે. આસામના કર્મચારી સાથે અભદ્ર વર્તન કરીને મને શું મળે? ગુજરાતથી ઉઠાવીને આસામમાં કેસ શા માટે કરાયો. મારા જુસ્સાને તોડવાનો પ્રયાસ કરાયો છે. હું આજે પણ લડ્યો છું, કાલે પણ લડીશ. મને ન્યાયતંત્ર પર પુરો ભરોસો છે, આજે નહીં તો કાલે જામીન મળવાના જ હતા.
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, “મારી ધરપકડ કોઈ સરળ બાબત ન હતી. તે પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય)ના રાજકીય બોસની સૂચના હેઠળ કરવામાં આવી હોવી જોઈએ.” મેં કરેલા ટ્વીટ પર મને હજુ પણ ગર્વ છે. ભારતના નાગરિક તરીકે, મને આ પૂછવાનો મારો અધિકાર છે. એક મહિલાનો ઉપયોગ કરીને કેસ ઘડવા માટે એક વાર્તા તૈયાર કરી. સરકાર એટલી કાયર છે કે તેણે મારી વિરુદ્ધ એક મહિલાનો ઉપયોગ કર્યો. સત્તાધારી ભાજપ પક્ષ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત ચૂંટણી પર નજર રાખીને આ બધું કરી રહી છે. આ એક ષડયંત્ર છે. મારી સામેના બંને કેસ ખોટા અને વ્યર્થ છે, “કેસનો સમય પણ બધું જ બોલે છે. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તેથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. લોકો આ ષડયંત્ર સમજી ગયા છે. જે ક્ષણે મને ગુજરાતમાં પકડવામાં આવ્યો, મને ખબર પડી કે તેઓ મને અલગ-અલગ કેસોમાં ફસાવવાની યોજના બનાવી રહ્યા છે.” આસામમાં ગુજરાતના ધારાસભ્યને નિશાન બનાવવું એ એક મોટા કાવતરાનો ભાગ હતો. તેઓ તેમના પર સવાલ કરનારા, સત્ય માટે બોલનાર કોઈપણ વિરુદ્ધ કેસ દાખલ કરે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.