નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં વધારો થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સતત ડ્રગ્સના જથ્થા, સપ્લાયર અને પેડલરને પકડવા માટે કાર્યવાહી થઈ રહી છે, છતાં પણ ડ્રગ્સનો વેપાર અટકવાનું નામ નથી લેતો. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં 20 નાર્કોટિક્સના કેસ નોંધાયા છે જેમાંથી 12 તો એમ.ડી. ડ્રગ્સના જ છે. પોલીસે આ મામલે ઉંડી તપાસ કરતા તપાસનું એપી સેન્ટર રાજસ્થાનનું પ્રતાપગઢ અને સાંચોર હોવાની માહિતી સામે આવી છે. કારણ કે, અહિંથી જ ડ્રગ્સની કાર્ટેલ ડ્રગ્સ સપ્લાય ચેન ચલાવી રહી છે. આ મામલે અમદાવાદ SOGની ટીમ રાજસ્થાનના 2 ડ્રગ ડીલરની ધરપકડ કરવા પ્રક્રીયા શરૂ કરી છે.
અમદાવાદ પોલીસે આશ્રમ રોડ પર આવેલી સિટી ગોલ્ડ સિનેમા પાસેની ગલીમાંથી રૂપિયા 3.12 લાખની કિંમતનો 31.200મીલી એમડી ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સના આ જથ્થા સાથે પોલીસે એક પેડલરની પણ ધરપકડ કરી હતી. આ મામલાની તપાસમાં પોલીસને રાજસ્થાનના પ્રતાપગઢ અને સાંચોર એપી સેન્ટર હોવાની માહિતી મળી હતી.
અમદાવાદ પોલીસે સિટી ગોલ્ડ પાસેની ગલીમાંથી ડ્રગ્સ સાથે પકડેલા આરોપી રઈશ મૂળ દાણીલીમડાનો છે જે હાલ શાહપુર અંબાલાલની પોળમાં રહેતો હતો તેના ઘર પાસે રહેતા સોહેલે ડ્ગર વેચવા માટે આપ્યું હતું અને આશ્રમ રોડ પાસે સિટી ગોલ્ડ પાસેની ગલીમાં ગ્રાહકનો નંબર આપ્યો હતો, પરંતુ પોલીસે ગ્રાહકને ડિલિવરી થાય તે પહેલા જ રઈશ ઉર્ફ પટવાને પકડી લીધો હતો.
રાજસ્થાનથી ડ્રગ્સનો કાળા કારોબાર ચલાવતા માફિયાઓ અમદાવાદ ડિલિવરી કરવા માટે માણસને રૂપિયા 10-15 હજાર આપે છે. ડ્રગ્સ ડીલર માણસને કેરિયર તરીકે બસ કે ટ્રેન મારફતે ગુજરાતમાં અમદાવાદ મોકલી 30 ગ્રામનું કન્સાઈનમેટ આપે જેના માટે 10-15 હજારની રકમ ચૂકવે છે.
આ મામલે SOG ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયરાજસિહં વાળાએ જણાવ્યું છે કે, “રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદમાંથી મોટા પાયે એમડી, ગાંજો, કફ સીરપ જેવા નશાકારક પદાર્થોના વેચાણ, હેરાફેરી અને વરરાશ વધ્યો છે. તેના પર પોલીસ સતત મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. જોકે, દેશભરમાં એમડી ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ-સાંચોરમાંથી સપ્લાય થતુ હોવાની માહિતી પોલીસને મળી છે.”








