નવજીવન ન્યૂઝ. ઉના: ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થતી રેતી ચુના પથ્થર માટી સહિતની ખનીજ ચોરીના હબ બનેલા ઉના તાલુકાના ખનીજ માફીયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં ચોરી ઉપર સીના ચોરી કરતા હોય તેમ ઉનાના પસવાળા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા વાહનોને ઉના મામલતદાર સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યા હતા. મામલતદારનો સ્ટાફ જ્યારે વાહનોમાં બેસી ઝડપાયેલા શખ્સોને ઉના કચેરી ખાતે લાવતી હતી દરમિયાન ટ્રેક્ટર ચાલકે ઉના મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને ટ્રેક્ટર સામતેર ગામ પાસે ટ્રેક્ટરમાંથી ધક્કો મારી દીધો હતો. આ મામલાની ફરજમાં રૂકાવટ કરતા ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના પસવાળા ગામની નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું કારસ્તાન ચાલતું હતું. જેની માહિતી ઉના મામલતદારને મળતા સર્કલ ઓફિસર મિતેશ વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ત્રાટક્યો હતો. દરોડો કરતા સ્થળ પરથી રેતી ચોરી કરતા 3 ટ્રેક્ટર અને 1 જેસીબી મશીન ઝડપાયું હતું. દરોડો કરનાર ટીમે કુલ રૂપિયા 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ જ્યારે મુદ્દામાલ સાથે તઓ પરત ઉના કચેરી ખાતે ફરી રહ્યા હતા દરમિયાન ટ્રેક્ટરના ચાલક ભુપત ઉકાભાઈ ગોહિલે જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે બેઠેલા રેવેન્યુ તલાટીને ધક્કો મારી નીચે ફેંકી દીધા હતા.
ચાલુ ટ્રેક્ટરે રેવન્યુ તલાટીને ધક્કો મારી દેતા તેઓ ઘાયલ થયા હતા. ઘાયલ તલાટીને સરકારી વાહનમાં બેસાડી તાત્કાલીક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને જમણા હાથના ભાગે ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. આ મામલે રેતી ચોરી કરનાર પસવાળાના રહેવાસી ભુપત ઉકાભાઈ ગોહિલ, ઉટવાળાના હમીર સાખટ અને ઉમજના આસિફ ઉનડજામ વિરૂધ્ધ ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ઉના તાલુકાના પસવાળા, ઉટવાળા, સામતેર, ઉમેજ, નાંદરખ અને સમઢીયાળા સહિતના ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી વેચી દેવાનું કૌભાંડ ઘણા વર્ષોથી ચાલતું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ ઘણી વખત ખાણ ખનીજ વિભાગ, મામલતદાર અને પ્રાંત અધિકારી ઉના દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ અનેક વખત ખનન માફિયાઓ પર તવાઈ કરવામાં આવી હતી. છતાં પણ ખનીજ માફિયાઓ સુધારવાનું નામ નથી લેતા અને ગામડાઓની નદીઓને ખનન માફીયાઓ ખોખલી કરી રહ્યા છે. ત્યારે હવે અધિકારીને હત્યાની ધમકી અને ઘાયલ કરવાની આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ખનીજ માફિયાઓને નશ્યતે પહોંચાડવાની માગણી ઉઠવા પામી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








