પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.): ગુજરાત એટીએસના ડેપ્યૂટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભાવેશ રોજીયાની બાતમીને આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનને કારણે ભારતીય જળ સીમાથી 14 નોટીકલ માઈલ દુર પાકિસ્તાન જહાજ અલ હજને ઓળખી લેવામાં આવ્યું, તેમાં પાકિસ્તાના ડ્રગ માફિયા મુસ્તાફા દ્વારા 280 કરોડનું હેરાઈન હતું, પરંતુ કોસ્ટ ગાર્ડ દ્વારા જેવી અલ હજને ચેતવણી આપવામાં આવી તેની સાથે પાકિસ્તાની જહાજે ભાગી છુટવાનો પ્રયાસ કર્યો, લગભગ બે કલાક સુધી અલ હજ અને કોસ્ટગાર્ડ વચ્ચે ચાલેલી જંગ બાદ અલ હજને ઝડપી લેવામાં આવ્યું જેમાંથી 280 કરોડનું હેરોઈન મળી આવ્યું પરંતુ આખુ ઓપરેશન કોઈ હોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવુ હતું.
ડીવાયએસપી ભાવેશ રોજીયાને મળેલી બાતમી પછી એટીએસના એસપી સુનીલ જોષી અને ડીઆઈજી દીપેન ભદ્રનને આ બાતમીથી વાકેફ કરવામાં આવ્યા, પાકિસ્તાનથી હેરોઈન સાથે નિકળેલા જહાજને દરિયામાં આંતરી લેવુ જરૂરી હતું. ગુજરાત એટીએસના વડા અમિત વિશ્વકર્મા સાથે થયેલી ચર્ચા પછી આ ઓપરેશન માટે કોસ્ટગાર્ડને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આ્વ્યો હતો કારણ અલ હજ ભારતીય જળ સીમાનો ઉપયોગ કરી ભારતના કોઈ પણ ખુણે આ હેરોઈન લઈ જશે તેવી પુરી શકયતા હતી. એટીએસ દ્વારા આ મામલે કોસ્ટગાર્ડના ડીજીપી સાથે વાત કરી ઓપરેશન હેરોઈનને અંજામ આપવાની આખરી યોજના તૈયાર કરવામાં આવી હતી.

દરિયાઈ જળ સીમા કોસ્ટગાર્ડ પાસે હોવા છતાં દરિયામાં જ્યારે હજારો બોટ હોય ત્યારે અલ હજને ઓળખવા માટે ગુજરાત એટીએસના ઈન્સપેકટર સંજય પરમાર, જે એલ ચાવડા અને પીએસઆઈ રાણાને કોસ્ટગાર્ડ સાથે ઓપરેશન પાર પાડવા રવાના કરવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમ સાથે રહેલી એટીએસની ટીમે જ્યારે 14 નોટીકલ માઈલ દુર અલ હજને ઓળખી લીધું ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા પોતાની ઓળખ આપી જણાવ્યું હતું કે, અમે ભારતીય કોસ્ટ ગાર્ડ છીએ, તમે શરણે આવો તેની સાથે અલ હજે ભાગવાની શરૂઆત કરી હતી. અલ હજે કોસ્ટગાર્ડથી બચવા પોતાની ઝડપ વધારતા કોસ્ટગાર્ડની બોટે તેનો પીછો શરૂ કર્યો હતો.
કોસ્ટગાર્ડ દ્વારા અલ હજને રોકવા માટે ચેતવણીના ભાગ રૂપે બોટથી પચાસ મીટર દુર પાણીમાં ગોળીબાર કરી તેમને રોકાઈ જવા જણાવ્યું છતાં અલ હજના ખલાસીએ બોટ રોકી નહીં. લગભગ દસ નોટીકલ માઈકલ સુધી કોસ્ટગાર્ડે પીછો કર્યો પરંતુ અલ હજ બોટ નહીં રોકાતા કોસ્ટગાર્ડ દ્વારા તેમની ઉપર સતત ગોળીબાર કર્યો, તેમાં અલ હજમાં રહેલા ત્રણ પાકિસ્તાનીઓને ગોળી વાગી હતી. જેના કારણે અલ હજને રોકાવી દેવાની જવાની ફરજ પડી હતી. આ બધું મધદરિયે લગભગ કલાકો સુધી ચાલ્યું, જહાજ રોકાઈ જતાં કોસ્ટગાર્ડે અલ હજની તલાશી લીધી, તેમાંથી 56 પેકેટમાં પેક કરેલુ 56 કિલોગ્રામ હેરોઈન મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત 280 કરોડ થાય છે. કોસ્ટગાર્ડ દ્વારા અલ હજને ભારતીય કિનારે લાવવાની શરૂઆત કરી છે ત્યાર બાદ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો અને એટીએસ સંયુકત રીતે તપાસ કરશે.
![]() |
![]() |
![]() |











