Thursday, June 25, 2026
HomeGujaratઉર્વીશ કોઠારીના પુસ્તક ‘મારી પત્રકારત્વ લેખનની સફર’નું વિમોચન…

ઉર્વીશ કોઠારીના પુસ્તક ‘મારી પત્રકારત્વ લેખનની સફર’નું વિમોચન…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ ઍસોશિએશન(AMA) ખાતે જાણીતાં પત્રકાર ઉર્વીશ કોઠારીના પુસ્તક ‘મારી પત્રકારત્વ લેખનની સફર’નું વિમોચન થયું. શનિવારે ઢળતી સાંજે વરસાદી માહોલ વચ્ચે ‘AMA’ના એચ.ટી.પારેખ હોલમાં આમંત્રિતોનું આગમન શરૂ થઈ ચૂક્યું હતું. છ વાગે આમંત્રિતો ગોઠવાયાં અને કાર્યક્રમનો દોર સંભાળ્યો આરપાર-અભિયાન મેગેઝિનના પૂર્વ તંત્રી પ્રણવ અધ્યારૂએ. પ્રણવભાઈએ શિરસ્તા મુજબ પુસ્તકના લેખક ઉર્વીશભાઈની ટૂંકી ઓળખ આપી તેમને સ્ટેજ પર આમંત્ર્યા. તે પછી ઉદ્ઘોષક વતી મંચસ્થ થનારાંઓને એક પછી એક આમંત્રણ આપવામાં આવ્યું અને તેની સાથે તેમનો ટૂંકો પરિચય આપ્યો. મંચસ્થ મહાનુભાવોમાં જાણીતાં નવલકથાકાર અને ચરિત્રલેખક રજનીકુમાર પંડ્યા, હાસ્યલેખક રતીલાલ બોરીસાગર, અગ્રગણ્ય કર્મશીલ-નિરીક્ષક વિચારપત્રના તંત્રી પ્રકાશ ન. શાહ અને દલિત-સાંપ્રત મુદ્દાના અભ્યાસી-લેખક અને કર્મશીલ ચંદુ મહેરિયા હતા. તેમની સાથે મંચ પર ઉર્વીશભાઈના માતા સ્મિતાબહેન કોઠારી પણ હતાં. આ નિમિત્ત ખાસ કરીને વડીલસાથી જયંત મેઘાણી અને ઉર્વીશભાઈના પરમમિત્ર આશિષ કક્કડને યાદ કરવામાં આવ્યા. આ બંનેની વિદાય આકસ્મિક રહી છે.

કાર્યક્રમના સંચાલન કરતાં પ્રણવભાઈના હાસ્યટીપ્પણીઓ સાથે-સાથે કાર્યક્રમ આગળ વધ્યો. નિર્ધારીત ક્રમ મુજબ ઉર્વીશભાઈ સાથે પ્રથમ સંવાદ કરવા કટારલેખક દીપક સોલિયા અને પત્રકાર રહી ચૂકેલાં હેતલ દેસાઈ આવ્યાં. ઉર્વીશભાઈનો પત્રકારત્વમાં પ્રવેશના નિમિત્ત બનનારા દીપક સોલિયા-હેતલ દેસાઈને પ્રથમવાર ઉર્વીશભાઈને મળવાનું કેવી રીતે, ક્યારે થયું અને તે વખતે જે છબિ તેમની ઝિલાઈ તે વિશે પૂછાયું. દીપકભાઈએ તે વાતો માંડીને કરી. ઉર્વીશભાઈની પસંદગી, તેમનો ઇન્ટરવ્યૂ અને પછી અભિયાનમાં ઉતીર્ણ થયા તે પૂરી પ્રક્રિયા વર્ણવી. આમાં અભિયાન મેગેઝિનના તે વખતના કાર્યઅનુભવો ટાંક્યાં. દીપકભાઈએ એક કિસ્સામાં કહ્યું કે, ઉર્વીશભાઈની પસંદગી થઈ હતી ત્યારે એક વ્યક્તિની અરજી નકારવામાં આવી હતી અને તે વ્યક્તિ આજે મોટાં અખબારી જૂથના તંત્રી થઈ ચૂક્યા છે. તેઓ દીપકભાઈને મળે ત્યારે એવી ફરિયાદ કરે કે તમે મને નાપસંદ કર્યો હતો. દીપકભાઈએ આ વાત એક દાખલો આપીને સમજાવી કે અમારે ઑલ ઇન્ડિયા રેડિયો માટે અમીન સયાની જ જોઈતા હતા, એટલે અમિતાભ બચ્ચનને રિજેક્ટ કર્યાં! દીપકભાઈએ ટાંકેલા કિસ્સા ઉર્વીશભાઈના પુસ્તકમાં નહીં હોય, પણ તેમના પત્રકારત્વના સફરની આ શરૂઆતનો ઉલ્લેખ પુસ્તકમાં જરૂરથી હશે.

- Advertisement -

તે પછી ઉર્વીશભાઈ સાથે સંવાદ કરવા ક્રાઇમ રિપોર્ટર પ્રશાંત દયાળ આવ્યા. ગુજરાતી અખબાર જગતમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે પ્રશાંત દયાળની ખ્યાતિ છેલ્લા ત્રણ દાયકાથી અકબંધ છે અને એટલાં જ સમયથી ઉર્વીશભાઈ સાથેની તેમની મિત્રતા છે. એક સમયે ગુજરાતી અખબારોમાં ઉર્વીશ-પ્રશાંત નામે કોલમ આવતી હતી. આ બંનેની અઢી દાયકાની અકબંધ મિત્રતાની વાત થઈ અને સાથે પ્રશાંતભાઈએ ઉર્વીશભાઈ જોડેના પ્રથમ પરિચયના કિસ્સા ટાંક્યા. બંનેને મળવાનું થયું હતું અભિયાનની મુંબઈની ઑફિસે. પ્રથમ મુલાકાતમાં ઠીકઠીક પરિચય કેળવાયો અને આજ દિન સુધી ટકી રહ્યો. પ્રશાંતભાઈએ પણ અભિયાન ઑફિસના અને તે પછી જાણીતાં નવલકથાકારના અશ્વીની ભટ્ટના રહેઠાણની અભિયાન-ઑફિસના રસપ્રદ કિસ્સાઓ કહ્યા. અગત્યની વાત ઉર્વીશભાઈ વિશે એ કહી કે, ઉર્વીશે મને કશું કહ્યા વિના મારામાં પરિવર્તન આણ્યું. ક્રાઇમ રિપોર્ટર તરીકે માણસમાં બરછટપણું આવી જાય છે અને એક તૉર તેમાં ચઢે છે, તે બધું ઉતારવામાં ઉર્વીશ અને દીપકનો સાથ મહત્ત્વનો રહ્યો. આ વાતે તાળીઓનો ગડગડાટ થયો. પ્રશાંતભાઈએ બંનેની મિત્રતા ટકી રહી છે તેના વિશે કહ્યું કે, મિત્રતાનો હિસાબ ટકાવારીમાં નથી હોતો, તે પૂરો જ હોય છે. મિત્રને જમા-ઉધાર પાસાં સાથે સ્વીકારવાનો હોય છે પછી ભલે અમે છીએ તેમ તેઓ બે અંતિમછેડાના માણસો કેમ ન હોય.

આ સંવાદોની વચ્ચે પ્રણવભાઈની સહજ હ્યુમરની ટિપ્પણીઓ આવતી રહી, અને સંવાદ રસપ્રદ રીતે ચાલતો રહ્યો. આગળ સંવાદ કરવા પૂર્વી ગજ્જર આવ્યાં. પૂર્વી ગજ્જર હાલ કુવૈત સ્થાયી છે, પણ ઉર્વીશભાઈની પત્રકારત્વની આરંભની સફરના સાથી રહી ચૂક્યાં છે. તેમણે ઉર્વીશભાઈ સાથેની મિત્રતામાં બંનેના એક સરીખી દૃષ્ટિ અને આહારમાં સ્વાદાનંદનું ફેક્ટર ગણાવ્યું. દલિતશક્તિમાં મેગેઝિનમાં ઉર્વીશભાઈના વ્યક્તિત્વ-લેખનીમાં જે સંવેદનશીલતા જોઈ તેનાથી પૂર્વીનો મત ઉર્વીશભાઈ વિશે દૃઢ એ રીતે થયો કે આ વ્યક્તિ કશુંક નક્કર કરવા આ ક્ષેત્રમાં આવ્યો છે.

અહીંયા સુધી સંવાદ કરવા અર્થે ઉર્વીશભાઈના આરંભના સાથી હતા અને તે પછી તેમના પત્રકારત્વના બીજા દાયકાનાં સાથીઓ આવ્યા. તેમાં હાલમાં ગુજરાતી ભાષાનું એકમાત્ર પ્રવાસન મેગેઝિન ‘જિપ્સી’નું તંત્રીપદું સંભાળતા હર્ષલ પુષ્કર્ણા હતા. જ્ઞાન-વિજ્ઞાન-માહિતી પીરસવાનો વારસો જે પરિવાર છેલ્લા છ દાયકાથી જાળવ્યો છે, તે પરિવારમાંથી હર્ષલ આવે છે. તેમના દાદા એટલે વિજયગુપ્ત મૌર્ય અને પિતા નગેન્દ્ર વિજય છે. હર્ષલે નિખાલસ રીતે કબૂલ્યું કે પ્રથમ પરિચયમાં ઉર્વીશભાઈ સાથે કમ્ફર્ટ લેવલ નહીં જળવાય તેમ લાગતું હતું. જોકે પછી ટૂંકા ગાળામાં તે અનુભવ ઝડપથી ઓગળ્યો અને આજે ઉર્વીશભાઈ તેમના મોટાભાઈ માનીને માર્ગદર્શક બન્યા છે. સંવાદ તે પછી હાલના પત્રકારત્વના મુદ્દા પર આવ્યો. લાંબુ લખવા વિશે અખબારી સંસ્થાની ઉદાસીનતાએ કેવી રીતે માંડીને વાત કરતાં લેખકોનો ભોગ લીધો છે તે સ્વાનુભવ હર્ષલે વર્ણવ્યો. જ્ઞાન-વિજ્ઞાનની વાતોની પણ હવે સેંકડોમાં રીલ બનાવવી પડે છે અને તો જ તે જોવાય છે. પહેલાં અને આજના પત્રકારત્વનો તફાવત એક વાક્યમાં હર્ષલે મૂકી આપ્યો કે પહેલાં સારાં લેખકો શોધવા પડતાં આજે તે સ્થિતિ સાચા વાચકો શોધવાની થઈ પડી છે.

- Advertisement -

આગળના યુવાસાથી આવ્યા તે ધૈવત ત્રિવેદી. નવલકથાકાર તરીકે ધૈવતનું નામ આજે નવી પેઢીમાં સ્થાપિત થઈ ચૂક્યું છે. તેઓએ કિશોરાવસ્થામાં વિસ્મયથી જે રીતે ઉર્વીશભાઈને વાંચ્યાં તે કહ્યું અને તે પછી પત્રકારત્વમાં પ્રવેશ્યા બાદ ઉર્વીશભાઈના લેખનનાં વિષયોથી જે મત બંધાયો હતો તે જણાવ્યું. તેઓએ ઉર્વીશભાઈને લખાણથી ધીરગંભીર માની લીધા હતા અને તેમની સાથે સહજ કેમ વર્તાય તેવાં પ્રશ્નો તેમને મનમાં સતાવતા હતા, પરંતુ તે પછી દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચારમાં સાથે કાર્ય કરતી વખતે આવું કોઈ આવરણ ન રહ્યું. આ સમયગાળા દરમિયાન રોજેરોજનો ઉર્વીશભાઈ સાથેનો વાતોનો અવિરત દોર આગળ વધતો ગયો. ચાની કિટલીઓ પર ચાની ચુસકીઓ સાથે કલાકો વીતતાં અને એમાં ઉર્વીશભાઈની મહેમદાવાદ જવાની અનેક ગાડીઓ પણ ચૂકાતી. તેના પરિણામે પછીના ગાળામાં સાર્થક પ્રકાશનમાં સહિયારી ભાગીદારી થઈ અને તે આજેય જળવાઈ છે. બંને વચ્ચેનો ઉંમર અને અનુભવનો ફરક ઓગળી ગયો. રૂડું કાઠિયાવાડની મુલાકાતો, દિગ્ગજ લેખકોને મળવા અર્થે નિમિત્ત બનેલાં ઉર્વીશભાઈ આવું ઘણું ધૈવતે કહ્યું. સૌથી અગત્યની વાત હોલમાં બેસેલાં અનેક લોકોને એકબીજા સાથે પ્રથમવાર ભેટો કરાવવામાં નિમિત્ત ઉર્વીશભાઈ છે તે જણાવ્યું.

આટલો સંવાદ પૂર્ણ થયો ત્યાં સુધી દોઢ કલાક વિતી ચૂક્યો હતો અને ત્યાર બાદ નડિયાદના સુરજબા મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ અને બહુમતિપ્રતિભા ધરાવતાં હસિત મહેતા મંચ પર આવ્યા. તેમણે અને પ્રણવ અધ્યારૂએ ફરી ઉર્વીશભાઈ સાથેના જીવનનાં અને સાથેનાં સાહસોનાં મહત્વના ઘટનાક્રમ વાગોળ્યા. ‘આરપાર’ મેગેઝિનની ધિંગામસ્તી અને તેમાં થયેલાં અદ્ભુત વિશેષાંકો વિશેની વાત પ્રણવભાઈએ મૂકી. તે વિશેષાંકોમાં ઉર્વીશભાઈની ભૂમિકા અને તેમણે આવરેલાં અદ્ભુત વિષયોની પ્રક્રિયા વર્ણવી. આ સંવાદો દરમિયાન હોલમાં તાળીઓનો ગડગડાટ અને હાસ્ય સતત કાને પડતું રહ્યું. આ ચર્ચાઓમાં ગુજરાતી પત્રકારત્વનો વિતેલાં બે ત્રણ દાયકાનો એક આખો માહોલ પણ ઝિલાયો.

અંતે ઉર્વીશભાઈએ પોતાની આ સફર વિશે થોડીક વાત કરી. સૌનો હૃદયથી આભાર માન્યો. વરસાદને લઈને કાર્યક્રમના આયોજનમાં રહેલો ઉચાટ અંગે જણાવ્યું અને તેમ છતાં મોટી સંખ્યામાં આવેલાં આમંત્રિતોને ફરી સહૃદયે આભાર વ્યક્ત કર્યો. આ પ્રકારના પુસ્તકની આવશ્યકતા કેમ છે તે જણાવતાં ઉર્વીશભાઈએ કહ્યું કે, ગુજરાતી પત્રકારત્વને બસો વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે તે વિશેનાં દસ્તાવેજિકરણ જૂજ જ જડે છે અને છેલ્લા બે દાયકામાં જે રીતે પત્રકારત્વ બદલાયું છે તે વિશે નહિવત્ દસ્તાવેજિકરણ છે, અને તેથી આ સમય દરમિયાનની પ્રક્રિયા વર્તમાન અને આવનારી પેઢી જાણે તે જરૂરી છે. પુસ્તક આત્મકથા નથી તે સ્પષ્ટ કર્યું, બલકે તે સમય અને પ્રક્રિયા ઝીલવાનો આખો ક્રમ છે. પત્રકારત્વના માળખામાં થયેલાં ઘરમૂળથી ફેરફાર પહેલાંનો યુગ પુસ્તકમાં જીવંત બનાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે તેમ જણાવ્યું. સૌપ્રથમ આ પુસ્તક ઉર્વીશભાઈના બ્લોગ પર લેખમાળા સ્વરૂપે લખાયું અને ત્યાર બાદ તેને પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઉર્વીશભાઈ પુસ્તક લખવાના ઉદ્દેશમાં અનેક મુદ્દા ટાંક્યા અને તેમાં તેમની મમ્મીનો સાચવણીનો સ્વાભાવિક ક્રમ તેમનામાં ઉતર્યો હોવાનું પણ કહ્યું. અંતે મંચસ્થ મહાનુભાવોના વક્તવ્યનો ઉપક્રમ ન ગોઠવીને જે અવિવેક કર્યો છે તેનું કારણ આપતાં જણાવ્યું કે તેઓ તો આવીને મારી પ્રશંસા જ કરવાના હતા, એટલે તે અવિવેક જરૂરી લાગ્યો. નવા પત્રકારોને સંબોધતાં ઉર્વીશભાઈએ એમ પણ કહ્યું કે આજે તેઓ જ્યાં ઉભા છે તે માત્ર આવડતના આધારે છે, પણ નવી પેઢીને તે ખાતરી આપી શકતા નથી કે હવેના પત્રકારત્વમાં તેઓ માત્ર આવડતથી ટકી શકશે કે નહીં. કારણ કે આવડત વિનાનાં અનેક લોકો આજે આ ક્ષેત્રમાં લાંબુ ટકી શક્યા છે. આ વાતને સાંકળતાં એમ પણ કહ્યું કે આજે ગુજરાતી મીડિયાને ઉર્વીશ, પ્રણવ અધ્યારૂ અને પ્રશાંત દયાળની આવશ્યકતા વર્તાતી નથી. આ પુસ્તક લખવાના વિસ્તૃત કારણ તો પુસ્તકના ‘આરંભે’ લેખકે આપ્યા છે. પુસ્તક પાકાં પુઠાંનું અને 288 પાનાનું છે. પ્રકાશિત સાર્થક પ્રકાશને કર્યું છે અને તેની કિંમત રૂપિયા 990 છે. કાર્યક્રમના દિવસે પુસ્તકની કિંમત 700 રાખવામાં આવી હતી.

- Advertisement -

હોલમાં ઉપસ્થિત રહેનારાઓમાં પત્રકારો, કર્મશીલો, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને ઉર્વીશભાઈના મિત્રો-પરિવાર સામેલ હતા. કાર્યક્રમ સુખરૂપે સંપન્ન થયો અને તે પછી સૌએ ભોજન સાથે ગોષ્ઠિ પણ અને સૌને હળવામળવાનો આનંદ માણ્યો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular