નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બસ હોય કે રેલવે, નાગરીકોને હરહંમેશ યાતાયાત દરમિયાન સ્વચ્છતા અતિપ્રિય હોય છે. આજે એસ. ટી. નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે. તેવી જ રીતે, બસોને અંદર-બહારથી સ્વચ્છ રાખવા માટે એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના 33 ડેપોમાં ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ કાર્યરત કરવામાં આવ્યા છે. આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મીની બસ સહિતની તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે. આ મશિનની કિંમત 14 લાખ રુપિયા છે.

દિવસ-રાત દોડતી એસ.ટી. બસની સ્વચ્છતાને ધ્યાને લઈને નિગમ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, આણંદ, કપડવંજ, નડિયાદ, બોરસદ, ડાકોર, ખંભાત, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, થરાદ, ડીસા, સિદ્ધપુર, રાધનપુર, દિયોદર, મહેસાણા, પાટણ, કડી, ઊંઝા, વડનગર, કલોલ, દ્વારકા, ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા, ભાવનગર, પાલીતાણા, મહુવા અને બોટાદ મળીને કુલ ૩૩ ડેપોમાં ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવા 7 મશીન ખંભાળિયા, વલસાડ, હિંમતનગર, ગોધરા, વડોદરા (પાણીગેટ), દાહોદ અને ઉઘના ડેપો ખાતે ટૂંક સમયમાં જ કાર્યરત કરવામાં આવશે.

આગામી સમયમાં અમરેલી, બગસરા, કોડીનાર, સાવરકુંડલા, ઉના, ડભોઈ, છોટાઉદેપુર, પાદરા, બોડેલી, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, રાજપીપળા, બારીયા, હાલોલ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, બાયડ, ભિલોડા, ઇડર, ખેડબ્રહ્મા, માણસા, મોડાસા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, પોરબંદર, વેરાવળ, વિજાપુર, બાલાસિનોર, બારડોલી, માંડવી (સુરત), સોનગઢ, સુરત (સીટી), બીલીમોરા, ધરમપુર, નવસરી અને વાપી મળીને કુલ ૪૦ ડેપો ખાતે પણ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવાનું નિગમનું આયોજન છે.

અત્રે ઉલેખ્ખનીય છે રૂ. 14 લાખથી વધુની કિંમત ધરાવતા 80 ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ રૂ. 11.80 કરોડના ખર્ચે ખરીદી કરી ડેપોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ દ્વારા બસના આગળનો ભાગ, બંને સાઈડ તેમજ પાછળના ભાગમાં ફક્ત 5 થી 7 મિનીટમાં સફાઈ થઈ જાય છે અને મુસાફરોને સ્વચ્છ મુસાફરીનો લાભ મળે છે.

