Sunday, May 24, 2026
HomeGujaratસારા અને બહાદુર માણસોને સંભાળવાની જવાબદારી આપણી છે

સારા અને બહાદુર માણસોને સંભાળવાની જવાબદારી આપણી છે

- Advertisement -

થોડા દિવસ પહેલા એક મિત્ર સાથે વાત નિકળી તેમણે કહ્યુ જયોર્જ ડાયસ મજુર માણસ તમે તેને આકાશની નીચે અને ધરતીની ઉપરનો કોઈ પણ પ્રશ્ન બતાડો તે તરત તમારી માટે ઉભો થઈ જાય, બસ તેના સ્કુટરમાં તમારે પેટ્રોલ ભરાવી આપવાનું તે ભુખ તરસને વિચાર કર્યા વગર તેના સ્કુટર ઉપર બેસાડી આખો દિવસ દોડયા કરે જયાં સુધી તમારા પ્રશ્નનું નિરાકરણ આવે નહીં, જયોર્જનો આવે ઉલ્લેખ થતાં મને ગૌરવની લાગણી થઈ, જયોર્જ માટે મનમાં માન હતું તેમા વધારો થયો, મને બરાબર યાદ છે 1985-86માં હું જયોર્જ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા, અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે, છતાં ત્યારે પણ તેના મનમાં લોકો માટે નીસ્બત હતી, વિધ્યાર્થીનો પ્રશ્ન હોય કે દેશની મોંધવારી સહિતનો કોઈ પણ પ્રશ્ન હોય જર્યોજ લાલ ઝંડો લઈ મેદાનમાં ઉતરી જાય, જયોર્જનો ઝુકાવ સામ્યવાદ તરફ, કદાચ એટલે તેનું હ્રદય લોકોના પ્રશ્ન જોઈ દાઝતુ હશે, ગુજરાતમાં સામ્યવાદીઓની સ્થિતિ ત્યારે પણ સારી ન્હોતી અને આજે પણ સારી નથી છતાં જયોર્જે સ્વેચ્છાએ તે રસ્તો પસંદ કર્યો હતો.



તે સમયગાળામાં અનામત આંદોલનથી લઈ કોમી તોફાનો ચાલતા રહેતા જેના કારણે સ્કુલ કોલેજ લાંબો સમય બંધ રહેતી હતી, વિધ્યાર્થીઓ માસ પ્રમોશનની વાત કરતા અને હું અને જયોર્જ પરિક્ષા થવી જોઈએ તેવી માગણી કરતા હતા, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર એમ એન દેસાઈ હતા અમે પરિક્ષા થવી જોઈએ તેવી માગણી લઈ ગયા હતા જો કે પરિક્ષા થવી જોઈએ તેવુ કહેનારની સંખ્યા ખુબ નાની હતી, અમારી રજુઆત સાંભળ્યા પછી દેસાઈ સાહેબ મને હસતા હસતા પુછયુ તુ અભ્યાસમાં બ્રીલીયન્ટ લાગે છે, હું હસી પડયો, તેમણે મારી સામે જોયુ મેં કહ્યુ સાહેબ પરિક્ષામાં પાસ થાઉ તો પણ મને આનંદ થાય, પણ લાગણી અને માગણી એટલી જ છે કે મારી માર્કશીટમાં જે કઈ માર્ક આવે તે મારા અને મારી લાયકાત પ્રમાણેના હોય પ્રમોશન લઈ પાસ થવુ નથી, જો કે અમારૂ ખાસ કઈ ચાલ્યુ નહીં અને માસ પ્રમોશન મળ્યુ, કોલેજ પુરી કરી હું જયોર્જ છુટા પડયા.

હું પત્રકાર થયો અને જર્યોજ રાજકારણમાં ગયો વ્યકિતગત રીતે ત્યાર બાદ ઓછુ મળવાનું થયુ પરંતુ જયોર્જ વિવિધ મુદ્દે પ્રેસનોટ અખબારમાં આવતો ત્યારે તેની મારી મુલાકાત થતી, જર્યોજ કોલેજમાં હતો તેવો જ રહ્યો તેમાં ખાસ બદલાવ આવ્યો નહીં, AMTSની બસમાં બેસી અખબારોની કચેરીમાં પ્રેસનોટ લઈ જતો અને લાલદરવાજા બસસ્ટેડન્ડ પાસે તેના પાંચ દસ સાથીઓ સાથે દેખાવ કરી સરકારનું લોકોના પ્રશ્નો અંગે ધ્યાન દોરવાનો પ્રયાસ કરતો, જો કે તે કોંગ્રેસ અને ભાજપમાં નહીં હોવાને કારણે તેની પ્રેસનોટ અને દેખાવને અખબારો પણ સ્થાન આપતા નહીં, કયારેક તેનું નામ અને કામ અખબારમાં છપાય તો રાજી થઈ જતો, સમય બદલાયો અને જયોર્જ કોંગ્રેસમાં જોડાયો, રાજયની ટોચની નેતાગીરી તેના કામ અને તેનાથી પરિચીત તેને કોંગ્રેસે કોર્પોરેશને ટીકીટ પણ આપી અને તે કોર્પોરેટર પણ થયો, તેની લાયકાત અને તેની મહેનતા કારણે તેને કોર્પોરેશનની ચેરમેનશીપ પણ મળી, પણ જયોર્જ તેવો રહ્યો.



સત્તા મળ્યા પછી સત્તાને પોતાને મન ઉપર હાવી થવા દીધી નહીં, અત્યંત ગરીબીમાં જન્મ અને ઉછેર થયો છતાં હવે સત્તા મળી છે તો થોડુ ઘણુ કમાઈ લઈએ લેવો વિચાર પણ આવ્યો નહીં, ત્યારે તે સરકારી ગાડીમાં ફરતો હતો, આજે તે કોર્પોરેટર પણ નથી, પણ તેણે લોકોના કામ કરવા માટે સત્તાને માધ્યમ બનાવ્યુ નહીં તેના કારણે તે આજે પણ સત્તામાં નહીં હોવા છતાં રોજ સવારે દસ વાગે પ્રશ્નો લઈ આવનારની કતાર હોય છે, નેતાગીરી કરતો હોવા છતાં તેની ભાષા અને વ્યવહારમાં તોછડાપણુ નથી, તે પ્રજાનું કામ થાય નહીં ત્યારે ગુસ્સો જરૂર થાય છે પણ તેના મનમાં કડવાશને ઉછેરતો નથી તે પાર્ટી પોલીટીકસથી ઉપર વિચારે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગર વિધાનસભા બેઠક ઉપર ચુંટણી લડયા ત્યારે તેમણે પોતાના કાર્યકરોનં સંબોધતા જણાવ્યુ હતું જયોર્જ ડાયસ જેવા કાર્યકર થવુ પડે આમ વિરોધી રાજકિય વિચાર હોવા છતાં ખુદ નરેન્દ્ર મોદીને પણ જયોર્જ જેવા માણસો ગમે છે.

- Advertisement -

આજે જયોર્જ ખુબ સામાન્ય સ્થિતિમાં જીવે છે, તેની તેને ફરિયાદ પણ નથી અને રંજ પણ નથી આવા અનેક જયોર્જ આપણી આસપાસ જીવે છે, પણ તમે ખુબ સારા અને બહાદુર છો એટલી પ્રસંશા કરી આપણે આપણી જવાબદારી પુરી કરીએ છીએ, પણ એટલુ પુરતુ નથી , જયોર્જે જે રસ્તો પસંદ કર્યો છે તે પોતાનો છે, આ રસ્તે દરીદ્રતા સિવાય કઈ મળવાનું નથી તેની તેને ખબર છે, પણ આવા માણસો સ્વમાની હોય છે, લોકો તેમની પાસે પોતાના પ્રશ્નો લઈ જાય છે પણ તેઓ પોતાના પ્રશ્નો કોઈને કહેતા નથી આપણે તેમની ચીંતા કરવી પડશે તમે સારા અને બહાદુર છો તેવુ કહેવાથી તેની મુશ્કેલી ઓછી થતી નથી, કોઈ માણસ સારો અને બહાદુર રહે તે માટે આપણે પણ આપણા ખીસ્સામાં હાથ નાખવો પડશે, જયોર્જના સ્કુટરમાં પેટ્રોલ ભરાવી દો એટલે તે આપણા માટે દોડશે તે નિશ્ચીત છે પરંતુ જયોર્જ જયારે ઘરે પહોંચે છે ત્યારે તેના ઘરે તેની પત્ની અને બાળકો છે તેના ઘરે પણ રસોડોમાં એક ચુલો છે, આપણા રસોડામાં જેમ અનાજ ભરેલુ હોય છે તેમ તેને પણ અનાજ ભરવુ પડે છે, અહિયા એક જયોર્જની વાત નથી જયોર્જોની સંખ્યા આપણી આસપાસ છે જે સંખ્યા વધે તેની જવાબદારી આપણી છે પણ આપણે તેમની ચીંતા કરવી પડશે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular