નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી વિવિધ કાર્યક્રમો થકી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપર GST લગાવવામાં આવ્યો હતો, ત્યારે ગઇકાલે એવા અહેવાલ સામે આવ્યા હતા કે આ વર્ષથી હવે ગરબાના પાસમાં પણ GST વસૂલવામાં આવશે. આ મુદ્દે પણ હવે ગુજરાત AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓ ગરબા દરમિયાન પહેરતા પારંપારિક કપડાઓ પહેરીને આવ્યા હતા અને ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ગુજરાતનાં અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરત અને વલસાડ જેવા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તમામ વિરોધ પ્રદર્શન દરમિયાન દરેક જિલ્લા અને શહેરમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ભાજપ સરકાર દ્વારા ગુજરાતની પરંપરા અને લોકોની આસ્થા એટલે કે ગરબા રમવાના પાસ પર જે 18% GST લગાવવામાં આવ્યો છે તે ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. એટલે 18% GST હટાવવા માટે આજે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ ગુજરાતના દરેક જિલ્લામાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કર્યું છે.”
આજના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં AAP ગુજરાતનાં નેતાઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ભાજપ વિરોધી પ્લેકાર્ડ હાથમાં લઈને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ દ્વારા તમામ જિલ્લામાં રાબેતામુજબ વિરોધ પ્રદર્શનને ડામી દેવામાં આવ્યું હતું અને પ્રદર્શન કરી રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.








