નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પુરવઠા વિભાગની ઉદાસીનતા અને બેદરકારીના કારણે હજારો કિલો અનાજ સડી જવાની ઘટના સામે આવી છે. જેમા હજારો કિલો અનાજ ગરીબને મળે તે પહેલા સડી જતા પુરવઠા વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ ગરીબો લોકો આ ઘટના બાદ પુરવઠા વિભાગ સામે રોષ ઠાલવી રહ્યા છે. દોઢ વર્ષ અગાઉ પુરવઠા વિભાગે કાળા બજારી કરતાં લોકો પાસેથી ગરીબના હકનું હજારો કિલો અનાજ જપ્ત કર્યું હતું અને તેને ગોડાઉનમાં સંગ્રહ કરી રાખ્યું હતું. ત્યાર બાદ કલેકટરના આદેશ મુજબ અનાજ વિતરણ કરવામાં આવે તે પહેલા, લાંબા સમયથી રાખેલું અનાજ સડી જતા આ અનાજને વેસ્ટ નિકાલ કરવાની ફરજ પડી છે.
દોઢ વર્ષથી રાજકોટ પુરવઠા વિભાગના ગોડાઉનમાં રાખેલું અનાજ વિતરણ કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ પુરવઠા વિભાગનું તંત્ર જાગ્યું હતું અને અનાજ વિતરણ કરવાનું આયોજન કરતા અનાજ સડી ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 172 કટ્ટા ઘંઉ સડી જતા પુરવઠા વિભાગ વિવાદમાં સંપડાયો છે. તેમજ FSLના રિપોર્ટમાં 452 કિલો ચોખાને તાત્કાલિક વિતરણ કરી દેવા માટે જાણ કરવામાં આવી છે. સડી ગયેલા ઘંઉના 172 કટ્ટામાં હજારો કિલો ઘંઉ હતા. જો તેને નિયમિત સમયગાળામાં વેચાણ કરવામાં આવ્યું હોત આજે હજારો ગરીબ પરિવારના પેટના પેટની ભૂખ તેનાથી ઠરી હોત.
દોઢ વર્ષથી ગોડાઉનમાં પડેલા જથ્થા અંગે પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જે તે સમયે જપ્ત કરેલા જથ્થાનો કોર્ટ કેસ સહિત જુદી-જુદી કાર્યવાહી થતી હોય છે. જેના કારણે સરકારી કાર્યાવાહી જ્યાં સુધી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી જથ્થો કોઈને આપી શકાતો પણ નથી. જેના કારણે લાંબી પ્રક્રિયાના પગલે અનાજ સડી ગયું હોવાની ઘટના સામે આવી છે.