નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા કરતાં પણ વધારે સમયથી ભાજપનું એક હથ્થું શાસન ચાલી રહ્યું છે, ત્યારે આ વર્ષે ભાજપને ટક્કર આપવા માટે ગુજરાતમાં ભાજપના કાર્યકાળ કરતાં પણ અડધું આયુષ્ય ધરાવતી આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટીના સુકાની અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાત કરીને જનસંપર્ક કરી રહ્યા છે. આજે તેમણે ફરી એક વાર આમદવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં આવીને અરવિંદ કેજરીવાલે બે અગત્યની જાહેરાત કરી છે. એક જાહેરાત મહિલાઓને અનુલક્ષીને કરી હતી ત્યારે બીજી જાહેરાત ગુજરાત પોલીસ માટે કરી હતી.
અરવિંદ કેજરીવાલ તેમની અગાઉની ગુજરાત મુલાકાતો દરમિયાન જાહેરાત કરી ચૂક્યા છે કે તેમણે ગુજરાતમાં વિધાનસભા જીત્યા બાદ દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપશે, ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધારવામાં આવશે ઉપરાંત બેરોજગાર યુવાનોને ભથ્થાં રૂપે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. હવે આજે તેમણે બે અગત્યની જાહેરાત કરી છે. જેમાં પહેલી જાહેરાત હતી કે ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક મહિલાઓને દર મહિને સન્માન રાશિના રૂપે 1000 રૂપિયા આપવામાં આવશે, અને બીજી જાહેરાત હતી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પોલીસ કર્મચારીઓને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પગાર આપીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં પોલીસકર્મીઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ગ્રેડ પે વધારવાની માગ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારને બાહેંધરી આપી હતી કે તેઓ થોડા સમયમાં યોગ્ય નિર્ણય લેશે, પણ આજ સુધી પોલીસ ગ્રેડ પે મામલે કોઈ ખાસ નિર્ણય આવ્યો નથી. જેને લઈને પોલીસ કર્મચારીઓ અને તેમનો પરિવાર નાખુશ છે. હવે જ્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તો પોલીસ ખાતા દ્વારા આ જાહેરતને જાણે વધાવી લેવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલની આ જાહેરાત પોલીસ કર્મચારીઓ પોતાની માગણીઓના સંતોષ તરીકે જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માગો ઉપર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી, ત્યારે અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી છે તે તેમની માગણી મુજબ જ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આ જાહેરાત કરવામાં આવ્યાના તરત બાદ જ પોલીસ ખાતાના કેટલાક કર્મચારીઓએ તો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં આ જાહેરાતના ફોટોસ અને વીડિયો શેર કરી દીધા છે.
જોકે આ જાહેરાત કેટલી ચૂંટણી લક્ષી છે અને કેટલી પ્રજા લક્ષી તે તો આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જ બતાવશે. તેમજ અત્યારે જે પ્રજા અને પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલની આ જાહેરતોને વધાવવામાં આવે છે તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કેટલી મદદ કરશે તે પણ આગામી ચૂંટણીના પરિણામ જ બતાવશે.








