નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા અસામાજિક તત્વો વધુ બેફામ બન્યા છે તેનું વધારે એક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં એક પોલીસ કોન્સટેબલને જ આ અસામાજિક તત્વોએ માર મારવાની ઘટના બની છે. અમદાવાદ પોલીસના એક કોન્સટેબલ પોતાની ખાનગી કાર લઈને નરોડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલની કાર સામે એક કાર આવી અને કોન્સ્ટેબલને કાર રિવર્સ કરવાનું ઇશારાથી કીધું, પરંતુ કાર રિવર્સ થઈ શકે તેમ ન હતું જેના કારણે સામેથી આવેલા કાર ચાલકે નીચે ઉતરીને કોન્સ્ટેબલને માર માર્યો હતો.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ અમદાવાદનાં નરોડા વિસ્તરમાં રહેતા અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ હિતેશ પટેલ જ્યારે પોતાના સંબંધીના ઘરેથી નીકળીને નરોડા વિસ્તારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું અને ટ્રાફિક જામ થઈ ગયું હતું. તેવામાં એક ઇનોવા કાર તેમની સામે આવીને ઊભી રહી અને ડીપર મારીને ઈશારથી હિતેશ પટેલને તેમની કાર રિવર્સ કરવા કહ્યું, પરંતુ તેમની કારની પાછળ બીજી કારની લાઇન હોવાને કારણે તેમણે કાર રિવર્સ લઈ શકે તેમ હતું નહીં.
જ્યારે પોલીસ કોન્સ્ટેબલે પોતાની કાર રિવર્સ ન લીધી ત્યારે સામેથી આવેલી ઇનોવા કારમાંથી એક વ્યક્તિ ઉતર્યો અને કોસટેબલને કારની બહાર કાઢીને માર મારવા લાગ્યો અને ત્યાર બાદ પોતાની કારમાંથી લાકડાનો દંડો લઈને પણ કોન્સ્ટેબલને માર માર્યો. આ ઉપરાંત ઇનોવા કારમાં બેઠેલી એક મહિલા પણ કારમાંથી નીચે ઉતારીને કોન્સ્ટેબલને ગાળો બોલવા લાગી. આ ઘટનાની થોડી જ વારમાં પાછળથી એક બીજી કાર આવી અને તેમાંથી પણ કેટલાક વ્યક્તિઓ ઉતર્યા અને પોલીસ કોન્સ્ટેબલને મારવા લાગ્યા હતા.
જ્યારે હિતેશ પટેલે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો આ બધા પૈકી કોઈ એક વ્યક્તિએ એવું કહ્યું કે આને આપણી ગાડીમાં બેસાડીને ઓફિસ લઈ લો. પછી જ્યારે હિતેશ પટેલે કહ્યું કે હું પોલીસમાં છું ત્યારે આ લોકોએ તેમને મારવાનું બંધ કર્યું અને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ પોલીસ કોન્સટેબલ હિતેશ પટેલે ક્રુષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.








