નવજીવન ન્યૂઝ, આણંદ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) ના આદેશથી 31મી માર્ચના જાહેર રજાના દિવસે આણંદ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી. ગાંધીનગર વડી કચેરીએથી અરજદારોને અપોઇમેન્ટ આપવામાં આવતાં માત્ર એક દિવસમાં 8 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 95 જેટલા દસ્તાવેજની નોંધણી થઇ હતી. 95 દસ્તાવેજોની નોંધણીના પગલે રાજ્ય સરકારને 4 કરોડ ઉપરાંતની રકમની આવક થઇ હતી. જેમાં આણંદ તાલુકામાં 59 દસ્તાવેજ સૌથી વધુ નોંધણી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરવી વેબ પોર્ટલ (Garvi Portal) ખોટકાતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે. આણંદ જિલ્લા (Anand District) ની 8 જેટલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દિન પ્રતિદિન 70થી વધુ ટૉકન આપવા છતાં માત્ર 50 ટકા કામગીરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આખરે રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાથી ગત મંગળવારે આણંદ જિલ્લામાં આવેલી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જાહેર રજા હોવા છતાં દસ્તાવેજ નોંધણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 12 આંકલાવ, 11 બોરસદ, 10 ખંભાત, અને 3 પેટલાદ 3 સહિત કુલ 95 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. બીજી તરફ માર્ચ એન્ડીગ હોવાથી 29,090 દસ્તાવેજની નોંધણી થતાં રાજ્ય સરકારને 15 કરોડ ઉપરાંત માતબર રકમની આવક થવા પામી છે.નાણાકીય વર્ષના આખરી દહાડે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ભીડનો માહોલ જોવા મળ્યો હતો.








