નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા સામાન્ય રીતે જ્યારે પણ કોઈ તહેવાર નજીક આવે ત્યારે કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સઘન તપાસ કરવામાં આવતી હોય છે. આગામી દિવસોમાં 15મી ઓગસ્ટ આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને NIA અને ATS દ્વારા દેશવિરોધી કૃત્યો કરતાં લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ પોલીસ અને તેમની વિવિધ એજન્સીસ દ્વારા પણ અમદાવાદમાં કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક વ્યક્તિઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સામે આવ્યું છે કે આ આરોપીઓ મૂળ જામનગરના છે અને તેઓ આ હથિયાર વેચવા માટે અમદાવાદ આવ્યા હતા, પરંતુ શું ખરેખર આ લોકો હથિયાર વેચવા અમદાવાદ આવ્યા હતા કે અન્ય કોઈ ઇરાદાથી અમદાવાદ આવ્યા હતા તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. આ આરોપીઓ પાસેથી પોલીસને 3 પિસ્ટલ અને 16 જીવતી કારતૂસ મળી આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો શોધીને આ હથિયાર વેચતા હતા. આ ત્રણેય આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાંથી બાતમીના આધારે પકડી પાડ્યા છે. આરોપી લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી આ હથિયાર લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તથા તમામ આરોપીઓ મૂળ જામનગરના રહેવાસી છે.
આ આરોપીઓ મધ્યપ્રદેશમાંથી આ હથિયાર 15000નું એકની કિંમતે લાવ્યા હતા અને અમદાવાદમા 35000ની કિંમતે વેચવાના હતા. હવે પોલીસ દ્વારા આ આરોપીઓ ક્યાં અને કોને હથિયાર વેચવાના હતા તેમજ શું આ હથિયારનો અન્ય કોઈ ઉપયોગ કરવાના હતા તે અંગે તપાસ કરવામાં આવશે.








