નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: CBIએ એબીજી શિપયાર્ડ્સ અને તેના ડાયરેક્ટર્સ પર આરોપ લગાવ્યો છે કે તેમણે કથિત રીતે 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)નું કહેવું છે કે એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટર ઋષિ અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંકો સાથે 22,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. એબીજી શિપયાર્ડ અને તેની ફ્લેગશિપ કંપની જહાજોના નિર્માણ અને સમારકામના વ્યવસાયમાં છે. આ શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરત ખાતે આવેલા છે. SBIની ફરિયાદ મુજબ કંપનીએ તેની પાસેથી 2,925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે ICICI પાસેથી 7089 કરોડ, IDBIના 3634 કરોડ, BANK OF BARODAના 1614 કરોડ, PNBના 1244 કરોડ અને IOBના 1228 કરોડ રૂપિયા બાકી છે.
18 જાન્યુઆરી, 2019 (એપ્રિલ 2012થી જુલાઈ 2017) અર્નેસ્ટ એન્ડ યંગ દ્વારા રજૂ કરવામાં આવેલા ફોરેન્સિક રિપોર્ટનું ઓડિટ દર્શાવે છે કે આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું અને પૈસા અન્યત્ર ટ્રાન્સફર કર્યા હતા, ગેરરીતિઓ કરી હતી અને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, એમ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવાયું હતું. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે બેંકના ભંડોળના ભોગે ભંડોળના ડાયવર્ઝન, નાણાકીય અનિયમિતતાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને હવે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. તમામ સંબંધિત દસ્તાવેજો સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ પહેલા હીરાના વેપારી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી બેંક ફ્રોડ) સાથે 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો ખૂબ જ ચર્ચિત હતો. દેશ-વિદેશમાં નીરવ મોદીની ઘણી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. તેને લંડનથી ભારત પ્રત્યાર્પિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. સાથે જ વિજય માલ્યા લગભગ 9 હજાર કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના કારણે પણ ચર્ચામાં છે. તેને ભારત પ્રત્યાર્પિત કરવાની કવાયત પણ અંતિમ તબક્કામાં છે.








