નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શના દેવી દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી. તેમની અચાનક મુલાકાતને પગલે વિદ્યાપીઠના સત્તાધીશોના પગ થરથરવા લાગ્યા હતા. અચાનક તેમની મુલાકાતની સાથે તેમની સામે ગુજરાત વિદ્યાપીઠનું અસલી સત્ય પણ સામે આવી ગયું હતું. અહીં ઠેરઠેર ગંદકી અને જર્જરિત ઈમારતોએ જાતે જ ગવર્નર સામે ચાડી ખાધી હતી. ગવર્નર ગાંધી સંસ્થાની આ હાલત જોઈ ભારે નારાજ અને દુખી થયા હતા. તેમણે તુરંત સમારકામના પગલા લેવાની તાકીદ કરી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની મંગળવારે બપોરે 4-૦૦ કલાકે અચાનક જ મુલાકાત લીધી હતી. ગવર્નરની અચાનક મુલાકાતે વિદ્યાપીઠનું તંત્ર અચાનક દોડતું થઈ ગયું હતું. અહીં ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઈઝ વિઝિટ તેમના દ્વારા કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના આદર્શોની વરેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકીને નિહાળી રાજ્યપાલે અત્યંત દુ:ખ વ્યક્ત કર્યું હતું.

તેમણે વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરિત હાલત તેને જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના રૂમમાં જ મળ્યાં હતા. તેમણે અહીં સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી. જ્યારે લેડી ગવર્નર દર્શનાદેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરિત-દયનીય હાલત જોઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા માટે સમૂહશ્રમ કરવા અનુરોધ પણ કર્યો હતો.

રાજ્યપાલે આ તકે વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર નિખિલ ભટ્ટને તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા ભારપૂર્વક અનુરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલે અહીં છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કરી ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સપનાનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








