નવજીવન ન્યૂઝ. મોરબીઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી IT વિભાગ સક્રિય થયું છે. IT વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરતા હોય છે ત્યારે આજે IT વિભાગ દ્વારા મોરબીમાં સપાટો બોલાવ્યા છે. જુદા-જુદા કારખાનાઓમાં ITના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
આજે વહેલી સવારથી જ મોરબી સહિત અમદાવાદ અને રાજકોટમાં ITના દરોડા શરૂ થયા છે. મોરબીના બે કારખાનામાં IT વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ ઢુવા અને વઘાસિયા પાસે આવેલા ક્યુટોનના કારખાનામાં IT વિભાગે ધામા નાખ્યા છે. મોરબીમાં IT વિભાગના દરોડા દરમિયાન સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. એશિયન ગ્રોનિટો સાથે જોઈન્ટ વેન્ચરમાં રહેલી બે સિરામિક ફેકટરી પર IT વિભાગનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. IT વિભાગની અલગ-અલગ ટીમો ચારે તરફ દરોડા પાડી સર્ચ ઓપરેશન કરી રહી હોવાનું સામે આવ્યું છે. આઈટી વિભાગ નાણાકીય હિસાબોની તપાસ શરૂ કરી છે.








