નવજીવન ન્યૂઝ, વડોદરા: વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના વપરાશનો અતિરેક થઇ રહેલ છે જેના માઠા પરિણામ આવી રહ્યાં છે. યુવાનોની સાથે સાથે ગૃહિણીઓ, સિનિયર સિટીઝન ટાઈમ પાસ કરવા વોટ્સઅપ, ફેસબુક, રિલ્સ, ઇન્સ્ટાગ્રામ વગેરનો ઉપયોગ કરતા થયાં તે સારી બાબત છે પરંતુ તેનું વ્યસન થવુ ખોટું છે. આવો જ એક કિસ્સો વડોદરાના માંજલપુર વિસ્તારમાં સામે આવ્યો, જ્યાં 62 વર્ષના વૃદ્ધા સોશ્યલ મીડિયાના વધું પડતાં ઊપયોગથી દિકરા અને પુત્રવધૂએ મોબાઈલમાં બધુ સ્ટોપ કરતા વૃદ્ધા ડિપ્રેશનમાં આવી જતાં અભયમની મદદ મેળવી હતી.
મળતી માહિતી મુજબ 62 વર્ષના વૃદ્ધા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હતા અને એક જ વ્યક્તિની રિલ્સ જોતા હતા તે અને તે વ્યક્તિ સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો. વૃદ્ઘા તે વ્યક્તિની રિલ્સ ના જોવે તો તેમને ઊંઘ આવતી ન હતી. અને એ વ્યસન જેવું તેમને થઈ ગયેલ હતું અને તે વ્યસનના કારણે તે વ્યક્તિની રીલ્સ જોઈ તેના પર લાઈક અને કોમેન્ટ કરે છે અને સામે કોઈ રીપ્લાય ન આવે તો વૃદ્ઘા ડિપ્રેશનમાં આવી જતાં હતા.
આ વાતની જાણ તેમના દીકરા વહુને થતા તેમના છોકરાએ વૃદ્ઘ માતાનું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરતા ડીપ્રેશનમાં આવી ગયા હતા અને જમવાનું પણ બંધ કરી દેતા હતા. તેમજ બધા સાથે ઝઘડો કરતા હતા અને ઇન્સ્ટાગ્રામ ફરી ડાઉનલોડ કરવા માટે જીદ કરતા હતા. તેમના આ વ્યસનથી હેરાન દિકરા અને પુત્રવધૂએ અભયમની મદદ માંગી હતી.
અભયમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કરી વૃદ્ઘાને સમજાવવામાં આવ્યું કે સોશિયલ મીડિયાનો ઊપયોગ કરવાથી જાણકારી મળી રહે છે પરતું તેની આદત ના પડવી જોઈએ. તેઓને પરીવારમાં ધ્યાન આપવાં, સામાજિક પ્રસંગો વાર તહેવારે એકબીજાને મળવાનું, પ્રાથના, ધ્યાન, સારુ વાંચન, હળવી કસરત, સમ વયસ્કો સાથે વાર્તાલાપ, ન્યૂઝ પેપર, મેગેઝિન વાંચવા વગેરે માંથી જે અનુકૂળ આવે તે શરુ કરવા માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં ઘણું બધું આવે છે પરતું આપણા ઊપયોગમાં આવે તે જ જોવું જોઈએ. રીલ્સમાં દરેક સાચું હોતું નથી તેમા ઘણા સમયે અતિશ્યોક્તિ હોય છે. આમ વૃદ્ધાને સમજાવવામાં સફળ રહ્યા હતા.
દિકરા અને પુત્રવધૂ ને પણ બા ને એકલા ના મૂકતા તેઓની સાથે લાગણીથી વાતચીત કરવી, બહાર સાથે ફરવા લઇ જવા, બહુ ટોક ટાક કરવી નહિ અને તેમની સાથે લાગણી ભર્યો વ્યવહાર કરવા અનુરોધ કર્યો હતો.








