નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ શ્રાવણમાસમાં આવતા પવિત્ર તહેવારોને લઈને અવનવી વાનગીઓ બજારમાં બનાવવામાં આવતી હોય છે. ઉપરાંત આ માસમાં ફરાળી વાનગીઓની પણ વધુ ડિમાન્ડમાં રહેલી હોય છે. તેવામાં દુકાનદારો વધુ પૈસા કમાવવાની લાલચમાં અનેક ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા હોવાનું સામે આવતું હોય છે. જોકે આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે અમદાવાદમાં 50 સ્થળે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરાળી વાનગીઓનું વેચાણ કરતી 50 દુકાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં મીઠાઈના 20, મોરૈયો અને તલના 15, બેકરી પ્રોડક્ટસના 3, દૂધ અને દૂધની બનાવડના 10, ખાદ્યતેલ 9, મસાલા 5 અને અન્ય 5 વસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં અમદાવાદમાં ખમણની પ્રખ્યાત એવી દાસ ખમણની દૂકાનમાં એક જ તેલમાં વારંવાર વાનગીઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. તેલની ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC) 60-80 જેટલી ઊંચી હતી. જે બાદ આરોગ્ય વિભાગની ટીમે દાસ ખમણની દાણાપીઢ બ્રાન્ચ અને બોડકદેવ બ્રાન્ચને સીલ કરવામાં આવી છે. છેલ્લા 13 દિવસમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 103 ખાદ્યપદાર્થના નમુના ચકાસવામાં આવ્યા હતા. જેના નમૂનાના રિઝલ્ટ આવવાના બાકી છે.








