- SMCની રેડથી જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ
- શામળાજી નજીક કારછા ગામ નજીક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો
જય અમીન (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે અમદાવાદ-ઉદેપુર ને. હા. નં-48 બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતો છે. સિલ્ક રૂટ પરથી બુટલેગરો વર્ષે દહાડે નાના મોટા વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા હોવાનું જગજાહેર છે. સ્ટેટ મોનેટરીંગ સેલે અરવલ્લી જિલ્લમાં ધામા નાખી શામળાજી નજીક કારછા ગામ પાસે ટ્રકમાંથી લાકડાના ભુસાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની અધધધ… 27840 બોટલ સાથે 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ખેપીયાને દબોચી લીધો હતો. રાજસ્થાની બુટલેગર રાજુ મારવાડીએ દારૂ ભરેલી ટ્રક અમદાવાદના બુટલેગરને ડીલેવરી આપવા માટે જણાવ્યું હતું.
સ્ટેટ મોનેટરીંગ સેલે અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કારછા નજીક અમદાવાદ-ઉદેપુર ને.હાઇવે પરથી એક મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરીનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું એસએમસી ટીમે અરવલ્લી જિલ્લાના માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા છેલ્લા ત્રણ ચાર દિવસથી જિલ્લાના માર્ગો પર અને હોટલો પર અલગ અલગ ટીમ બનાવી પડાવ નાખી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન તરફથી ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરી નીકળેલી ટ્રક શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા ટીમ સતર્ક બની હતી.
સ્ટેટ મોનેટરીંગ સેલની અલગ અલગ ટીમ શામળાજી નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ હાથધરી કારછા નજીક નાકાબંધી કરી બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી ટ્રકની અંદર તલાસી લેતા ટ્રકની અંદર ભરેલા લાકડાના ભુસાના બાચકાની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો અધધ જથ્થો જોઈ ચોકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-27804 કિં.રૂ.11032600/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક રાકેશ ગણેશરામ બંજારા (રહે. અકલેરા, ઝાલાવાર)ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ, રોકડ રકમ મળી કુલ.રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજુ મારવાડી, ટ્રકનો માલિક અને વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના અજાણ્યા બુટલેગર સહીત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની તપાસ જિલ્લા એલસીબી પોલીસને સોંપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.








