Tuesday, June 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં QR કોડ કૌભાંડ: ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી યુવતીએ ₹33.87 લાખની છેતરપિંડી...

અમદાવાદમાં QR કોડ કૌભાંડ: ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી યુવતીએ ₹33.87 લાખની છેતરપિંડી કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સ કંપનીમાં QR કોડ સાથે છેડછાડ કરીને લાખોની છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. કંપનીમાં કામ કરતી એક યુવતીએ બુકિંગના નામે ગ્રાહકો પાસેથી ₹33.87 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું પોલીસે તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, માનસી સર્કલ પાસે આવેલી અજય મોદી ટ્રાવેલ્સ કંપનીમાં અગાઉ ઉન્નતિ પટેલ (રહે. ગણેશ પરિસર, જગતપુર) નામની યુવતી કામ કરતી હતી. યુવતીએ કંપની પાસેથી ટ્રાવેલ્સ ફ્રેન્ચાઇઝીની માંગણી કરી હતી, પરંતુ કંપની દ્વારા ફ્રેન્ચાઇઝી ન આપતાં તેણે અલગ રીતે વ્યવસાય શરૂ કર્યો હતો.

- Advertisement -

કંપની તરફથી બુકિંગ આપવા બદલ કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આરોપી યુવતીએ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક બેંકમાં “ઉન્નતિ એન્ટરપ્રાઇઝ” નામે એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ QR કોડમાં એવી ગોઠવણ કરી હતી કે ગ્રાહકોને તે અજય મોદી ટ્રાવેલ્સનો જ કોડ દેખાય.

આ ગોઠવણના કારણે ગ્રાહકો બુકિંગ માટે કરેલી ચુકવણી સીધી યુવતીના વ્યક્તિગત ખાતામાં જમા થવા લાગી હતી. ગ્રાહકોને શંકા ન આવે તે માટે યુવતી બુકિંગ પણ કરતી હતી. જોકે, ફ્લાઇટ કેન્સલ થતાં ગ્રાહકો દ્વારા કંપનીમાં ફરિયાદ કરવામાં આવી, જેના પગલે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

કંપની દ્વારા આંતરિક તપાસ કરતા QR કોડ મારફતે કરવામાં આવેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી યુવતીએ આ રીતે કુલ ₹33.87 લાખની રકમ હડપ કરી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન અને ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular