નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં શ્રવણ મહિનો અને જન્માષ્ઠમી આવે એટલે સામાન્ય રીતે જુગાર રમવાનો રિવાજ છે, પરંતુ જુગાર રમવું એ કાયદા મુજબ ગુનાની વ્યાખ્યામાં આવે છે. તેના જ કારણે પોલીસ દ્વારા સતત જુગારના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવે છે. ત્યારે હવે રાજકોટમાં જુગારના ક્લબ ધરાવતા માલિકો હવે તેમના ધંધાને નવા મુકામ ઉપર લઈ ગયા છે. ગોવા, નેપાળ કે અન્ય સ્થળો પર જ્યાં કેસીનો અને ગેમ્બલિંગ કાયદેસર છે તેવા સ્થળોએ લોકોને લઈ જવા માટે રાજકોટમાં ગેંગ સક્રિય છે.
બની શકે કે આ વાતથી પોલીસ અજાણ હોય પણ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુના બાદ કદાચ પોલીસ પણ અજાણ નહીં રહી શકે. આ ઘટના ખુબ ગંભીર અને તલસ્પર્શી તપાસ થાય તો રીતસર અન્ય રાજ્યોના કેસીનોના કૌભાંડ પણ ખુલ્લા પડી શકે તેમ છે. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે દિનેશ ઉર્ફે પાયલ વોરાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગોવાના ડેલ્ટીન રૉયલ કેસીનોમાં જુગારમાં 38 લાખની જેટલી રકમ હારી ગયા બાદ ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે ત્રણ મહિના પહેલા યશપાલસિંહ જાડેજા સાથે ડેલ્ટીન રૉયલ કેસીનોમાં જુગાર રમવા ગયા હતા. તે દરમિયાન રૂપિયા 38 લાખની રકમ જુગારમાં હારી ગયા હતા. તેની ઉઘરાણી માટે આરોપી યશપાલસિંહ અને રાજવીરભાઈએ ગત તારીખ 12 ઑગસ્ટના રોજ તેમના ઘર ઉપર હુમલો કર્યો હતો.
ફરિયાદી દિનેશ વોરાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી યશપાલસિંહ જાડેજા ગોવા ખાતે રૂમ બુક કરાવી અને ફ્લાઈટ દ્વારા જુગાર રમવા માણસો ભેગા કરી જુગાર રમવાની સગવડ પુરી પાડે છે. સાથે જ જણાવ્યું છે કે તેઓ જુગાર રમવા કેસીનોમાં ગયા ત્યારે તેમની સાથે ગોપાલ મોરબીવાળા, હરીશ પટેલ રાજકોટના, નિકુંજ લુહાણા રાજકોટના રહેવાસી અને કમલેશ તન્ના રાજકોટના રહેવાસી પણ સાથે જુગાર રમવા આવ્યા હતા.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાંથી પ્રત્યેક મહિને કરોડોની રકમનો જુગાર રમવા માટે લોકોને અન્ય રાજ્યોમાં કેસીનો અને ગેરકાયદેસર ક્લબમાં લઈ જવાઈ રહ્યાં છે. આ રકમના હવાલા અને નાણાની હેરફેરનું રેકેટ ગેરકાયદેસર રીતે મોટા ગજાના વ્યક્તિઓ દ્વારા ચલાવાઈ રહ્યું છે. પ્રત્યેક વર્ષે જો આ ગેરકાયદેસર રીતે થતા નાણાકીય વ્યવહારોનું સરવૈયું તૈયાર થાય તો માત્ર 4-5 વ્યક્તિઓ જ જંગી રકમના ભાગીદાર બને છે.
આવા ગોરખધંધાને કારણે રાજકોટમાં કેટલાય યુવાનોના ઘર ધોવાયા છે અને કેટલાકે તો ઘર છોડ્યા છે. માટે પોલીસ દ્વારા આ દુષણને બંધ કરાવવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે. જ્યાં જુગાર કાયદેસર છે ત્યાં જઈ જુગાર રમવો ખોટું ન કહી શકાય પણ તેની જાહેરાત જુગાર પ્રતિબંધિત રાજ્યમાં અને હારજીતના નાણાની લેણદેણના હવાલા થાય તે ગેરકાયદેસર છે તેમ કહી શકાય. જો આવા કિસ્સાઓની તપાસ થાય તો કાયદેસર ચાલતા કેસીનો સુધી પણ રેલો આવે તેમ છે.








