પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): માણસ જ્યાં નોકરી કરે છે ત્યાં માત્ર સાથે કામ કરનાર સાથીઓને જ પ્રેમ કરતો નથી, પણ જ્યાં કામ કર્યુ છે તે ઓફિસની દિવાલો અને તે ધરતીને પણ તે જાણે-અજાણે પ્રેમ કરવા લાગે છે. અમદાવાદ ગાયકવાડ હવેલી વિસ્તારમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચમાં બે દાયકા કરતા વધુ સમય ફરજ બજાવનારા આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર ભરતસિંહ વાઘેલાની નિવૃત્તી પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને સાથી સ્ટાફે ભવ્ય વિદાય આપી ત્યારે ક્રાઈમ બ્રાન્ચમાંથી બહાર નિકળતી વખતે ભરતસિંહ વાઘેલાએ જ્યાં બે દાયકા કામ કર્યુ તેવી ક્રાઈમ બ્રાન્ચની ધરતીને નીચે નમી વંદન કરતા ભરતસિંહ સહિત ત્યાં હાજર સ્ટાફની આંખો ભીની થઈ ગઈ હતી.
1984માં પોલીસ ગુજરાત પોલીસ દળમાં ભરતી થયેલી ભરતસિંહ વાઘેલા 1997માં ક્રાઈમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા હતા. એક વખત પોલીસ મેડલ તેમજ વિશીષ્ઠ સેવા મેડલથી સન્માનીત ભરતસિંહ તા 30મી જુનના રોજ નિવૃત્ત થતાં હતા, જ્યારે 1 જુલાઈના રોજ રથયાત્રા નિકળી રહી હતી, ચોવીસ વર્ષથી રથયાત્રાનો બંદોબસ્ત કરનાર ભરતસિંહના મનમાં એક જ અફસોસ હતો કે જો તેમના નિવૃત્તીના એક દિવસ પછી નિકળનારી રથયાત્રાના બંદોબસ્તમાં કામ કરવા મળે તો તેમની પચ્ચીસમી રથયાત્રા થાય. આ વાતની જ્યારે ઈન્સપેકટર હરીત વ્યાસને ખબર પડી ત્યારે તેમણે ભરતસિંહને યાત્રાના બંદોબસ્તમાં સામેલ કરવા સિનિયર અધિકારીની મંજુરી લીધી અને ભરતસિંહ યાત્રાનો હિસ્સો બન્યા.
રથયાત્રાની વ્યસ્તતાને કારણે ભરતસિંહ માટે વિદાય સમારંભ યોજાઈ શક્યો ન્હોતો. જેના કારણે તા 5મી જુલાઈના રોજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ભરતસિંહ વાઘેલા માટે એક ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ડીસીપી ચૈતન્ય માંડલીક અને એસીપી ડી પી ચુડાસમાની હાજરીમાં તમામ પોલીસ ઈન્સપેકટર્સ અને સ્ટાફે ભરતસિંહની કામગીરી બીરદાવી હતી. ભરતસિંહ પોતાના પરિવાર સાથે વિદાય સમારંભમાં આવ્યા હતા. તેમને વિદાય આપતી વખતે સમગ્ર સ્ટાફે તેમની ઉપર ફુલો વરસાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની બહાર નિકળી ભરતસિંહે ક્રાઈમ બ્રાન્ચની ધરતીને વંદન કર્યુ હતું, ભરતસિંહને ઘરે મુકવા માટે એક ખાસ સરકારી કારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સરકારી કાર સ્ટાફે ખેંચી ભરતસિંહ પ્રત્યે પોતાનું માન અને પ્રેમ વ્યકત કર્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારની વિદાય ઉચ્ચ અધિકારીઓને જ મળે છે, પરંતુ એક એએસઆઈ કક્ષાના અધિકારીને આટલુ માન મળ્યુ હોય તેવો આ પહેલો કિસ્સો છે.








