દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): ગાંધી ફેરી (પ્રભાત ફેરી)નું ભારતીય સંસ્કૃતિ અને આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી થકી અનોખું મહત્વ છે. ૧૯૪૭ અને તે પહેલાંથી ભારત દેશમાં પ્રભાત ફેરીનું એક ઉમદા મહત્વ રહ્યું છે. એવું કહેવું ખોટું નથી કે ગાંધીજીના પ્રિય કાર્યો પૈકીનુ એક કાર્ય એટલે પ્રભાત ફેરી. આજના વૈજ્ઞાનિક યુગમાં પ્રભાત ફેરી નાબુદ થયા બરોબર છે, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી સાથે પ્રભાત ફેરીને જીવંત કરવાનો ઓલપાડ તાલુકાનાં સોસક ગામના લોકો અને રાજ્ય કક્ષાના મંત્રીએ નોંધનીય પ્રયત્ન કર્યો છે.
આઝાદીના ૭૫ વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે આખા દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃત મહોત્સવ સાથે જ ૧૫મી ઓગસ્ટના અનુરૂપ હર ઘર તિરંગા કાર્યક્રમનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો તથા સરકારી અધિકારીઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય જેઓ હાલ રાજ્ય સરકારના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલ દ્વારા તાલુકાનાં સોસક ગામે ગુરુવારની વહેલી સવારે ગ્રામજનો સાથે આગેવાનોની હાજરીમાં વહેલી સવારે પ્રભાત ફેરીમાં ગાંધીજીના પ્રિય ભજનો ‘વૈષ્ણવજન તો તેને’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ધૂન વાજા પેટી સાથે વગાડતા વગાડતા ગામમાં ફરીને બધાને ગાંધીજીની યાદ અપાવી હતી.
કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે વાજા પેટી વગાડીને ગ્રામજનો સાથે ગાંધી ફેરી (પ્રભાત ફેરી) ફરી ગાંધીના માર્ગે હર ઘર તિરંગા કાર્યક્રમની અનોખી ઉજવણી કરી હતી. મંત્રી ગાંધી ફેરી (પ્રભાત ફેરી) માટે કહ્યુ હતું કે, “વહેલી સવારે ફેરી કરવાથી સ્વાસ્થ્ય સાથે ધાર્મિક અને ગાંધી સાથેના વિચારો પણ જાગૃત થાય છે. સાથે જ નિયમિત ચાલવાથી દરેક રોગથી મુક્તિ મળે છે અને સારા કામનો આનંદ પણ!”








