નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ કુલપતિના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં રહેલી ગુજરાત વિદ્યાપિઠ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાત વિદ્યાપિઠના 9 ટ્રસ્ટીએ સંસ્થાને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળનું કારણ ગુજરાત વિદ્યાપિઠમાં નવા કુલપતિ પદ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને રાજ્યપાલ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિદ્યાપિઠમાં વર્તમાન કુલપતિ ઈલાબેન ભટ્ટ દ્વારા રાજીનામું આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપિઠના કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણુંક બાબતે ટ્રસ્ટીઓ વચ્ચે મતદાન થયું હતું. જેમાં 24માંથી 9 ટ્રસ્ટીઓએ નિમણુંકના વિરોધમાં મતદાન કર્યું હતું. આચાર્ય દેવવ્રત કુલપતિ તરીકેનો ચાર્જ આગામી 20 આક્ટોબરે સંભાળવાના છે. જ્યારે વર્તમાન કુલપતિ ઇલાબેન ભટ્ટનો 19મીએ કુલપતિ તરીકેનો છેલ્લો દિવસ છે. આ પહેલા જ 9 ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપતાં ખળભળાટ મચ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવ ટ્રસ્ટી દ્વારા રાજીનામું આપતા ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવવામાં આવી છે અને નવ ટ્રસ્ટીઓના રાજીનામાંનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત વિદ્યાપિઠમાં રાજકરણનો સમાવેશ થતાં અનેક ગાંધીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવાવ્રત કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે ત્યાં સુધીમાં નારાજ ટ્રસ્ટીઓને પણ મનાવી લેવામાં આવશે તેવી ચર્ચા લોકમુખે જાણવા મળી રહી છે.








