Wednesday, April 22, 2026
HomeGujarat6 વર્ષની બાળકી વગર કોઇ ગુનો કરે જેલમાં હતી, જાણો પછી શું...

6 વર્ષની બાળકી વગર કોઇ ગુનો કરે જેલમાં હતી, જાણો પછી શું થયું અને હવે ગુજરાત સરકાર પાસે શું અપેક્ષા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: જેલના કેદીઓની આપણે વિચાર ન કરી શકીએ તેવી સ્થિતિ થતી હોય છે. મહિલા કેદીઓ સાથે તેમના નાના બાળકો પણ જેલમાં હોય છે. જેલના IGP તરીકેનો વધારાનો ચાર્જ મારી પાસે હતો ત્યારે અમદાવાદ સાબરમતી જેલના દ્રશ્યો નજર સામે આવે છે, પરંતુ છત્તીસગઢના બિલાસપુર જેલની ઘટના જાણી ત્યારે આંચકો લાગી ગયો. આ ઘટના જૂન 2019ની છે.

બિલાસપુર કલેક્ટર ડો. સંજય અલંગ જેલની વિઝિટમાં ગયા ત્યારે મહિલા કેદીઓ સાથે એક 6 વર્ષની બાળકીને જોઈને જેલ અધિકારીને પૂછ્યું કે ‘આ બાળકી અહીં કેમ?’ જાણવા મળ્યું કે ‘બાળકી જ્યારે 15 દિવસની હતી ત્યારે તેની માતાનું બીમારીના કારણે મૃત્યું થયું હતું અને પિતા જેલમાં હતા; તેથી કોઈ સંભાળ લેનાર ન હોવાથી બાળકી મહિલા કેદીઓ સાથે રહેતી હતી. પિતાને 10 વર્ષની સજા થઈ છે, 5 વર્ષની સજા ભોગવી છે અને 5 વર્ષની સજા બાકી છે. કલેક્ટરે બાળકી સાથે વાત કરી ત્યારે બાળકીએ કહ્યું કે ‘મારે જેલ બહાર જવું છે, મારે ભણવું છે !’

- Advertisement -

કલેક્ટરે તરત નિર્ણય લીધો અને બાળકીને પોતાની કારમાં બેસાડી અને જૈન ઈન્ટરનેશનલ સ્કૂલમાં/હોસ્ટેલમાં દાખલ કરાવી ! કેર ટેકરની વ્યવસ્થા કરાવી. સ્કૂલ સંચાલકે પણ બાળકીના રહેવાનો અને અભ્યાસનો ખર્ચ ઊઠાવવા સહમતી આપી. આ ઉમદા માનવીય કાર્ય માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કલેક્ટરની પીઠ થાબડી હતી !
સવાલ એ છે કે દરેક રાજ્યમાં સેન્ટ્રલ જેલોમાં મહિલા કેદીઓ સાથે નાના બાળકો હોય છે. તેમના અભ્યાસ માટે સરકારે વિચારવાની જરુર નથી? દરેક જિલ્લા કલેક્ટર તાબાની જેલની વિઝિટે જતાં હોય છે, પરંતુ બિલાસપુર કલેક્ટર ડો. સંજય અલંગ જેવી સંવેદના તેમની અંદર કેમ પ્રગટતી નથી? મેં વિચાર્યું કે આ કલેક્ટર જુદી માટીના હોવા જોઈએ ! મને તેમના વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. ગૂગલમાં તેમને શોધી કાઢ્યા. તેમના ફેસબૂક ઉપર ગયો તો મારા મનમાં ઉદ્દભવેલ જિજ્ઞાસાનો તાળો મળી ગયો.

ડો. સંજય અલંગ કલેક્ટર ઉપરાંત કવિ/વાર્તાકાર/લેખક પણ છે. તેમના ત્રણ કવિતા સંગ્રહો છે. ઉપરાંત છત્તીસગઢના ઈતિહાસ અને સંસ્કૃતિ ઉપર 10 પુસ્તકો લખ્યાં છે. જે બદલ ભારત સરકારે 1 લાખનો પુરસ્કાર આપ્યો છે. ગુજરાત પોલીસમાં IPS અધિકારી હસમુખ પટેલ પણ સંવેદનશીલ અધિકારી છે. તેમણે ‘બાળ ઘડતર થકી વિશ્વશાંતિ’, ‘પેરેન્ટિંગ ફોર પીસ’ની દિશામાં અદભૂત કામ કર્યું છે. અનેક પુસ્તકો લખ્યા છે. સરકાર તેમને જે જગ્યાએ ફરજ ઉપર મૂકે ત્યાં પૂરી નિષ્ઠાથી દિલ દઈને કામ કરે છે, પરંતુ તેમની પીઠ કોઈ મુખ્યમંત્રીએ થાબડી હોય તેવી ઘટના બની નથી. સંવેદનશીલ અધિકારીઓ જ સરકાર અને પ્રશાસન ઉપર લોકોનો વિશ્વાસ દ્રઢ કરવાનું કામ કરી શકે છે.

(નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણીની ફેસબુક પોસ્ટ)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular