નવજીનવન ન્યૂઝ. ખેડાઃ નવરાત્રીના આઠમાં નોરતા દરમિયાન ખેડામાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી સર્જાઈ હતી. પોલીસે પથ્થરમારો કરનારા સામે કડક કાર્યલાહી કરીને જાહેરમાં માર મરવામાં આવ્યો હતો. ત્યારે આજે DGP દ્વારા જે પોલીસ કર્મીએ જાહેરમાં માર માર્યો હતો તેમની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ખેડાના માતરમાં આવેલા ઉંઢેલા ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન પથ્થરમારો થતાં અફરાતફરી સર્જાઈ ગતી. પથ્થરમારાના બનાવ અંગે પોલીસે 43 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. ઉપરાંત બનાવના બીજા દિવસે અટકાયત કરેલા કેટલાક લોકોને પોલીસે ગામના ચોકમાં લાવીને વીજના થાંભલા પાસે ઊભા રાખીને ડંડાથી ફટકાર્યા હતા. આ સમયએ ચોકમાં ગામનું મોટું ટોળું પણ ઉમટી પડ્યું હતું. પોલીસે માર માર્યા બાદ તેમની જોડે માફી પણ મગાવી હતી. માર મારનારા તમામ પોલીસ કર્મી સાદા ડ્રેસમાં હતા. આ ઘટના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
આરોપીને જાહેરમાં માર મારવા અને જાહેરમાં માફી મગાવા બાબતે માઈનોરિટી કો-આર્ડિનેશન કમિટીના ગુજરાત કન્વીનર મુજાહીદ નફીસે એડવોકેટ યાજ્ઞિક દ્વારા ગુજરાતના ડીજીપી, ખેડાના એસપી, ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરીને નોટિસ મોકલી છે. ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા લેવા માગણી કરવામાં આવી છે. આરોપીઓને વીજના થાંભલે માર મારનારા લોકોની ઓળખ ખેડા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મી તરીકેની થઈ છે. આરોપીઓને માર મારનારી વ્યક્તિ પોલીસ ઈન્સપેક્ટર એ. વી. પરમાર તરીકેની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે થાંભલા ઊભેલા આરોપીના ખિસ્સામાંથી ફોન અને પાકીટ કાઢનારાની ઓળખ પોલીસ સબ ઈન્સપેક્ટર ડી. બી. કુમાવત તરીકે થઈ છે.
સમગ્ર બનાન અંગે ગુજરાત પોલીસના વડા ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓને માર મારનારા પોલીસ કર્મીઓ જે વીડિયોમાં જોવા મળી રહ્યા છે. તેમની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેની તપાસ કપડવંજ તાલુકાના ડીવાયએસી વી. એન. સોલંકીને સોંપવામાં આવી છે.








