Tuesday, April 7, 2026
HomeGeneralકેમેરામેન થયો તે પહેલા હું વેઈટર હતો: જયરામ રબારીની સંઘર્ષ સાથે સફળતાની...

કેમેરામેન થયો તે પહેલા હું વેઈટર હતો: જયરામ રબારીની સંઘર્ષ સાથે સફળતાની એક નાની કહાની

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): હું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામનો વતની, ગામમાં દુરદર્શનના સમાચારો અને ટેલીવીઝન સિરીયલ્સ જોતો ત્યારે મનમાં થતુ કે હું જો અમદાવાદ રહેતો હતો તો મને આ સમાચાર વાંચનાર અને સિરિયલમાં કામ કરતા કલાકારો જોવા મળતા, હું અમદાવાદ રહેતા મારા સગાઓને પુછતો પણ ખરો કે ટીવીના પડદે કામ કરતા આ કલાકારોને તમે જોયા છે….? ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી, ઘરે એકાદ ભેંસ હતી, તો પણ ઘરનું પુરૂ થતુ ન્હોતુ, હું નવમાં ધોરણ સુધી ભણ્યો પછી પપ્પાને આર્થિક રીતે મદદરૂપ થઈ શકુ તે માટે મારે શિક્ષણ છોડી કામે લાગી જવુ જોઈએ તેવો ઘરનો સામુહિક નિર્ણય લેવાયો.



જો કે ગામમાં તો કોઈ કામ મળવુ મુશ્કેલ હતું એટલે અમદાવાદ આવવાનું નક્કી થયુ ત્યારે મારી ઉંમર માંડ 14 વર્ષની હશે ત્યારે પહેલી વખત અમદાવાદ આવ્યો, મારા પિતાએ ચાની કીટલી શરૂ કરી હું ચા પણ બનાવતો અને કપ-રકાબી પણ ધોતો, પણ પછી ચાની એક કીટલી ઉપર ઘરની બે વ્યકિત કામ કરે તો ખાસ કઈ મળશે નહીં તેના કરતા મારે બીજી નોકરી પણ કરવી તેવો નિર્ણય થયો અને હાલમાં જયાં અમદાવાદમાં નારણપુરામાં એઈસીની ઓફિસ છે, તેની સામે આવેલી વૃંદાવન હોટલમાં વેઈટર તરીકે નોકરીએ લાગ્યો. આ શબ્દો હાલમાં ગુજરાતની જાણિતી ચેનલ એબીપી અસ્મીતા ચેનલના કેમેરામેન જયરામ રબારીના છે. પોતાની જુના દિવસોની વાત કરતા જયરામની આંખમાં એક અનેરી ચમક આવી ગઈ હતી.

સામાન્ય રીતે પત્રકાર તરીકે એવુ બનતુ હોય છે કે પત્રકારને દુનિયાભરના લોકોને ખબર હોય છે, કયા ધનીકે કેટલુ દાન કર્યુ, કઈ અભીનેત્રી પ્રેગન્ટ છે, કયાં નેતાઓ કાળુ નાણુ કયા રોકયુ વગેરે વગેરે પણ સતત સમાચારની શોધમાં દોડતા પત્રકારને પોતાની આસપાસના સમાચારો અને માણસોમાં રસ જ રહેતો નથી અથવા તેની તરફ તેનું ધ્યાન સુધ્ધા જતુ નથી, બીજી તરફ લોકો સુધી સમાચાર પહોંચડતા સમાચાર માધ્યમમાં કામ કરતા પત્રકારો, ટીવી એન્કર અને પડદાની પાછળ જેની ભૂમિકા સૌથી અગત્યની હોય છે તેવા કેમેરામેનને તો કોઈ ઓળખતુ જ નથી. કાયમ તેની સ્થિતિ સેકન્ડ સીટીઝન જેવી જ હોય છે, હું પોતે પણ જયરામ રબારીને કેમેરામેન તરીકે વર્ષોથી ઓળખુ છું, છતાં મને કયારેય તેની જીંદગીમાં ડોકયુ કરવાની ઈચ્છા ના થઈ, પણ જયારે મને જયરામની સ્ટોરી ખબર પડી ત્યારે મને લાગ્યુ કે ચા વેચતો કોઈ માણસ વડાપ્રધાન થઈ જાય તો તે સ્ટોરી છે તેના કરતા વધુ ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી જયરામ રબારીની છે તે ચા પણ વેંચતો હતો અને હોટલમાં વેઈટર પણ હતો, મને તેની વાતમાં રસ પડયો.



જયરામ પોતાની વાત આગળ વધારતા કહે છે કે વેઈટરની નોકરી કરતો હતો છતાં જીવ તો ટીવીના પડદા ઉપર હતો, એક દિવસ ખબર પડી મલ્લીકા સારાભાઈની ટીવી કંપનીમાં ચા બનાવનારની જરૂર છે, હું ત્યાં નોકરી ઉપર પહોંચી ગયો, ઓફિસની કેન્ટીનમાં ચા બનાવવાની અને મહેમાનોને ચા-પાણી પીવડાવવાના, એક દિવસ મારા મેનેજરે મારી સામે જોતા કહ્યુ ભાઈ ઓફિસમાં ચડ્ડી પહેરી આવવાનું નહી પેન્ટ પહેરવી પડશે અને લગભગ 16 વર્ષની ઉમંરે નોકરીને કારણે મેં પેન્ટ પહેરી, એકાદ વર્ષ નોકરી કરી તેના કારણે ટીવી કંપનીમાં આવતા મોટા લોકો સાથે પરિચય થયો. એક દિવસ મેં એક લાઈટબોયને વિનંતી કરી કે મને તારી સાથે કામ કરવા મળે તેવુ કઈક કરોને. તેણે મને લાઈટ પકડવાના કામમાં સાથે રાખી લીધો અને રૂપિયા 400ની ઓફિસ બોયની નોકરી છોડી 500 રૂપિયાની લાઈટ બોયની નોકરીમાં જોડાયો.

- Advertisement -

ખુબ આનંદ થતો ટીવી સિરીયલમાં ટીવીના પડદે કામ કરતા કલાકારોને એકદમ નજીકથી જોવા મળતા હતા. જાણે ઈશ્વરનો રૂબરૂમાં સાક્ષાત્કાર થયો હોય. ટીવી પાછળની રુપાળી જીંદગી પણ જોઈ, મહિનાઓ સુધી લાઈટબોય તરીકે કામ કર્યા પછી કેમેરા એટેન્ડન્ટ તરીકેનું કામ મળ્યુ, દર્શનદાદા અને રાજુ સોંદરવા જેવા મોટા ગજાના કેમેરામેનની સાથે કેમેરા ઉચકીને ફરવાનું, તડકો હોય તો કેમેરામેનના માથે છત્રી પકડી ઉભા રહેવાનું, હું તેમને ધ્યાનથી જોતો, તે લાઈટ કેવી રીતે એડજસ્ટ કરે છે, કેમેરો ફોકસ કેવી રીતે કરે છે હું એકલવ્યની જેમ શીખી રહ્યો હતો, કયારેક એકલો હોઉ ત્યારે ડરતા ડરતા કેમેરા ઉપર હાથ અજમાવી લેતો.



આ દરમિયાન હું પત્રકાર નિર્ણય કપુરના પરિચયમાં આવ્યો, ત્યારે ગુજરાત સમાચાર જીએસ ટીવીના નામે કેબલ ઉપર અડધો કલાકના સમાચાર શરૂ કરવા જઈ રહ્યું હતું, ત્યાં કેમેરા એટેન્ડન્ટની જરૂર હતી, નિર્ણય કપુર મને જીએસ ટીવીમાં લઈ ગયા અને હું કેમેરો ચલાવતા શીખી ગયો, પહેલી વખત મે શુટ કરેલી ઘટના ટીવી ઉપર સમાચાર રૂપે જોઈ ત્યારે દંગ રહી ગયો મને પોતાને પણ વિશ્વાસ ન્હોતો કે મને કેમેરો ચલાવતા આવડી ગયો અને હું કેમેરામેન બની ગયો. મને લાગ્યુ કે હું જીંદગીની અડધી જંગ જીતી ગયો.

મેં જયરામ સામે જોતા પુછયુ જયરામ મને ખબર છે, કે એક ટીવી પત્રકાર કરતા કેમેરામેનની જીંદગી વધારે જોખમી હોય છે કારણ તેને કાયમ વિપરીત સંજોગો વચ્ચે કામ કરવાનું હોય છે તો તને કયારેય બીક લાગી છે? પહેલા તો તેણે કહ્યું ના મને કયારેય ડર લાગ્યો નથી, પણ પછી તરત યાદ કરતા કહ્યું હા 2002ના તોફાનો વખતે હું બીજા કેમેરામેન સાથે કાલુપુર ખીસકોલા પોળના એક મકાન ઉપરથી તોફાનના દર્શ્યનું શુટીંગ કરી રહ્યો, હતો તે જ વખતે થોડે દુરના એક મકાન ઉપરથી દેશી બોમ્બ અમારી ઉપર ફેકાયો, બસ મોત અને અમારી વચ્ચેનું અંતર નજીક આવી રહેલા બોમ્બ જેટલુ જ દુર હતું, પણ કુદરતે કઈક બીજુ વિચાર્યુ હશે, અમારી તરફ આવી રહેતો બોમ્બ અમારી સુધી આવે તે પહેલા એક દિવાલ સાથે અથળાયો અને ફુટી ગયો અને બોમ્બ ભલે દુર ફાટયો પણ અમારુ ઘણુ બધુ ફાટી ગયુ હતુ, તેમ કહી જયરામ ખડખડાટ હસવા લાગ્યો.



જયરામ કહે છે ત્યાર બાદની સફર આગળ વધી જીએસ ટીવીમાંથી ટીવી નાઈનમાં કેમેરામેન તરીકે જોડાયો ઘણુ શીખ્યો, છેલ્લાં થોડા મહિનાથી એબીપી ન્યૂઝમાં કામ કરૂ છું, આજે પણ મને કયારેક નામથી બોલવનારા પત્રકારો મને જયરામ દેસાઈ કહે છે ત્યારે હું તેમને ટોકુ છુ અને કહું છુ મારૂ નામ જયરામ રબારી છે, દેસાઈ નહીં, રબારી હોવુ કોઈ ગુનો નથી મને રબારી હોવાનું ગૌરવ છે, બે-ચાર ગુંડાઓને કારણે મારી અટક બદલવાની મને જરૂર નથી, સાથે મને ગૌરવ પણ તે વાતનું છે કે હજી સુધી રબારીઓના વૃધ્ધાશ્રમ શરૂ થયા નથી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular