દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. બોરસદ): બોરસદ નગરપાલિકામાં ભાજપ સત્તા સ્થાને છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રમુખની કાર્ય પદ્ધતિને કારણે ભાજપના જ સભ્યોમાં અસંતોષનો ચરૂ ઉકળતો હતો. અંતે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે ગતરોજ ખાસ સામાન્ય સભાની બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમા પાલિકાના પ્રમુખ વિરૂદ્ધ રજૂ કરેલ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં ભાજપના ૧૪ સભ્યોએ સમર્થન આપ્યું હતુ. જ્યારે પ્રમુખ સાથે માત્ર ૬ સભ્યો રહેતા પદ છોડવાનો વારો આવ્યો છે. જેથી બોરસદ શહેર ભાજપના પ્રમુખે આ ૧૪ બળવાખોરો વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવા જીલ્લા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે. જો કે હજી સુધી એકપણ સભ્યને સસ્પેન્ડ કર્યાની લેખિતમાં જાણ કોઈપણ સભ્યને કરવામાં આવી નહી હોવાનું રિતેશ પટેલે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ નગરપાલિકાના પ્રમુખ સામે તા.ર ઓગષ્ટ ર૦રરના રોજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૬(ક) મુજબ અવિશ્વાસની દરખાસ્ત રજૂકરી હતી. જેથી આ સંદર્ભે ૧પ દિવસની અંદર બેઠક બોલાવવા પાલિકાના પ્રમુખને જાણ કરી હતી. પરંતુ સમય મર્યાદામાં કોઈજ કાર્યવાહી પ્રમુખ દ્વારા કરવામાં આવી ન હતી. ત્યારબાદ આ સંદર્ભે કાર્યવાહી કરવા ઉપપ્રમુખને પણ તા૧૭ ઓગષ્ટ ર૦રરના રોજ પત્ર મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે પ્રમુખ કે ઉપપ્રમુખ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં નહી આવતા તા.૧ સપ્ટેમ્બર ર૦રરના રોજ અવિશ્વાસની દરખાસ્ત અન્વયે કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશ્નર કચેરીએ વિગતો મોકલી આપી હતી. જેથી તેઓએ અવિશ્વાસની દરખાસ્ત અનુસંધાને ખાસ સામાન્ય સભા બોલાવવા તા.રર સપ્ટેમ્બર ર૦રરના રોજ પત્રથી જાણ કરી હતી. જેથી આ ખાસ સામાન્ય સભા અંગેની પાલિકાના તમામ ૩૬ સભ્યોને બજવણી કરવામા આવી હતી. આ સભા ગતરોજ બોરસદ પાલિકાના સભાખંડમાં સવારે ૧૧ કલાકે યોજાઈ હતી. જેમા ૩૬ પૈકી ૩૧ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના તમામ ર૦ સભ્યો હાજર હતા. સભાનું કામકાજ શરૂ થતા પ્રાંત અધિકારીએ રાજકીય પક્ષોને વ્હિપ રજૂ કરવાનું જણાવતા ભાજપ તરફથી કાંતિભાઈ ચાવડા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વ્હિપનું વંચાણ કરતા કહ્યું હતુ કે વ્હિપનો અનાદર એ શિસ્તભંગ ગણાશે. છતા ભાજપના ર૦ પૈકી ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપી પ્રમુખની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતુ. જેથી સભા સંપન્ન થયાબાદ આ ૧૪ સભ્યો વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવા બોરસદ શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલે આણંદ જીલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં પત્ર મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતુ.
જો કે આ અંગે હજી સુધી આગળની કોઈ કાર્યવાહી સંદર્ભે જાણ નહી હોવાનું પણ કહ્યું હતુ. બીજી તરફ આ તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હોવાની વાત વાયુવેગે જીલ્લાભરમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ ખરેખર હજીસુધી એકપણ સભ્યને સસ્પેન્ડ કર્યા હોવાની લેખિતમાં જાણ નહી થઈ હોવાનું બળવાખોર સભ્યો પૈકી રિતેશ પટેલે જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જતા બોરસદ નગરપાલિકાના પ્રમુખ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૬(ર) મુજબ ત્રણ દિવસ સુધી હોદ્દો ધારણ કરી શકે છે. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે આગામી નજીકના દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા આ ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરશે ? કારણ કે ભાજપના ર૦ પૈકી જો ૧૪ સભ્યોને પ્રમુખની કાર્ય પદ્ધતિથી નારાજગી હોય તો કઈક તથ્ય હોવાની વાત નગરજનોમા ચર્ચાસ્પદ બનવા પામી છે. એટલે જોવાનું એ રહેશે કે ભાજપ અસંતુષ્ટોને સસ્પેન્ડ કરેછે કે ૧૪ પૈકી કોઈ એકને પ્રમુખ બનાવી સત્તા જાળવી રાખે છે ?
અસંતુષ્ટ સભ્યો
૧ ભૂમિકાબેન હિરેનભાઈ ગોહેલ
ર પ્રજ્ઞનેશભાઈ જ્યંતિભાઈ પટેલ
૩ રિતેશભાઈ પંકજભાઈ પટેલ
૪ ભારતીબેન દિનેશભાઈ પરમાર
પ અપેક્ષાબેન વિરેન્દ્રસિંહ મહિડા
૬ ભાવનાબેન જયેન્દ્રસિંહ રાઠોડ
૭ મફતભાઈ શનાભાઈ સોલંકી
૮ હિનાબેન જીગ્નેશભાઈ ભોઈ
૯ ભૌતિકભાઈ શૈલેષભાઈ શાહ
૧૦ કિરણ વિશાલભાઈ પટેલ
૧૧ દિપકભાઈ અંબાલાલ રાણા
૧ર દિપકભાઈ કનુભાઈ પટેલ
૧૩ પિનલ તન્મયભાઈ પટેલ
૧૪ પરાગકુમાર પ્રવિણભાઈ પટેલ








