પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ): નવજીવન પત્રકારત્વના વિદ્યાર્થીઓને અમે તાલીમ આપીએ છીએ કે, આપણું કામ સમાચાર શોધવાનું અને લખવાનું તો છે, પણ તેનો હેતુ માણસને બચાવવાનો અને માણસને બચાવવાનો છે. સંભવ છે કે દરેક ઘટના આપણી માટે સમાચાર ન પણ બને, પણ માણસ બચે તે સમાચાર કરતા વધુ અગત્યનું છે. આવી જ એક ઘટના આજે શુક્રવારના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ પર ઘટી હતી.
એક ખાનગી ચેનલના પત્રકાર પુરવ પટેલ અને કેમેરામેન ઉજવલ ઓઝા રોજના ક્રમ પ્રમાણે રિવરફ્રન્ટના વોક વે ઉપર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. ત્યારે તેમનાથી 100 ફૂટના અંતરે જ વોક વે પર રહેલી એક યુવતીએ ચીસ પાડતા તેમનું ધ્યાન તેની તરફ ગયું, એટલે તે તરત દોડી તે યુવતી પાસે પહોંચ્યા ત્યારે યુવતીએ નદીના પાણી તરફ ઈશારો કરતાં કહ્યું, મારી આગળ ચાલી રહેલી આ યુવતી પાણીમાં કુદી પડી છે. નદીમાં કુદી પડેલી યુવતીએ જીવન ટુંકાવા માટે પાણીમાં ભુસ્કો માર્યો હતો, પરંતુ નદીમાં પડતા જ તે પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
અચાનક બની ગયેલી ઘટનાથી હતપ્રત આ બંને કેમેરામેન અને પત્રકારે કઈ રીતે યુવતીને બચાવવી તેના પ્રયત્નો શરૂ કર્યા હતા. તે જ વખતે ત્યાંથી પોતાના ડોગ સાથે પસાર થઈ રહેલા એક વ્યક્તિને અટકાવી તેમણે ડોગને બાંધેલો પટ્ટો ડોગ માલીક પાસેથી લઈ યુવતી તરફ ફેંક્યો અને યુવતીને આ પટ્ટો પકડી રાખવાની સૂચના આપી. જોકે કમનસીબે યુવતી પટ્ટાના જોરે બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે અચાનક પટ્ટો પણ તૂટી ગયો.
હવે મદદ મળે ત્યાં સુધી આ યુવતીને બચાવવી તે મોટો પ્રશ્ન હતો. પત્રકાર પુરવ પટેલ અને કેમેરામેન ઉજવલ ઓઝાએ વોક વે પર વોકિંગ કરી રહેલા લોકોની મદદ માગી અને ટાઢથી બચવા મોર્નિંગ વોકર્સે પહેરેલા સ્વેટર અને જેકેટને એક બીજા સાથે બાંધી કામ ચલાઉ દોરડું બનાવી યુવતી તરફ ફેંકી તેને વોકવેની દીવાલ સુધી લઈ આવ્યા, જોકે સમસ્યા એ હતી કે યુવતી આ કામ ચલાઉ દોરડાંથી કેટલો સમય બચી શકે, પત્રકાર પુરવે ત્યાં રહેલા લોકોને સલાહ આપી કે તમે આ યુવતી સાથે સતત વાત કરતા રહો હું અન્ય કોઈ મદદની વ્યવસ્થા કરું છું. ત્યાર બાદ પુરવ નજીકમાં રહેલી લાઈફ ગાર્ડ રિંગ લઈ આવ્યો અને તેને યુવતી તરફ ફેંકી.
જોકે યુવતી દીવાલ સુધી આવી ગઈ હોવા છત્તાં તેને ઉપર લાવવી મુશ્કેલ હતી, ત્યાં અચાનક પુરવનું ધ્યાન પડ્યું કે, નદીના પાણીમાં અડધો કિલોમીટર દુર નદીની લીલ સાફ કરવાનું ફ્લોટિંગ મશીન કામ કરી રહ્યું છે. પુરવ દોડતો ત્યાં સુધી પહોંચ્યો અને તેણે ફ્લોટિંગ મશીન વાળાને યુવતી સુધી મશીન લઈ આવવાની સૂચના આપી. આખરે ફ્લોટિંગ મશીન યુવતી સુધી પહોંચ્યું અને યુવતીને મશીન ઉપર ચઢાવી બહાર કાઢવામાં આવી. આ દરમિયાન ત્યાં રિવરફ્રન્ટ પોલીસ અને એમ્બ્યૂલન્સ પણ પહોંચી ગઈ હતી. જોકે પત્રકાર અને કેમેરામેનની સૂઝબુઝને કારણે પોતાનું જીવન ટુંકાવા નદીમાં પડેલી યુવતીને બચાવી લેવાઈ હતી. આમ કોઈને બચાવી લેવું તે પણ પત્રકારત્વનો જ એક હિસ્સો છે તેનું આ ઉદાહરણ છે. આ યુવતી ધોળકાની હતી અને તેણે કયા કારણસર નદીમાં જંપલાવ્યું તે વિષયની દરકાર કરી તેના સમાચાર બનાવવાને બદલે પુરવ અને ઉજવલે માણસ બનવાનું કામ કર્યું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












