નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ
આદરણીય
લોચન શહેરાજી,
તહેવારોની મોસમ સાથે સ્વતંત્રતા દિવસ પણ આવી રહ્યો છે. આપને તહેવારો અને સ્વતંત્રતા દિવસની ઘણી શુભેચ્છા. તમારા શીરે અમદાવાદ શહેરના લોકોની સુખાકારી અને રોજબરોજ પડતી હાલાકીઓ દુર કરવાની જવાબદારી છે. આપે ભારતીય વહીવટી સેવામાં દાખલ થઈ અમારા જેવા આમ નાગરિકોના જીવનની મુશ્કેલી દુર કરવાનો નિર્ણય કર્યો જેની અમે સરાહના કરીએ છીએ, પણ તમે તમારી સરકારી કારમાં બંધ કાચ વચ્ચે અમારી પાસેથી પસાર થઈ જાઓ છો અને અમારી તકલીફો તમને સ્પર્શતી પણ નથી.
અમારે શ્રીમંતો સામે કોઈ નારાજગી નથી કારણ કે અમે તો કર્મના સિદ્ધાંતમાં માનનારી પ્રજા છીએ. અમારા ગરીબ હોવાનો દોષ અમે સરકારને કે તમને આપતા નથી, જેને અમે પ્રારબ્ધ તરીકે જોઈએ છીએ. પરંતુ માઠું ત્યારે લાગે છે જ્યારે આપ અને આપનું તંત્ર ગરીબ અને શ્રીમંતોને અલગ અલગ ત્રાજવે તોલો છો. અમારી પાસે એવી વ્યવસ્થા નથી કે અમે એક નાનકડી દુકાનમાં માનભેર અમારો વ્યવસાય કરી શકીએ. અમે રસ્તો ઊભા રહી અમારી રેકડીમાં મધ્યમ વર્ગના લોકો માટે ફળ, રાખડી, કપડા, શાકભાજી લઈને વેપાર કરીએ છીએ. અમને ખબર છે કે મધ્યમ વર્ગની સ્થિતિ પણ કાંઈ સારી નથી. મધ્યમ વર્ગને મોલમાં જવું પરવડે તેમ નથી. તેમને રેકડી ઉપર મળતી રોટલી શાક, ચા, કે શાકભાજી જ પોસાય તેમ છે. ગરીબી સામે વાંધો નથી પણ રોજ બરોજ અમે પોલીસ, તમારું દબાણ ખાતુ અને સ્થાનીક ગુંડાઓનો ત્રાસ સહન કરીએ છીએ. અમે દરેકનો વ્યવહાર સાચવી લઈએ છીએ છતાં બોનસમાં રોજ અમને અપમાન મળે છે.

અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ છ રસ્તા પાસે જય હિંદ નામની એક આલીશાન મીઠાઈની દુકાન છે. આ દુકાનમાં તમારા જેવા વગદાર લોકો જ મીઠાઈ ખરીદી શકે તેટલી મોંઘી મીઠાઈઓ છે. અમારા છોકરાઓ તો આ મીઠાઈની દુકાનના શોકેસમાં મુકેલી મીઠાઈઓ માત્ર દુરથી જ જુએ છે. તહેવારોની મૌસમ છે, જય હિંદ જેવી મોટી દુકાનોને પણ ધંધો કરવાનો અધિકાર છે. એટલી મોટી ગ્રાહકી છે કે વ્યવસ્થા માટે બાઉન્સર રાખવા પડે છે. જય હિંદનો માલિક નક્કી જ વગદાર હશે, કારણ વધતી ગ્રાહકીને પહોંચી વળવા અમદાવાદ કોર્પોરેશનની માલિકીની ફુટપાથ ઉપર મંડપ બાંધી દીધો છે. અહીંયા એક માત્ર જય હિંદ દુકાનની જ વાત નથી. આવી તો અમદાવાદ શહેરમાં અસંખ્ય જગ્યાઓ છે જ્યાં મોટા વેપારીઓ ફુટપાથ કે રોડ પર જ મંડપ ઊભા કરી દે છે.
આ મીઠાઈની દુકાનમાં અનેક સરકારી ગાડીઓ પણ મીઠાઈ લેવા આવે છે. અમને લાગે છે કે આ સરકારી બાબુઓને ફૂટપાથ પરનો મંડપ દેખાતો નહીં હોય. કારણ અમારી રેકડી તો બધાને દેખાય છે. જો વાંધો હોય તો, રેકડી હોય કે જય હિંદ સ્વીટ માર્ટ જેવી મોટી દુકાન હોય કાયદો તો બધા માટે સમાન હોવો જોઈએ. પણ અમને લાગે છે તમારી પાસે ગરીબ અને શ્રીમંત બંને માટે ન્યાયનું અલગ અલગ ત્રાજવું છે. શ્રીમંત વધારે શ્રીમંત થાય તો અમને કાંઈ વાંધો નથી પણ તમારું તંત્ર અમારી રોજી રોટી છીનવી ન લે એટલી તો દયા રાખો. રક્ષાબંધનનો તહેવાર પણ આવી રહ્યો છે. આ અમદાવાદ શહેરની રેકડી પર ધંધો કરનારી મહિલાઓ તમને રાખીના સોગંદ આપી વિનંતી કરી રહી છે કે અમારી સાથે માણસ જેવો વ્યવહાર કરો.
લી. તમારી રેકડીવાળી બહેન








