નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર–24 માં 5 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં બે દિવસ અગાઉ ઝડપાયેલા આરોપીએ આજે પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પ્રતિકાર આપતા તેને કાબૂમાં લેવા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી બિહારનો વતની, અમૂલ ડેરીમાં નોકરી કરતો હોવાની વિગતો છે.
માહિતી મુજબ, આરોપી રામસિંહ બિહારનો વતની છે અને હાલમાં સેક્ટર–25 જીઆઇડીસીની અમૂલ ડેરીમાં નોકરી કરે છે.
ઘટના બની હતી રાત્રે
રામસિંહ શિકારની શોધમાં સેક્ટર–24 વિસ્તારમાં ફરતો હતો. એ દરમિયાન બાળકી લઘુશંકા માટે બહાર નીકળી હતી અને તકનો લાભ લઈ આરોપીએ બાળકીને ઉઠાવી લઈ દુષ્કર્મ કર્યું હતું.
ટેકનિકલ સર્વેલન્સથી ઓળખ
પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી ઝડપ કરવામાં આવી હતી.
સાઇટ વિઝિટ દરમિયાન ભાગવાની કોશિશ
આજે આરોપીને પુરાવા વેરીફાય કરવાની પ્રોસિજર એટલે કે રિકન્સ્ટ્રક્શન કરવા સેક્ટર–24 ખાતે લેવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેક્ટર–21 PI પોલીસ લતા દેસાઈએ સાવચેતીના ભાગરૂપે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક બુલેટ આરોપીના પગમાં વાગતા તેને તરત જ સારવાર માટે ખસેડાયો હતો.
પોલીસ સમગ્ર પ્રક્રમ અંગે વધુ તપાસ કરી રહી છે.








