તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, રાજકોટ): ગતરોજ 27 જૂને રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લોખંડની ચોરી મામલે ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલાતા સુખી સંપન્ન પરિવારના ત્રણ વિદ્યાર્થીના નામ સામે આવ્યા હતા. પોલીસે આ મામલે બે સગીર વયના અને એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા બર્થ-ડે પાર્ટી સારી હોટેલમાં ઉજવવા માટે ચોરી કરવાનું પોલીસને જણાવાયું હતું. ગઈકાલથી જ પોલીસ આ મામલે ભીનું સંકેલી રહી હોવાનો ગણગણાટ લોકમુખે જોવા મળ્યો છે. આ ફરિયાદની માહિતી પત્રકારોને આપવામાં વિલંબ પણ એક કોયડો છે. ત્યારે હવે નવો ઘટસ્ફોટ થયો છે કે, આ વિદ્યાર્થીને કાર ભાડેથી આપવામાં આવી હતી.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આ ગુના મામલે પત્રકારોને ખુદ પી.આઈ. એ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચોરીની ફરિયાદો આવતી હોય પેટ્રોલીંગમાં કારમાં ચોરીના મુદ્દામાલ સાથે વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. સાથે જ તેમણે આ કાર ભાડેથી મેળવવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે મોટો સવાલ એ પેદા થાય છે કે, ખાનગી રજીસ્ટ્રેશન કરેલી કારને ભાડેથી આપનાર કોણ ? કાયદેસર રીતે ખાનગી વાહન ભાડેથી આપવું એ ગુનો છે અને સામાન્ય રીતે ખાનગી કાર કોઈ ભાડે આપતું પણ નથી હોતું. પરંતુ આ કિસ્સામાં પોલીસનું કથન છે કે, ચોરીના મુદ્દામાલ સાથેની કાર ભાડેથી મેળવવામાં આવી હતી.
આ મામલે પી.આઈ. એ.બી. જાડેજા સાથે ટેલિફોનિક વાત કરી માહિતી મેળવતા તેઓ જણાવે છે કે, ‘કાર ખાનગી રજીસ્ટ્રેશન કરેલી છે અને તે પુખ્ત વયના આરોપી વિદ્યાર્થીએ પોતાના ડોક્યુમેન્ટ આપીને ભાડે મેળવી હતી.’ આ કાર ભાડે આપનાર વિરૂધ્ધ કાર્યવાહી થશે કે કેમ તેના જવાબમાં તેઓ આગળ તપાસ ચાલું છે અને ગુનો સામે આવશે તેમ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવે છે.
આરોપીને ખાનગી કાર ભાડે આપી અને તે પણ વ્યવસાયની દૃષ્ટી ત્યાં જ કાયદો તોડવાની વાત છે, પરંતુ વિદ્યાર્થીઓને કાર ભાડે આપવાના ધંધા બંધ કરાવવામાં મિશાલ કાયમ થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે. ખાનગી કાર ભાડે આપનારની પણ આ મામલે ભૂમિકા છે કે કેમ તે મામલે પણ પોલીસે તપાસ કરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











