નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આયોજિત થાય છે. આ મેળાને માણવા માટે સૌરાષ્ટ્રના લખો લોકો મેળામાં આવે છે. આ મેળાનું આયોજન રાજકોટના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે, જેથી ઉલ્લેખનીય છે લોકોની સુરક્ષાની જવાબદારી પણ તંત્રની જ હોય છે. મેળા દરમિયાન કોઈ પણ આપત્કાલીન સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગ અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ લોકમેળામાં હાલની સ્થિતી ચોંકાવનારી અને ગંભીર અકસ્માત સર્જાય તો મેળો રામ ભરોસે થઈ જાય તેવી છે. વળી સબંધિત અધિકારીના જવાબ તો સ્થિતી કરતા પણ વધારે ચોંકાવનારા છે.
આવા મોટા આયોજન દરમિયાન કલેકટર અને RMCના તંત્રનો સુમેળ હોવો અત્યંત જરૂરી બની જાય છે, પણ તેવું અધિકારીઓના જવાબ પરથી જણાતું નથી. લોકમેળાના ડોમમાં ફાયર સેફ્ટી માટે મુકેલા ફાયર એક્સ્ટિંગ્યુસરના પ્રેશર નહીંવત અથવા શૂન્ય જેવા છે. તેના પરથી જ તંત્રની ગંભીરતા સમજી શકાય છે. ટૂંકમાં આગ લાગે ત્યારે સૌ પ્રથમ ઉપયોગી હથિયાર જ હેઠા પડેલા જોવા મળ્યા છે. આ મામલે નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, RMC કમિશનર અમિત અરોરો અને RMCના ચીફ ફાયર ઑફિસર આઈ. વી. ખેર સાથે ટેલિફોનિક સંપર્ક કરીને આ અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી પણ હજુ સુધી કોઈ અધિકારી તરફથી યોગ્ય જવાબ મળ્યો નથી.
આ મામલે રાજકોટ કલેકટર સાથે વાત કરવા જતા તેમણે જણાવ્યું હતું કે, “આ મામલે RMC પાસેથી વિગતો મેળવો.” પરંતુ આગળ સવાલ પુછે કે મેળા સંચાલત સમિતિના તમે પણ અધ્યક્ષ છો અને આ સ્થિતીમાં કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ ? તે પહેલા જ તેમણે ચાલુ વાતે ફોન કટ કરી દીધો હતો.
વાસ્તવિકતામાં કલેકટરને ફોન કરી એટલા માટે પુછવું પડ્યું કેમકે તેમના પહેલા RMCના ચીફ ફાયર ઑફિસર આઈ. વી. ખેર દ્વારા જણાવાયું હતું કે, “લોકમેળાના કોઈ ફાયર એનઓસી હોતા નથી અને અમે કોઈ ફાયર એનઓસી આપ્યું નથી.” તેમજ ખાલી ફાયર એક્સ્ટિંગ્યુસર મામલે તેમણે જણાવ્યું હતું કે, “હાલ તેવં કંઈ નથી જે હતું તે સુધારી લેવાયુ છે. અમારા ફાયર સેફ્ટીના સાધનો અને વાહનો મેળામાં હાજર છે.”
સંપુર્ણ લોકમેળાના જવાબદાર અધિકારી રાજકોટ કલેકટર પાસેથી પણ સંતોષકારક જવાબ નહીં મળતા રાજકોટ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે સંતોષકારક રીતે જણાવ્યું હતું કે, “કાયદાકીય રીતે ફાયર વિભાગની ટીમ હાજર હોય ત્યાં ફાયર એનઓસી માટે છુટછુાટ (કદાચ) હોય શકે પરંતુ, તે મામલે મારે તપાસ કરવી પડશે. તેમજ જે કંઈ હશે તે મામલે નિયમ અનુસાર રીતે કાર્યવાહી કરવામાં આવશે.”
ત્યારે લોકમુખે સવાલો સંભળાઈ રહ્યાં છે કે, લાખો લોકોની હાજરી ધરાવતા મેળામાં કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ ? સરકારી વિભાગના સ્ટોલ ડોમમાં ખાલી પડેલા ફાયર એક્સ્ટિંગ્યુસર મામલે જવાબદાર કોણ ? જોવું રહ્યું કે લાખો લોકોનો જીવ જોખમાય તેવી નબળી કાર્યવાહી મામલે જવાબદારો પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.








