નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ “આભડછેટ-મુક્ત-ભારત” અભિયાન હેઠળ દલિત પરિવારો દ્વારા આભડછેટ મુક્ત ભારત બને તે માટે 1111 કિલોનો પિતળનો સિક્કો તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિક્કાને દિલ્હીમાં નિર્માણ થઈ રહેલા સંસદ ભવનમાં મુકવા માટે રાષ્ટ્રપતિને આપવામાં આવવાનો હતો. ગુજરાતના દલિત આગેવાનો અને પરિવારો ભારે ઉત્સાહ સાથે આ સિક્કાને દિલ્હી લઈ જવવા માટે નીકળ્યા હતા. પરંતુ તેમને હરિયાણા બોર્ડર પર જ રોકી દેવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાતના દલિત આગેવાનો સિક્કાને લઈને આગળ કુચ ન કરે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો મુકી દેવામાં આવ્યો હતો અને બોર્ડર પર બેરિકેટ્સ લગાવવામાં આવ્યા હતા. જે રીતે ખેડૂત આંદોલન વખતે બોર્ડર પર પોલીસ કાફલો દેખાતો હતો તે પ્રકારના ફરી એકવાર દ્રશ્ય જોવા મળ્યા હતા.
અમદાવાદના સાણંદમાં આવેલા નવસર્જન ટ્રસ્ટ દ્વારા “આભડછેટ-મુક્ત-ભારત” અભિયાન હેઠળ સંસદ ભવનમાં સમાનતાનો સિક્કો આપવા માટે તેને બનાવવા માટે ભારતના 15 રાજ્યમાંથી અનેક દલિત પરિવારોએ પિતળના વાસણો દાનમાં આપ્યા હતા. દાનમાં આવેલા વાસણોમાંથી આભડછેટ મુક્ત ભારત બને તે માટે 1111 કિલોનો પિતળનો સિક્કો તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિક્કા પર અલગ-અલગ 15 ભાષામાં “અસ્પૃશ્યતા” લખવામાં આવ્યું હતું, સિક્કાની એક તરફ ડો. બાબાસાહેબ આંબેડકર અને બીજી બાજુ ભગવાન બુદ્ધની છબી લગાવવામાં આવી હતી. સિક્કા પર એક દેશ એક રાષ્ટ્રનું લખાણ લખવામાં આવ્યું હતું. ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યના દલિત પરિવારે એક-એક રૂપિયો દાનમાં આપ્યો હતો. તેવા 21 લાખના ચલણી સીક્કા સંસદ ભવનમાં દાનમાં આપવા ગુજરાતથી દિલ્હી નીકળ્યા હતા.

ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો દ્વારા સાણંદ પાસે આવેલા દલિત શક્તિ કેન્દ્રથી દિલ્હી સુધી જવા આરંભેલા ‘આભડછેટ-મુક્ત-ભારત’ યાત્રાને ભારત સરકારના ગૃહ વિભાગના આદેશથી હરિયાણાની રેવાડી-જયસિંહ -ખેડા બોર્ડર ખાતે અટકાવી દેવામાં આવી હતી. આ યાત્રામાં જોડાયેલા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે જણાવ્યું હતું કે, દિલ્હી જવા માટેના રૂટનો રોડ બ્લોક કરી હરિયાણાની હદમાં જ પ્રવેશ ન આપ્યો હતો. ડો. બાબા સાહેબ આંબેડકર, સંવિધાન અને ભારતના 22 કરોડ અનુસૂચિત જાતિ સમાજના લોકોનું અપમાન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં જોડાયેલા 375 જેટલા બહેનો, ભાઈઓ અને બે બાળકો સાથે યાત્રીઓએ ખુલ્લામાં રાત વિતાવવી પડી હતી. પોલીસે ભયનું વાતાવરણ ઊભું કરી એક હજાર કરતાં વધારે પોલીસ ફોર્સ, વોટર કેનન સાથે હાઇવે પર યાત્રાને અટકાવવા હથિયારો સાથે હાજર હતા, તેમ છતાં યાત્રીઓ દિલ્હી જવા અને શાંતિપૂર્વકના કાર્યક્રમ માટે અડગ હતા.
વઘુમાં જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ સમાજ અને જુદા જુદા સંગઠનો દ્વારા ગુજરાતથી દિલ્હી સુધીની ‘આભડછેટ-મુક્ત-ભારત’ અભિયાન અંતર્ગત તારીખ 1 ઓગસ્ટના રોજ છ બસ, ચાર ટ્રક, ત્રણ ફોર વ્હીલર ગાડીઓ સાથે 1111 કિલોનો પીતળનો બનેલો સામાનતાના સિક્કા સાથે યાત્રા શરૂ કરવામાં આવી હતી.
આ યાત્રા 07 ઓગસ્ટના રોજ સાંજે દિલ્હી પહોંચવાની હતી પરંતુ મોડી રાત્રે યાત્રાને હરિયાણાની રેવાડી બોર્ડર ઉપર હરિયાણા પોલીસ દ્વારા ભારત સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ દિલ્હીમાં પ્રવેશ ન મળે તે માટે પોલીસ દ્વારા હાઇવે ઉપર નાકાબંધી કરીને યાત્રાને અટકાવી દેવામાં આવી હતી અને બોર્ડર પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા અને યાત્રાને પાયલોટિંગ કરી એક સાઈડમાં બધા વાહનો લેવડાવી અટકાવવામાં આવ્યા હતા. હરિયાણા સરકારને હાથો બનાવી કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આદેશ પકડાવી જાણે કે યાત્રીઓ આંતકવાદીઓ હોય તેમ બેરીકેટથી હાઇવે બ્લોક કર્યો હતો, યાત્રાના આયોજકો સાથે જિલ્લાના પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો હુકમ બતાવી યાત્રાને કોઈપણ સંજોગોમાં આગળ વધવા ન દેવાની વાત કહેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, સરકાર જો યાત્રાને આગળ વધવા દેવા માંગતી ન હોય અને યાત્રાના પ્રવેશવાથી કાયદો વ્યવસ્થા કથળતી હોય તો સરકારના પ્રતિનિધિ સિક્કાનો સ્વીકાર કરી સિક્કાને સંસદમાં મુકવાની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી ચોવીસ કલાક સુધી રાહ જોઈએ છીએ તેમ અધિકારીઓને જણાવ્યું હતું. પરંતુ કોઈ જ સિક્કો લેવા ફરક્યું ન હતું. જેથી નક્કી કર્યા મુજબ ચોવીસ કલાક પછી યાત્રા સિક્કા સાથે ગુજરાત પરત આવવા નીકળી હતી. આ યાત્રાને રોકીને ભારત સરકાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તથાગત બૌદ્ધના તૈલચિત્ર વાળા સિક્કાનું અને 14 રાજ્યોમાંથી આવેલા દલિતો તેમજ દેશભરના 22 કરોડ દલિતોનું અને ભારતીય સંવિધાનનું પણ અપમાન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, આ યાત્રામાં ગુજરાત સહિત દેશના વિભિન્ન રાજ્યોના જન પ્રતિનિધિઓ 375 થી વધારે ભાઈઓ બહેનો જોડાયા હતા. તેઓને દિલ્હીમાં જતા અટકાવીને બંધારણના આર્ટિકલ 14, 15, 17, 21, તેમજ 19 મુજબ વાણી અને અભિવ્યક્તિનો અધિકારનું હનન કરવામાં આવ્યું છે તેમજ સરકાર દ્વારા યાત્રીઓના માનવ અધિકારોનું હનન કરવામાં આવ્યું છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ, ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરમેન અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેનને તાત્કાલિક દરમિયાનગીરી કરવા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા સ્થળ પરથી જ ઈમેલ કરીને જાણ કરવામાં આવી હતી અને આ મુદ્દે લોકોના બંધારણીય અને માનવ અધિકારોના ભંગ સામે કાર્યવાહી કરવા અને લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટેની લેખિતમાં રજૂઆત કરી હતી.
દેશમાં સંવિધાનનો અમલ કરવાની જવાબદારી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોની છે. દેશની નવી બની રહેલી સંસદ-સેન્ટ્રલ-વિસ્ટામાં આ સમાનતાનો સિક્કો અર્પણ કરીને દેશ આભડછેટમાંથી મુક્ત બને અને દેશમાંથી આભડછેટનું કલંક દૂર થાય એ દિશામાં યોગ્ય કદમ ઉપાડવા દેશના અનુસૂચિત જાતિ સમાજ અને પ્રબુદ્ધ નાગરિક સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ભારત સરકાર બંધારણીય જવાબદારીમાંથી છટકવા માંગતી હોય તેમ ભારત સરકાર દ્વારા આ યાત્રાને સમર્થન આપવાની જગ્યાએ આભડછેટ-મુક્ત-ભારત ન બને પણ ચાલુ જ રહે તેવો વ્યવહાર કરી યાત્રાને રોકીને દિલ્હીમાં પ્રવેશતા જ અટકાવી હતી. ભારત દેશના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું સાથે સાથે ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાનનું પણ અપમાન કરવામાં થયું છે. હરિયાણાની રેવાડી બોર્ડર પર હરિયાણાની પોલીસે આભડછેટ-મુક્ત-ભારત યાત્રાને દિલ્હી જતા અટકાવી 375 કરતાં વધારે યાત્રીઓના બંધારણીય અને માનવ અધિકારોનો ભંગ કર્યું છે.








