Tuesday, May 26, 2026
HomeGeneralઅમદાવાદઃ રિડેવલ્પમેન્ટ સ્કીમને ઘોંચમાં નાખવા મંત્રીના મળતિયાઓએ શરૂ કરાવ્યું દારૂનું સ્ટેન્ડ

અમદાવાદઃ રિડેવલ્પમેન્ટ સ્કીમને ઘોંચમાં નાખવા મંત્રીના મળતિયાઓએ શરૂ કરાવ્યું દારૂનું સ્ટેન્ડ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સત્તા પોતાની સાથે ઘણી બધી બાબતો લઈ આવતી હોય છે, સત્તા મળ્યા પછી પોતાની ઉપર નિયંત્રણ રાખવું જરા મુશ્કેલ કામ છે, અમદાવાદના પુર્વ વિસ્તારમાં સરકારી જમીન ઉપર થઈ રહેલા રિડેવલ્પમેન્ટ પ્રોજેકટમાં સ્થાનિક અને બિલ્ડર વચ્ચે એક મંત્રી મધસ્થીની ભૂમિકામાં હતા, દરેક આ પ્રકારના પ્રોજેકટ વખતે કેટલાંક નારાજ લોકો હોય છે, આ નારાજ લોકોએ મંત્રી મહોદયને બાજુ ઉપર રાખી સીધી બિલ્ડર સાથે બેઠક કરતા મંત્રી નારાજ થઈ ગયા હતા અને આ પ્રોજેકટ ઘોંચમાં પડે તે માટે મંત્રીના મળતીયાઓએ દારૂનું સ્ટેન્ડ શરૂ કરાવી દીધું છે.


શહેરના પુર્વ વિસ્તારમાં એક સરકારી જમીન ઉપર વસાહત આવેલી છે. આ વસાહતમાં રહેતા અનેક લોકો પોતાનું જીવન ગુજરાન દારૂ જુગારના ધંધા ઉપર ચલાવતા હતા, સરકારે આ જમીન ઉપર રહેલા મકાનોનું રિડેલ્પમેન્ટ કરવાનો નિર્ણય કર્યો અને વસાહતીઓને મકાન અથવા મકાનના બદલે પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો, સ્વભાવીક છે વર્ષોથી એક જ સ્થળે રહેતા આ વસાહતીઓને ખસેડવા સહેલુ કામ ન્હોતું, આથી બિલ્ડર સાથે ધારાસભ્ય અને મંત્રીનો સંપર્ક કર્યો, મંત્રીએ પોતાની વગનો ઉપયોગ કરી લગભગ 75 ટકા વસાહત ખાલી કરાવી દીધી હતી. બાકી રહેલા 25 ટકા લોકોના કેટલાંક પ્રશ્નો હતા, તેમણે મંત્રી સામે આ અંગે અનેક રજૂઆત કરી છતાં કોઈ પરિણામ નહીં આવતા તેમણે મંત્રીને વિનંતી કરી હતી કે તેઓ અમારી મુલાકાત બિલ્ડર સાથે કરાવે પણ કોઈ અગમ્ય કારણસર મંત્રી મહોદય તે વાત માટે તૈયાર ન્હોતા.

- Advertisement -

આ વસાહતીઓએ અન્ય એક મધ્યસ્થીનો સંપર્ક કરી બિલ્ડરને મળવાનું ગોઠવ્યું, બિલ્ડર આખો મામલો સમજી ગયા અને તેમણે બાકી રહેલા વસાહતીઓને પ્રશ્ન ઉકેલી આપવાની ખાતરી આપી આથી બાકીના વસાહતીઓએ ઘર ખાલી કરવાની તૈયારી બતાડી, આ બાબતની જાણ મંત્રીને થતાં તેમનો અહંમ ઘવાયો કારણ વસાહતીઓ અને બિલ્ડર હવે સાથે થઈ ગયા હતા, આ વસાહતમાં રહેતા અનેક લોકો દારૂના ધંધામાં અગાઉ હતા, દારૂના ધંધામાં સરળ રીતે પૈસા મળતા હોવાને કારણે તેમની પહેલી પ્રાથમિકતા દારૂનો ધંધો હતો. હવે નવા સ્થળે તેમને પોતાનો જુનો ધંધો કરવા મળશે કે નહીં તેની ખબર ન્હોતી. આથી મંત્રીના મળતીયાઓએ અચાનક આ વસાહતમાં દારૂનો ધંધો શરૂ કરી દીધો.


આમ પોતાની વસાહતમાં જ દારૂનો ધંધો કરવા મળતો હોય તો શું કામ બીજી વસાહતમાં જવું તેવું નક્કી કરી જેઓ પોતાના ઘર ખાલી કરવાના હતા તેમણે પોતાની યોજના બદલી નાખી અને આખી સ્થિતિમાં કફોડી સ્થિતિ બિલ્ડરની થઈ ગઈ કારણ જો 15મી જુન પહેલા વસાહત ખાલી થાય નહીં તો પ્રોજેકટ આગળ વધી શકે નહીં અને નિયમ પ્રમાણે ચોમાસુ બેસી જાય પછી કોઈને સ્થળાંતરિત કરી શકાય નહીં. આમ હમણાં તો બિલ્ડરને મંત્રીને નારાજ કરવાની કિંમત ચુકવવાનો વખત આવ્યો છે. આ દારૂનો ધંધો કરનારને રાજકીય રક્ષણ મળી રહ્યું હોવાને કારણે સ્થાનિક પોલીસની હિંમત નથી કે ધંધો બંધ કરાવી શકે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular