Saturday, April 20, 2024
Home75th Independence Dayવિશ્વ આદિવાસી દિવસઃ આમલી વેચતી એ છોકરી, આજે દુનિયાભરમાં વખણાય છે, જાણો...

વિશ્વ આદિવાસી દિવસઃ આમલી વેચતી એ છોકરી, આજે દુનિયાભરમાં વખણાય છે, જાણો કેમ

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ: અમદાવાદ): આજે વિશ્વ આદિવાસી દિવસ (world Trible day/world indigenous day) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે? ક્યારથી આની શરૂઆત થઈ? કેવી રીતે ઉજવવામાં આવે છે? આ બધા પ્રશ્નોના જવાબ તો તમને ગૂગલ આપી દેશે. આજે આપણે વાત કરીશું એક આદિવાસી મહિલા પત્રકારની, કવિયિત્રીની, તેનાં સંઘર્ષની અને તેની સફરની. અને હા, સફળતાની પણ.

જંસિતા કેરકેટ્ટા એનું નામ. જન્મ 1983માં ઝારખંડના સિંહભૂમના ખુદપોસ ગામના એક સામાન્ય આદિવાસી પરિવારમાં થયો. ઉછેર પર્વતોની વચ્ચે, વૃક્ષોની આસપાસ પ્રકૃતિના ખોળે થયો. નાનપણમાં મા-બાપ સાથે બજારમાં આમલી વેચે અને ભણવાનો શોખ એટલે ભણવા પણ જાય. ભણવામાં ખૂબ જ રસ પણ પરિસ્થિતિ એવી કે, સરસ્વતીની આરાધના માટે જે લક્ષ્મીજી (પૈસા) જોઈએ એની વ્યવસ્થા નહીં. લક્ષ્મીની વ્યવસ્થા કરવા જંસિતાની મા વ્હારે આવી. જમીનનો એક ટુકડો હતો એ ગીરવે મૂકીને દીકરીને સરસ્વતીની આરાધના માટે લક્ષ્મીની વ્યવસ્થા કરી આપી.

- Advertisement -

સામાજના અને સ્થાનિક લોકોના અસહ્ય વિરોધ વચ્ચે પણ જંસિતાએ ગામથી દૂર ભણવા જવાનું શરૂ કર્યું. સાથે સાથે બજારમાં આમલી વેચવાનું પણ ચાલું જ રાખ્યું. ઘણા બધા આર્થિક, સામાજિક સંઘર્ષ બાદ એ ભણી અને પત્રકાર બની. પોતાની વાત, લાગણી અને અનુભવોને કલમના માધ્યમથી વાચા આપવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તે સ્વતંત્ર પત્રકારત્વ (freelance journalism) કરવા લાગી. સ્થાનિક લોકોના પાયાના પ્રશ્નોને વાચા આપવા લાગી. લોકોની વાત અને વેદના તંત્ર સુધી પહોંચાડવા લાગી.

જંસિતા ઉત્તમ પત્રકારત્વ કરી રહી હતી. તેની અભિવ્યક્તિ મોટાભાગે પદ્ય પ્રકારે રહી. એટલું ઉત્તમ પદ્ય લખે કે, વાંચનાર-સાંભળનારને એવું લાગે… “ઓહો! આ તો મારા જ પ્રશ્નોની વાત કરે છે!” તેની એક કવિતા અહીં રજૂ કરું છું.
કવિતાનું શીર્ષક છે

“जहाँ कुछ नहीं पहुंचता”
पहाड़ पर लोग पहाड़ का पानी पीते हैं
सरकार का पानी वहाँ तक नहीं पहुँचता
मातृभाषा में कोई स्कूल नहीं पहुँचता
अस्पताल में कोई डॉक्टर नहीं पहुंँचता
बिजली नहीं पहुँचती इंटरनेट नहीं पहुँचता
वहाँ कुछ भी नहीं पहुँचता
साब! जहाँ कुछ भी नहीं पहुँचता
वहाँ धर्म और गाय के नाम पर
आदमी की हत्या के लिए
इतना ज़हर कैसे पहुँचता है?

- Advertisement -

આ તો એની એક કવિતા રજૂ કરી છે. એની કવિતામાં કોમીએક્તા, પ્રકૃતિપ્રેમ, ખેડૂતોના પ્રશ્નો, માતૃભાષા પ્રત્યેનો પ્રેમ, સ્ત્રીઓની સમસ્યા, કુરિવાજો અને અંધશ્રદ્ધાની વિપરીત અસરો વગેરે ઝળકતા હોય. સાંપ્રત ઘટનાઓ (currant affairs) વિષે પણ એના પદ્યમાં મૌલિક વિચારો રજૂ કરે. આ રીતે એ સમાજસેવાનું પણ કામ કરે. જે પત્રકારત્વનો આદર્શ છે. જંસિતાની વાત અહીં અટકતી નથી.

એની કવિતા એટલી બધી પ્રચલિત બની કે, દેશ-વિદેશની ભાષામાં તેના અનુવાદ થવા લાગ્યા. એનું પહેલું પુસ્તક 2016માં હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું. ત્યાર પછી એનો હિન્દી-જર્મનીમાં અનુવાદ ‘ગ્લૂટ’ નામે પ્રકાશિત થયો. જેનું પુનઃમુદ્રણ પણ થયું. ભારતીય જ્ઞાનપીઠ અને જર્મનીના દ્રૌપદી વેરલાગ અને હાઇડલબર્ગ પ્રકાશકે જંસિતાનો બીજો કાવ્યસંગ્રહ ‘जड़ों की ज़मीन’નો હિન્દી, અંગ્રેજી અને જર્મનીમાં અનુવાદ પ્રકાશિત કર્યો. ઈટલીના તુરીનો શહેરમાં 31મો વૈશ્વિક પુસ્તક મેળો (International book fair) યોજાયો હતો. જેમાં જંસિતાનો હિન્દી કાવ્યસંગ્રહ ‘अंगोर’નો ઈટલી ભાષામાં અનુવાદ ‘બ્રાચે’ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ દેશની પ્રથમ આદિવાસી કવિયિત્રી છે કે, જેની કવિતાને વૌશ્વિક સ્તરે આટલું મહત્ત્વ અપાયું હોય! જંસિતાની કવિતાના અનુવાદ ઘણીબધી વૈશ્વિક અને ભારતીય ભાષામાં થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જંસિતાને કાફોસ્કરી યુનિવર્સિટી (CA ‘Foscari University of Venice), મિલાન યુનિવર્સિટી (Milan University), તુરીનો યુનિવર્સિટી (University of Turin), જ્યૂરીખ યુનિવર્સિટી (University of Zurich) જેવા વૈશ્વિક મંચ પર અનેક વાર કાવ્યપઠન માટે આમંત્રિત કરવામાં આવી છે. જ્યાં એણે પોતાની કવિતા વિષે વિશ્વ કક્ષાએ સંવાદ કર્યો છે.

- Advertisement -

જંસિતાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા સન્માન પ્રાપ્ત કર્યા છે. જંસિતાને ‘વિશંકર ઉપાધ્યાય યુવા કવિતા’ પુરસ્કાર, ઝારખંડ ઇન્ડીજીનસ પીપલ્સ ફોરમ, થાઈલેન્ડનો ઇન્ડીજીનસ વોઇસ ઓફ રિકોગ્નિશન એવોર્ડ (AIPP), છોટા નાગપુર સાંસ્કૃતિક સંઘ પ્રેરણા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. ભારતીય ભાષાનિ વાત કરીએ તો જંસિતાનિ કવિતાઓનો અનુવાદ પંજાબી, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી, આસમિયા, કન્નડ, તામિલ, સંથાલી ભાષામાં થયો છે.

અહીં આજે તો વાત કરી એક જંસિતાની. આવી અનેક જંસિતા ભારતમાં અને વિશ્વભરમાં છે. આદિવાસી હોવાને કારણે અથવા સામાજિક પછાત હોવાને કારણે તેઓ મુખ્યધારામાં પ્રવેશી શકતા નથી. તેમ છતાં અનેક અવરોધો વચ્ચે પણ જંસિતાએ આ લેવલ સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા અને હજી પણ એની સફર અવિરત ચાલું છે. જંસિતા તેના અવરોધો દૂર કરવામાં સફળ રહી એ એની આવડત હતી. આપણે પણ એમને અવરોધ દૂર કરવામાં મદદરૂપ થઈએ અને વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ અને છેલ્લે ફરી જંસિતાની એક કવિતા કહીને વાત પૂરી કરું.
माँ
एक बोझा लकड़ी के लिए
क्यों दिन भर जंगल छानती,
पहाड़ लाँघती,
देर शाम घर लौटती हो?
माँ कहती है :
जंगल छानती,
पहाड़ लाँघती,
दिन भर भटकती हूँ
सिर्फ़ सूखी लकड़ियों के लिए।
कहीं काट न दूँ कोई ज़िंदा पेड़!

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular