નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં ગઈકાલે રામનવમી નિમીત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે વખત પથ્થરમારાની ઘટના બની હતી. વડોદરામાં થયેલી જૂથ અથડામણ બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતુ. ગૃહમંત્રી હર્ષ સંધવી (Harsh Sanghvi) ના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે DGP વિકાસ સહાય (DGP Vikas Sahay) સહિતના પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા મોડીરાત સુધી ઘરમાં ઘુસી-ઘુસીને કથિત અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરામાં રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારમાં બે વખત પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો. ફતેપુરાના વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા નીકળી તે દરમિયાન બપોરના 1 વાગ્યાની આસપાસ ગરનારા પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટના બની. પરંતુ ડી.સી.પી. યશપાલ જગાણીયાએ કોઈ પથ્થર મારો થયો જ નથી કહીઘટના પર પડદો નાખ્યો હતો. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસે પણ સોશિયલ મીડિયામાં આવો કોઈ બનાવ ન બન્યો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પથ્થરમારો થયાના કેટલાક સામે આવેલા સ્પષ્ટ વીડિયોએ પોલીસના લુલા બચાવની પોલ ઉઘાડી પાડી હતી.
શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ રોષે ભરાયું હતું. કારેલીબાગથી ફતેપુરા સુધી ચાલતા-ચાલતા પહોંચીને અહીંથી શોભાયાત્રા કરવાની જીદ પકડી હતી. જોકે આ દરમિયાન ફતેપુરા વિસ્તારના કુંભારવાડામાંથી નીકળેલી બીજી શોભાયાત્રા દરમિયાન સાંજના 6 વાગ્યાની આસપાસ બે જૂથ સામ-સામે આવી ગયા હતા, ત્યારે બીજીવાર પથ્થરમારાનો બનાવ બન્યો હતો જે 15થી 20 મીનિટ સુધી ચાલ્યો હતો.
શોભાયાત્રા દરમિયાન એક જ વિસ્તારમાં બે વખત પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રીએ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત સ્થિતિને કાબૂમાં લેવા માટે 3 SRP ની ટુકડીઓ મોકલવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંગ પણ ફતેપુરામાં આવી પહોંચ્યા હતા. મોડી રાત્રિ સુધી પોલીસે કોંબીગ કરી ધરપકડનો દોર શરૂ કર્યો હતો.
મહત્વનું છે કે, ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ રાત્રિના 12 વાગ્યા સુધીમાં 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 20 લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








