મિડલઇસ્ટથી ચીન માર્ગ પરના સુપરટેન્કરનાં નુર ૨૭ ફેબ્રુઆરીથી બમણા ૪ લાખ ડોલર પ્રતિદિન
મધ્યપુર્વના યુદ્ધનું પ્રતિબિંબ: સોમવારે એકજ દિવસમાં બ્રેન્ટ ૧૧ ટકા ડબ્લ્યુટીઆઈ વાયદામાં ૮ ટકાનો ઉછાળો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): મધ્યપૂર્વની ઘટનાઓએ એનર્જી બજારમાં ખળભળાટ મચાવ્યો છે. ખાસ કરીને ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસનાં પુરવઠામાં લાંબાગાળાની પુરવઠા અછત સર્જાવાનો ભય નિર્માણ થયો છે. જો આ યુદ્ધ ક્રુડ ઓઈલ ઉત્પાદન કરતા વધુ વિસ્તારોમાં આગળ વધશે તો, ક્રુડ ઓઇલના વર્તમાન બ્રેન્ટ મે વાયદો ૮૪.૮૬ ડોલર અને ડબ્લ્યુટીઆઈ એપ્રિલ વાયદો ૭૯.૮૧ ડોલર પ્રતિ બેરલથી ક્યાય આગળ વધીને નવી ઊંચાઈ સર કરશે. ગોલ્ડમેન સાસએ એક નોંધમાં કહ્યું છે કે હોર્માંઝ્ની ખાડીમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરોને વધુ સમય અવરોધવામાં આવશે તો જાગતિક ઓઈલ ભાવ ૧૦૦ ડોલરને આંટી જશે. ગોલ્ડમેને ચેતવણીના સુરમાં કહ્યું છે કે જો ખાડી દેશોના ઓઈલ માળખાને વધુ નુકશાન થશે અને હોર્માંઝ્ની ખાડી લાંબો સમય બંધ રહેશે તો ભાવમાં મોટા ઉછાળા આવવાનું જોખમ વધી ગયું છે.
કતારની તમામ એલએનજી સપ્લાય સહીત કુલ ૧૯ ટકા એલએનજી, ૧૯ ટકા જેટ ફ્યુઅલ અને કેરોસીન જે યુરોપના દેશોમાં નિકાસ થાય છે, ઉપરાંત ૩૩ ટકા જાગતિક ખાતર (ફર્ટીલાયઝર) પણ હોર્માંઝ્ની ખાડીમાંથી પ્રવાસ કરે છે. સ્ટેનચાર્ટ રીસર્ચ કહે છે કે સુપરટેન્કરનાં જહાજી પ્રવાસ સામે બોમ્બ અને મીઝાઈલ્ના ખતરાને લીધે ઇન્સ્યોરન્સ પ્રીમીયમ થકી નુરદરોમાં નાટ્યાત્મક વધારો થઇ ગયો છે. મિડલઇસ્ટથી ચીન સુધીના ટીડી૩ માર્ગ પરના સુપરટેન્કરનાં નુર, ૨૭ ફેબ્રુઆરીએ છ વર્ષની ઉંચાઈએ હતા, તેનાથી બમણા ૪ લાખ ડોલર પ્રતિદિન થઇ ગયા છે. મહત્તમ જહાજી કંપનીઓના વધી ગયેલા ખર્ચા પોષાણક્ષમ નથી રહ્યા. હવે આ નૂરમાં યુદ્ધના જોખમનું પ્રીમીયમ, અને ક્રુ-મેમ્બરોના સલામતી પ્રીમીયમ પગાર વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે.
સપ્તાહના આરંભે સોમવારે મધ્યપુર્વના યુદ્ધનું પ્રતિબિંબ, અમેરિકન ક્રુડ ઓઈલ ઉત્પાદકોએ વધુ ભાવની માંગની સાથે બ્રેન્ટમાં ૧૧ ટકા અને ડબ્લ્યુટીઆઈ વાયદામાં ૮ ટકાના ઉછાળા સાથે જોવાયું હતું. આ અગાઉ, રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યારે, જુલાઈ ૨૦૨૨મા ક્રુડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર વટાવી ગયા હતા. આવા યુદ્ધખોર છમકલા ઓઈલ ભાવને ઉપર જવાનો માર્ગ પ્રસસ્ત કરતા હોય છે. અલબત્ત, અત્યારે તો મહત્તમ દેશો પાસે પ્રમાણમાં વાજબી કહી શકાય તેટલો પુરવઠો અસ્તિત્વમાં છે, સાથે જ અસંખ્ય ઓઈલ ટેન્કરો પોતાના ડીલીવરી રૂટ પર અગ્રેસર છે. સ્ટેનચાર્ટ રિસર્ચે ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક માટે ક્રુડ ઓઇલના સરેરાશ ભાવની આગાહી ૬૨ ડોલરથી વધારીને ૭૪ ડોલર કરી છે. તેણે બીજા ત્રિમાસિકની સરેરાશ ભાવ આગાહી ૬૩ ડોલરથી વધારી ૬૭ ડોલર અને ૨૦૨૬નાં સરેરાશ ભાવ ૬૩.૫ ડોલરથી વધારીને ૭૦ ડોલર અંદાજ્યા છે.
સ્ટેનચાર્ટ કહે છે કે ઈરાકનું મહત્તમ ક્રુડ ઓઈલ હોર્મ્ઝ્ની ખાડીમાંથી પસાર થતું હોઈ તેની નિકાસ ઉપર તીવ્ર અસર પડવી સંભવિત છે. ઈરાકએ તેના ઉત્પાદનમાં દૈનિક સરેરાશ ૧૫ લાખ બેરલનો ઘટાડો કર્યો છે. એક અહેવાલ કહે છે કે, જો નિકાસ માર્ગ આ જ રીતે અટવાયેલો રહેશે તો, ઈરાકે દૈનિક ૩૦ લાખ બેરલ ઉત્પાદન કાપ મુકવાની ફરજ પડશે. મજબુત ટેકનીકલ બ્રેકાઉટ પણ ક્રુડ ઓઈલની તેજીને ટેકો આપે છે. ટ્રેડરો એક તરફ ભૂ-રાજકીય સમાચારનો પ્રત્યાઘાત સતત આપી રહ્યા છે, સાથે જ ઓવર બોટ (વધુ પડતું લેણ)નાં સંકેત પણ આપે છે. પણ જો સપ્લાય માર્ગની અચોક્કસતા બની રહેશે અને માગ સ્થિરતા જળવાશે તો વ્યાપક પણે આંતરપ્રવાહ તેજીનો રહેશે અને આગામી દિવસોમાં ભાવ ૧૦૦ ડોલરના માર્ગે અગળ વધશે. વાસ્તવમાં હોર્માંઝ્ની ખાડી જ ક્રુડ ઓઈલની આગામી તેજી મંદીનું નિર્ધારણ કરશે, કારણ કે આ માર્ગે દુનિયાના કુલ ક્રુડ ઓઈલ કન્ટેનરનો ૩૧ ટકા પ્રવાસ થાય છે. આની વ્યાપક અસર ભારત અને ચીન પર થવાની છે, શક્ય છે કે આ ગાળામાં રશિયન ઓઈલની માંગ અને સપ્લાય બન્ને વધી જશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








