Thursday, April 23, 2026
HomeGujaratભાવનગરઃ નકલી નોટના કેસમાં જેલમાં રહીને ગેંગ બનાવી, બહાર આવીને છાપી 2000ની...

ભાવનગરઃ નકલી નોટના કેસમાં જેલમાં રહીને ગેંગ બનાવી, બહાર આવીને છાપી 2000ની નકલી નોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ગુજરાતમાં તાજેતરમાં જ નકલી નોટનું મોટું રેકેટ સુરત ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યું હતું. ત્યારે આજે ફરીથી ભાવનગર SOGએ આવું જ રેકેટ ઝડપી પાડ્યું છે. નકલી ચલણી નોટો બજારમાં ફરતી થાય તે પહેલા જ પોલીસની સતર્કતાના કારણે ઝડપાઈ ગઈ છે. જોકે પકડાયેલા આરોપી અગાઉ પણ નકલી ચલણી નોટના કેસમાં જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. જેલમાં સજા ભોગવ્યા બાદ પણ જેલથી છૂટકારો મળતા ફરીથી નકલી ચલણીનોટ છાપવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે 3 આરોપી હજી પોલીસ પકડથી દુર છે.

ભાવનગર SOGના પોલીસ ઈન્સપેક્ટ એસ.બી. ભરવાડની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, અગાઉ નકલી ચલણી નોટના કેસમાં પકડાયેલા અને જેલ મુક્ત થયેલા આરોપી શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં ફરીથી નકલી ચલણી નોટ બજારમાં વહેતી કરવાના હેતુથી એક ગેંગ બનાવી છે અને આ ગેંગએ નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હોવાની માહિતી મળતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

- Advertisement -

અગાઉ ભાવનગરમાં નકલી નોટના કેસમાં પકડાયેલા આરોપી હાર્દિક વાઘેલા તેના સાગરિત સુરેશ આડેસરા અને બનાસકાંઠામાં નકલી નોટના કેસમાં પકડાયેલો આરોપી મેરાજ રબારી તેના બીજા સાગરિતો સાથે મળીને ભાવનગરમાં નકલી નોટ પ્રિન્ટ કરી રહ્યા છે. આ તમામ આરોપીઓ વહીવટ માટે એક જગ્યાએ ભેગા થવાના છે. આ માહિતી SOGને મળતા ગોઢવી ભાવનગર ઘોઘારોડ ગાયત્રીનગર પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા.

પોલીસના દરોડામાં 1 કરોડ 39 લાખની રૂ. 2000ની નકલી નોટો સાથે પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં હિરેન રમેશ સીયાતર, હાર્દિક ભુપત વાઘેલા, પંકજ જીવા સોનરાજ, અયુબ ઉસ્માન બીલખીયા, મેરાજ કુરશી રબારીને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે સુરેશ મોહન આડેસરા. જાવેદ હાજી સરમાળી, મહંમદરફિક ઉસ્માન કુરેશીને હજી પોલીસ પકડથી દુર છે. પોલીસએ સ્થળ પરથી કલર પ્રિન્ટર સહિત 1,97,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓની જેલમાં મુલાકાત થયા બાદ આરોપી જેલમાંથી મુક્ત થતાં એકબીજાનો સંપર્ક કરીને શોર્ટકટ અપનાવી ઓછી મહેનતમાં વધુ રૂપિયાવાળા બનવાનો ઈરાદો પાર પુરો કરવા માટે મુંબઈથી પ્રિન્ટર લાવીને અસલી નોટ પરથી નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આ નોટને બજારમાં વહેતી કરે તે પહેલા જ પોલીસની પકડમાં આવી ગયા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular