નવજીવન ન્યૂઝ. વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બે યાદી જાહેર કરીને 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જોકે આ વખતે ચૂંટણીમાં ભાજપ દ્વારા અનેક સિંટિંગ ધારાસભ્ય અને દિગ્ગજ નેતાઓની બાદબાકી કરતા વિવાદનો મધપુડો છેડાયો છે. ત્યારે વડોદરાની ત્રણ બેઠક પર ભાજપના ધુરંધર નેતાઓની ટિકિટ કપાતા હવે તેમણે પક્ષ માસે બંડ પોકાર્યો છે. જોકે આ નેતાઓને મનાવવા ગૃહમંત્રી હર્ષ સંધવી આજે વડોદરા આવી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે.
ભાજપએ જાહેર કરેલી ઉમેદવારોના નામની યાદીમાં વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, પાદરા બેઠક પર દિનુ પટેલ અને કરજણ બેઠક પર સતિષ પટેલની બાદબાકી કરવામાં આવતા ભારે આક્રોશ જોવા મળી રહ્યા છે. આ આક્રોશને ડામવા આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે. જેથી હવે ભાજપ ત્રણેય નેતાઓને મનાવી લેશે કે પછી ઉમેદવારોના નામ બદલીને થૂકેલું ચાટશે તે હવે જોવાનું રહ્યું.
વાઘોડિયા બેઠક પર દબદબો ધરાવતા અને બેબાક બોલતા મધુ શ્રીવાસ્તવએ છેલ્લી ઘડી સુધી પોતે જ ચૂંટણી લડવાના છે અને પક્ષ તેમને જ ટિકિટ આપશે તેવો નિવેદન જાહેરમાં આપતા રહ્યાં હતા. જોકે યાદી જાહેર થતા જ તેમનું નામ ગાયબ થઈ જતાં તેમની ઓફિસે કાર્યકર્તાઓનો જમાવડો જામી ગયો હતો. ત્યારબાદ તેમણે કાર્યકર્તાઓ સાથે એક બેઠક પણ કરી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તેમણે અપક્ષ ઉમેદવારી કરવી જોઈએ.
વડોદરાની પાદરા બેઠક પરથી પ્રબળ દાવેદાર તરીકે દિનેશ પટેલનું નામ આવશે તેમ માનવામાં આવી રહ્યું હતું. તેઓ હાલ બરોડા ડેરીના ચેરમેન છે અને અગાઉ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પાદરા બેઠક પરથી પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાનું નામ જાહેર થતાં દિનેશ પટેલ (દીનુ મામા)ના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. ભાજપ દ્વારા ટિકિટ ન મળવા છતાં દિનુ મામાએ જાહેરાત કરી હતી કે, હું 17મી નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરીશ, પાદરા બેઠક પરથી જ ભરીશ અને જંગી મતોથી જીત પણ મેળવીશ. તેમના સૂચક નિવેદનને પગલે તેઓ અપક્ષ ઉમેદવારી કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.
વડોદરાની કરજણ બેઠક પર ભાજપે અક્ષય પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કરજણની બેઠક પર પ્રબળ દાવેદરની છાપ ધરાવતા પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાને ટિકિટ કપાતા ભારે નારાજગી જોવા મળી છે. પોતાના જ કાર્યાલય પરથી બેનર્સ અને ફોટો ઉતારવા પડ્યાં હતા. જોકે હાલ તેમણે તેમના સમર્થકો સાથે અમદાવાદમાં કોંગ્રેસ સાથે ગોઠવણમાં પડ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. કરજણ બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટણી લડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આ ત્રણ બેઠક પર નારાજ થયેલા નેતાઓ જો અપક્ષ ઉમેદવારી અથવા અન્ય પક્ષ સાથે હાથ મિલાવે તો ભાજપને નુકશાન થઈ શકે છે. આ ત્રણ બેઠક પર નેતાઓની નારાજગી સામે આવતા ગૃહમંત્રી વડોદરા આવી પહોંચ્યા છે. જોકે તેમની વડોદરામાં યોજાવનારી બેઠકમાં નારાજ થયેલા નેતાઓને મનાવી લેવામાં આવશે કે કેમ તે આગામી સમયમાં જ જોવા મળશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










