નવજીવન ન્યૂઝ. હરિયાણા: હરિયાણાના નુહ જિલ્લામાં માઈનિંગ માફિયા સાથે જોડાયેલા લોકોએ DSP પર ડમ્પર ચઢાવ્યું. DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. વાસ્તવમાં માહિતીના આધારે DSP સુરેન્દ્ર માઈનિંગ રોકવા ગયા હતા. જ્યારે તેમણે ગેરકાયદેસર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડમ્પર ચાલકે તેમના પર ડમ્પર ચઢાવી દીધું હતું. નૂહના SP અને IG ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઘટના ગુરુગ્રામને અડીને આવેલા નુહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવ ગામની છે. DSP (તાવડુ) સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને ગામને અડીને આવેલા અરવલ્લી પહાડી પર ગેરકાયદેસર ખનન અંગે માહિતી મળી હતી, ત્યારબાદ તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. પોલીસ ટીમને જોતા જ તેમના ડ્રાઇવર અને ખાણકામમાં લાગેલા લોકો ટેકરી પાસે ઉભેલા ડમ્પર સાથે ભાગવા લાગ્યા હતા. જ્યારે DSP વાહન રોકવા આગળ આવ્યા ત્યારે ડમ્પર ચાલક તેમને ટક્કર મારીને નાસી ગયો હતો. ટાયર નીચે આવી જતાં DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ એસપી (નુહ) વરુણ સિંગલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. DSP મૂળ હિસારના હતા.
હત્યા કર્યા બાદ ખનન માફિયાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ એસપી નુહ અને એસડીએમ અને તહસીલદાર તાવડુના નેતૃત્વમાં ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ગામડા અને અરવલ્લી પર્વતમાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્રે જણાવી દઈએ કે, તાવડુ સબ-ડિવિઝનના અરવલ્લી ક્ષેત્રના પહાડોમાં મોટા પ્રમાણમાં ખાણ માફિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે. આઈજી સાઉથ રેન્જ ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.








