નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Ex IPS Cheating Case છેલ્લા ઘણાં દિવસોથી ગુજરાતના પૂર્વ DGP (Gujarat EX DGP) પર મહિલાએ કરેલા કથિત ગંભીર આક્ષેપો સાથેનું સોગંદનામું વાયરલ થઈ રહ્યું હતું. જે મામલે આજરોજ ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા તપાસ હાથ ધરી પત્રકારો સહિતના આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને ગુજરાત એટીએસના વડા સુનિલ જોશી (Gujarat ATS chief Sunil Joshi) એ આજરોજ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી ઘટનાની માહિતી આપી હતી.
ભાજપના નેતા અને પત્રકારોનું કાવતરું…
ગુજરાતના પૂર્વ પોલીસ વડા વિરૂધ્ધ સનસનીખેજ અને ગંભીર આક્ષેપો સાથે એક મહિલાનું સ્ટેમ્પ અને નોટરી વાળું સોગંદનામું સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. વાયરલ થયેલા સોગંદનામાને કારણે પોલીસ બેડામાં અને IPS લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. અનેક તર્ક વિતર્કો સાથે નાગરિકોમાં પણ ચર્ચાઓ શરૂ થતા ગુજરાત એટીએસને મામલાની તપાસ સોંપવામાં આવી હતી. જે મામલે ગુજરાત એટીએસ દ્વારા સમગ્ર મામલો બ્લેકમેઈલીંગનો હોવાનું બહાર લાવી ભાજપના એક નેતા અને 2 પત્રકાર સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર તપાસની અને ઘટનાની માહિતી આપતા સુનિલ જોશીએ સિફત પૂર્વક કયા પૂર્વ પોલીસ ઉચ્ચ અધિકારી વિરૂધ્ધમાં આરોપીએ ઘડેલું આ કાવતરું હતું તે જણાવ્યું ન હતું.
કાવતરાની શરૂઆત…
સુનિલ જોશીએ પત્રકારોને જણાવ્યા મુજબ, કથિત સોગંદનામા મામલે તપાસ કરતા વિગતો સામે આવી હતી કે, સોગંદનામું કરનાર મહિલાએ અગાઉ પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અને બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવેલો છે. આ ફરિયાદ દાખલ કરતા પહેલા મહિલા ગાંધીનગરના જી.કે. પ્રજાપતિ ઉર્ફે જી.કે. દાદાને મળી હતી. મહિલાએ જી.કે. દાદાને વાત કરતા કહ્યું કે તેની ફરિયાદમાંનો આરોપી ઈસ્માઈલ મલેક તેણીને એક દિવસ પહેલા ચાંદખેડા કાલીકા મંદિર પાસે આવેલા સંગાથ બંગલોઝના બંગલના નંબર 13-14માં લઈ જઈ આશરે 45 વર્ષની ઉંમરના વ્યક્તિ પાસે લઈ ગયો હતો. આરોપીએ આ વ્યક્તિની ઓળખ તેણે પોલીસ અધિકારી તરીકે આપી હતી અને તે વ્યક્તિએ બળજબરીથી બે વખત શરીર સબંધ બાંધ્યો હતો. પરંતુ આ વાત ફરિયાદમાં નહીં લખાવી બાદમાં તેનું વિચારશું તેમ કહી ફરિયાદમાં તે વ્યક્તિનું નામ લખાવવા કહ્યું હતું.
આ રીતે થઈ તોડ કરવાની તૈયારી…
બાદમાં જી.કે. દાદાએ સુરતના એક વ્યક્તિ હરેશ જાદવ સાથે ઓળખ કરાવી તેની હાજરીમાં આઠ કરોડ રૂપિયાનો તોડ કરવાની વાતો તે વ્યક્તિી સાથે કરી હતી. જેમાં મહિલાને પણ મદદ કરવાના બદલામાં તેઓ જણાવે તેમ કરવું પડશે અને જેના કારણે મહિલા આરોપી જી.કે.દાદા અને હરેશ જાદવના દબાણમાં આવી હતી. સાથે જ બંને આરોપીઓએ પોતાના પત્રકાર મિત્રોને મહિલાના લવ જેહાદના કેસમાં મોટા પોલીસ અધિકારીનું નામ બળાત્કારમાં આવ્યું હોય પૈસા પડાવવાની વાત કરી હતી. અને ત્યારબાદ કારસો ઘડી મહિલાના નામનું સોગંદનામું તૈયાર કરાવી તેમાં પોલીસ અધિકારીએ બે વખત બળાત્કાર આચર્યાની વિગતો અને પોલીસ અધિકારીનું નામ લખાવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર મહિલાનો ફોટો બતાવતા મહિલાએ ફોટો વાળા અધિકારીએ તેની સાથે ખોટું કામ નથી કર્યું તેમ કહ્યું હતું. જે સાંભળી આરોપીઓએ ચર્ચા કરી બીજા અધિકારીનું નામ નક્કી કર્યું અને તે નામ સોગંદનામામાં સુધારો કરી લખાવી તારીખ 28 જાન્યુઆરી 2023ના રોજ તેમાં મહિલાની સહી કરાવી હતી.
આ પણ વાંચો: ગુજરાત ATSને દિવસો પહેલા જ પેપરલીકની ખબર હતી, આ રીતે પાર પડ્યું ઑપરેશન
મહિલાને ઊંઘની ગોળી ખવડાવી…
બાદમાં તારીખ 30 જાન્યુઆરીના રોજ બપોરના સમયે મહિલાને પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એફ.આઈ.આર. બાબતે મેજીસ્ટ્રેટ રૂબરુ સી.આર.પી.સી. 164 મુજબ નિવેદન આપવાનું હતું ત્યારે આરોપી જી.કે. દાદા અને હરેશે તેણીને આ નિવેદન નહીં આપવા સમજાવી હતી. અને આરોપીએ મહિલાને મેજીસ્ટ્રેટ રૂબરુ બેભાન થઈ જવા સમજાવ્યું હતું. એટલું જ નહીં મહિલાને હરેશ જાદવે ઊંઘની ગોળી ખવડાવી મેજીસ્ટ્રેટ રૂબરુ મોકલી હતી. આમ મહિલાએ કોઈ પોલીસ અધિકારીનું નામ મેજીસ્ટ્રેટ રૂબરૂ લખાવ્યું ન હતું. ઉપરાંત મહિલા પાસે 1 ફેબ્રુઆરીના રોજ ફરી સોગંદનામામાં નવા ફકરા ઉમેરી વંચાવ્યા વગર આરોપીઓએ સહી કરાવી લીધી હતી. સાથે જ મહિલાએ જણાવેલ બંગલામાં રહેનાર વ્યક્તિ ઉચ્ચ પોલીસ અધિકારી ન હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓએ કાવતરું કરી પોલીસ અધિકારી પર દબાણ સર્જી બ્લેકમેઈલીંગ કરી રૂપિયા 8 કરોડ પડાવવા કારસો ઘડ્યો હતો.
પોલીસ અધિકારીનો સંપર્ક કરી દબાણ…
વધુમાં સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, મહિલાની આડમાં આરોપી હરેશ જાદવ, મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીએ પોલીસ અધિકારીનો સંપર્ક શરૂ કર્યો હતો. જે માટે તેઓ પોલીસ કચેરીઓમાં જઈ સોગંદનામામાં જણાવેલ અધિકારીના તાબા હેઠળના અધિકારીઓ સાથે વારંવાર સંપર્ક કરતા હતા. તેમજ આરોપીઓ ભય પેદા કરતા હતા કે તેઓ અધિકારીને બળાત્કારના ગુનામાં ફસાવી દેશે.
આરોપીઓની ધરપકડ…
સમગ્ર મામલે ઘટના કથિત રીતે બ્લેકમેઈલીંગનું કાવતરું હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં ખુલતા ગાંધીનગરના સેક્ટર 7 ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે જી.કે. પ્રજાપતિ (સ્થાનિક ભાજપનો નેતા), હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજી પ્રજાપતિ અને પત્રકાર આશુતોષ પંડ્યા તેમજ કાર્તિક જાની વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 389 ને 120 (બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ માટે તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3500 કરોડનું નાર્કોટિક્સ પકડનાર DySP ભાવેશ રોજીયા પોલીસમાં કેમ જોડાયા? તેમના સ્થાને ATSમાં આવેલા એસ એલ ચૌધરી કોણ છે? જાણો
ATSના જવાબ સવાલના ઘેરામાં ?
ઉલ્લેખનીય છે કે, ATSના વડા સુનિલ જોશીએ પત્રકાર પરિષદમાં મહિલાના કથિત સોગંદનામામાં બળાત્કારના આક્ષેપ કયા પોલીસ અધિકારી વિરૂધ્ધ હતા તે જણાવવાનું ટાળ્યું હતું. સાથે જ તેમણે ઘટનામાં ઉલ્લેખીત ચાંદખેડામાં બંગલો કોનો છે, ત્યાં કોણ હતું જેણે મહિલા સાથે બળાત્કાર કર્યો તે મામલે પણ તપાસ ચાલુ હોવાનો જવાબ આપ્યો હતો. આમ ATSની તપાસ અને પત્રકાર પરિષદમાં આપેલા જવાબે પત્રકારોના મનમાં અનેક સવાલને જન્મ આપ્યો છે.
લાઈવ વિડીયો જુઓ: ગુજરાતના પૂર્વ DGP વિરુદ્ધ મહિલાના કથિત Viral સોગંદનામા મામલે Gujarat ATSનું નિવેદન
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








