નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી ચૂંટણીનું પરિણામ પોતાના તરફી આવે તે દિશામાં તનતોડ મહેનત કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ગુજરાત AAPના તમામ નેતાઓ ગુજરાતની ભાજપની સરકારને શિક્ષણ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાર બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીનો મુદ્દો લઈને રસ્તા ઉપર ઉતરવાની યોજના બનાવી રહી છે, જે અંતર્ગત આજે તેમણે પ્રથમ ચરણમાં અલગ અલગ શહેરોમાં પત્રકાર પરિષદ યોજી હતી અને જિલ્લાઓના કલેક્ટરને વીજળી સસ્તી કરવા માટે આવેદનપત્ર આપ્યા હતા.
પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે, “ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી તે પહેલા ભાજપ અને કોંગ્રેસે મળીને માત્ર લોકોને લૂંટવાનું જ કામ કર્યું હતું, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ નો રાજકીય ઉદય થયો છે ત્યારથી સમગ્ર દેશના રાજકારણમાં મુદ્દાઓએ સ્થાન બનાવ્યું છે. અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દાઓ પર કામ કર્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સારું કામ કરે તે માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “છેલ્લા કેટલાક સમયથી અમે ગુજરાતમાં ભાજપ સરકારને શિક્ષણના મુદ્દે મોટો પડકાર આપ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ મોડલનો પર્દાફાશ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે હવે વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ આક્રમકતા સાથે આંદોલન કરવા જઈ રહી છે. સરકારી પાવર પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન વધારવાને બદલે ભાજપ સરકારે તેનું ઉત્પાદન ઓછું કરવાનું કામ કર્યું અને ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યારપછી સરકારે વીજ ઉત્પાદન બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી સરકારી વીજ કંપનીઓ કરતા મોંઘા ભાવે વીજળી લઈને જનતાને મોંઘા ભાવે વીજળી આપવાનું શરૂ કર્યું. ભાજપે પ્રજાને લૂંટીને પોતાના ચૂંટણી ફંડની વ્યવસ્થા કરવાનું કામ કર્યું છે. ભાજપના આ કૌભાંડને ખુલ્લા પાડવા માટે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરી રહી છે.”
તેમણે પોતાના કાર્યક્રમ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, “અમારી પહેલી માંગ છે કે ભાજપ સરકાર સસ્તી વીજળી આપવાનું શરૂ કરે કારણ કે મફત વીજળી આપવાનું કામ ભાજપ બિલકુલ કરી શકશે નહીં. કારણ કે ગુજરાતમાં લોકોને મફત વીજળી આપવાનું કામ ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે અને અમે આવનારી ચૂંટણીમાં જીતીને અમે આ કામ કરવાના છીએ. આજે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી વીજળીના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે. આ પછી સમગ્ર ગુજરાતમાં રેલી, પદયાત્રા અને રાત્રીના સમયે મશાલ યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ અમે કેટલાક અન્ય કાર્યક્રમો પણ કરવા જઈ રહ્યા છીએ જેના વિશે અમે અત્યારે કોઈ માહિતી આપી શકશું નહી.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











