નવજીવન ન્યૂઝ. પોરબંદર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકો રખડતા ઢોરના ત્રાસથી પીડાઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની આ પીડાનો અનુભવ રાજનેતાઓને પણ થવા લાગ્યો છે. ગઇકાલે કડીમાં તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અનુભવ થયો જ્યારે આજે ગુજરાતનાં વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રખડતાં ઢોરનો કડવો અનુભવ થયો છે. ગઇકાલે કડીમાં નીતિન પટેલને ગાયએ હડફેટ લેતા પગમાં ઈજા થઈ છે, ત્યારે આજે પોરબંદરમાં મુખ્યમંત્રીનો કાફલો પસાર થતો હતો દરમિયાન આખલાએ એન્ટ્રી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં હાજરી આપવા પહોંચ્યા હતા. CMના કાફલાના પસાર થવા દરમિયાન રસ્તા પર વચ્ચે બે આખલા ઘુસી જતા ધમાચકડી સર્જાતા સર્જાતા રહી ગઈ હતી. સદનસીબે આખલાના કારણે મુખ્યમંત્રીના કાફલાને અકસ્માત નડ્યો નથી. CMના આગમન પહેલા જ રખડતા ઢોરને નાથવા ખાસ માણસો મુકાયા હોવા છતાં આ ઘટના ઘટી હોવાના અહેવાલ છે. આ ઘટના પોરબંદરના યુગાન્ડા રોડ પર ઘટી હતી, જ્યારે CMનો કાફલો પસાર થઈ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ મુખ્યમંત્રી કોઈ જગ્યાની મુલાકાત કરે છે ત્યારે પહેલાથી જ જે તે જગ્યા ઉપર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. એક સામાન્ય માણસ પણ આ બંદોબસ્ત તોડીને મુખ્યમંત્રી સુધી પહોંચી શકતો નથી, પરંતુ આ આખલાને કોઈ બંદોબસ્ત નડ્યો નહીં અને તે સીધો જ CMના કાફલા સુધી પહોંચી ગયો હતો. CM તો આટલા બંદોબસ્ત સાથે જનતાની વચ્ચે જાય છે તેમ છતાં જો તેમને રખડતા ઢોર હેરાન કરી શકે છે તો એક સામાન્ય માણસનું રોજબરોજની જિંદગીમાં શું થતું હશે?
રાજ્યમાં અગાઉ અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં રખડતા ઢોરે કોઈનો ભોગ લીધો કે કોઈને આજીવન માટે ખોડખાપણ રહે તેવી ગંભીર ઈજા પહોંચી, પરંતુ આ મામલે તંત્ર અને સરકાર હવે જાગશે અને આ પીડાજનક સ્થિતીમાં હવે કંઈક નિરાકરણ મળશે તેવી રાજ્યના નાગરિકોમાં ચિંતા ઊભી થઈ છે.








