નવજીવન ન્યૂઝ, ભાવનગર : ભાવનગર શહેર (Bhavnagar City) માં આવેલા એક સિનેમા ગૃહમાં સગીરને ટિકિટ નહીં આપવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ ચાર શખસોએ માર મારી કરી છે. હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં ધૂરંધર-2 એડલ્ટ ફિલ્મ માટે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કરતા મામલો બિચક્યો હતો. આ ઘટના અંગે નિલમબાગ પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઓફિસમાં ઘૂસી કર્મચારીને લાફો માર્યો
નિલમબાગ પોલીસ મથકે હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ જશુભાઈ ગોહિલે ચાર શખસો સામે મારા મારીની ફરિયાદ નોંધાવી છે. 25 માર્ચની રાત્રિના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયે જગદીશભાઈ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના સાથી કર્મચારી ધર્મેન્દ્રસિંહ ઝાલાનો ફોન આવ્યો હતો. ફોનમાં જણાવ્યું હતું કે, સિનેમામાં ટિકિટ મુદ્દે એક વ્યક્તિ માથાકુટ કરી રહ્યો છે. જેથી તેઓ તરત જ હિમાલિયા મોલ ખાતે પહોંચ્યા હતા. નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ રાત્રે સાડા દસ વાગ્યે ‘ધૂરંધર-2’ ફિલ્મની ટિકિટ લેવા આવ્યા હતા અને પોતાના પરિવાર માટે ટિકિટ માગી હતી. જો કે, ફિલ્મ એડલ્ટ હોવાને કારણે સગીર વયના સભ્યો માટે ટિકિટ આપવાનો કાઉન્ટર પર બેઠેલા શિવમભાઈ પ્રધાને ઇન્કાર કરતા નરેન્દ્રસિંહ ગોહિલ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ગાળો આપી બોક્સ ઓફિસમાં ઘૂસી જઈ શિવમભાઈને લાફો માર્યો હતો. આથી સિક્યુરિટી સ્ટાફે તેમને બહાર કાઢ્યા હતા.
સાગરિતોને બોલાવી સિક્યુરિટી પર હુમલો કર્યો
શિવમભાઈને લાફો મારનારા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે પોતાના ઓળખીતાઓને ફોન કરીને સ્થળે બોલાવ્યા હતા અને થોડીવારમાં ત્રણ અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચી ચારેયએ ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે જગદીશભાઈએ પોતાની ટીમ સાથે તેમને સમજાવી સિનેમાથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ગેટ પાસે પહોંચતા જ એક શખસે પાછળથી ધક્કો મારી જગદીશભાઈને નીચે પાડી દીધા હતા.
112ને ફોન થતાં હુમલાખોર ટોળકી ફરાર
સિનેમા ગૃહના કર્મચારીઓને માર મારનારા શખસે પોલીસ કેસ થવાની કોઈ બીક નથી અને રોડે સામા મળશો તો ખટારો માથે ચડાવી દેવો પડશે અને કેસ કરશો તો છૂટીને પાછો તમને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જગદીશભાઈએ 112 પર કોલ કરી પોલીસને બોલાવતા તમામ શખસો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે નિલમબાગ પોલીસ સ્ટેશન (Nilambag Police Station) માં નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી છે.








