નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં થોડા દિવસો અગાઉ બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ દ્વારા દારુ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં એક મકાન માલિકે તેના ઘરમાં રહેતા 2 વર્ષના એક બાળકને દારૂ પીવડાવ્યું હોવાની ઘટના સામે આવી છે, બાળકની તબિયત બગડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.
રાજકોટમાં બે વર્ષના બાળક અચાનક બેભાથ થઈ જવાના કારણે પરિવાર બાળકને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યો હતો. સારવાર દરમિયાન બાળકના પિતા યાસીન સૈયદે જણાવ્યું કે, “મારા 2 વર્ષના પુત્રને મકાન માલિકે દારૂ પીવડાવ્યો હતો જેના કારણે તે બેભાન થઈ ગયો છે.” બાળકના પિતાની વાત સાંભળીને ચોંકી ઉઠેલા હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે સારવાર હેઠળ રહેલા બાળકના મેડિકલ રિપોર્ટ કરાવી હકિકત જાણવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, “જો ખરેખર આવી ઘટના બની હશે તો મકાન માલિક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
રાજકોટના કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ રહેલા બાળકના પિતા યાસીન સૈયદે જણાવ્યું કે, તેઓ મીરા ઉદ્યોગનગરમાં રહે છે. જ્યાં તેમના મકાન માલિકે જમવાનું કહેતા યાસીન અને તેની પત્નીએ કહ્યું કે વાંધો નહીં અમે જમવાનું બનાવી આપીએ છીએ. પતિ-પત્ની જમવાનું બનાવવામાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમનું બે વર્ષનું બાળક મકાન માલિક વનરાજના રૂમમાં પહોંચી ગયું હતું. બાળક દેખાતું નહીં હોય તેને શોધવા પિતા જ્યારે વનરાજના રૂમમાં ગયા ત્યાં તેમણે જોયું કે વનરાજ બાળકને દારૂ પીવડાવતો હતો.
કથિત રીતે બાળકને મકાન માલિકે દારૂ પીવડાવતા બાળક બેભાન થઈ ગયાનો આક્ષેપ કરતા યાસીન જણાવે છે કે, મકાન માલીક આખો દિવસ વિદેશ દારૂ પીવે છે. તેણે મારા પુત્રને પણ દારૂ પીવડાવ્યો હતો. જો મારા દીકરાને તેણે દારૂ નથી પીવડાવ્યો તેમ તે જણાવે છે પણ તો મારો દિકરો કંઈ એમ જ થોડો બેભાન થઈ જાય. યાસીને પોતાના બાળકને દારૂ પીવડાવી સ્વાસ્થ જોખમમાં મુકનાર મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહીની માગણી કરી છે.








